Home Gujarat Mahisagar Santarampur Drugs Seizure 47 Lakh Opium Case

મહીસાગરમાં 47 લાખનો પોષડોડાનો જથ્થો ઝડપાયો : ફિલ્મી ઢબે કરાયો પીછો આરોપીઓ થયા ફરાર

ઝડપાયેલા પોષડોડાના જથ્થાની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 12, 2026, 02:12 PM IST

મહીસાગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંતરામપુર વિસ્તારમાં નાકાબંધી દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને રૂપિયા 47 લાખથી વધુનો પોષડોડાનો જથ્થો ઝડપ્યો છે. આ કાર્યવાહીથી જિલ્લામાં ચાલી રહેલી નશાની ગેરકાયદેસર હેરાફેરી પર મોટો પ્રહાર થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સંતરામપુર નજીક મહીસાગર પોલીસ અને SOG ટીમ દ્વારા સંયુક્ત નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતી એક ટાટા હેરિયર કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ફિલ્મી પીછો અને આરોપી ફરાર

પોલીસને જોઈને કારના ચાલકે ગાડી અટકાવવાને બદલે ઝડપ વધારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પણ તરત જ પીછો શરૂ કર્યો અને થોડા અંતરે કાર રોકાવવામાં સફળતા મળી. પરંતુ અંધારાનો લાભ લઈ આરોપી ગાડી અને તેમાં ભરેલો નશીલો જથ્થો મૂકીને ફરાર થઈ ગયો. પોલીસે કારની તપાસ કરતા અંદરથી કુલ 248.880 કિલોગ્રામ અફીણના જીંડવા (પોષ ડોડા) મળી આવ્યા. આ જથ્થાની બજાર કિંમત અંદાજે રૂપિયા 37,33,200 હોવાનું જણાવાયું છે. સાથે જ કાર, મોબાઇલ ફોન અને અન્ય સામાન સહિત કુલ રૂપિયા 47,38,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો : આદિત્ય રાઠોડ ઝડપાયો, 2 આરોપી ફરાર

ખોટી નંબર પ્લેટથી હેરાફેરી

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવીને નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યો હતો. આ મોડસ ઓપરંડી છેલ્લા કેટલાક કેસોમાં પણ જોવા મળ્યો છે, જેમાં મોંઘી ગાડીઓનો ઉપયોગ કરીને પોલીસને ભમરાવવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં આ પ્રકારનો આ ચોથો બનાવ નોંધાયો છે, જે દર્શાવે છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના ગેંગ સક્રિય છે અને સુનિયોજિત રીતે હેરાફેરી કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 133 કિલો ગૌ-માસ સાથે 2 આરોપી ઝડપાયા : દાણીલીમડા પોલીસે ₹3.43 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

NDPS અને BNS હેઠળ ગુનો નોંધાયો

આ મામલે મહીસાગર પોલીસ દ્વારા NDPS એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને અન્ય આરોપીઓની સંડોવણી પણ બહાર આવી શકે છે.

જિલ્લામાં નશા વિરુદ્ધ કડક અભિયાન

મહીસાગર પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયથી નશીલા પદાર્થો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સતત થઈ રહેલી આવી કાર્યવાહીઓથી સ્પષ્ટ થાય છે કે તંત્ર હવે આ મુદ્દે વધુ સજાગ અને કડક બન્યું છે. આ કેસમાં પણ મોટી માત્રામાં અફીણ ઝડપાતા નશાના ગેરકાયદેસર વેપારને મોટો ફટકો પડ્યો છે. પોલીસનું કહેવું છે કે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now