અમદાવાદમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાને પહોંચી વળવા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC ના એસ્ટેટ વિભાગે નવી યોજના અંતર્ગત એવા વ્યાવસાયિક અને સંસ્થાકીય એકમોને કરમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે, જે પોતાના પાર્કિંગ પ્લોટ નાગરિકોના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવશે.
આ યોજના હેઠળ થિએટર, શોપિંગ સેન્ટર, વ્યાવસાયિક કોમ્પ્લેક્સ, સામાજિક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક એકમોને તેમની હયાત પાર્કિંગ જગ્યા જાહેર ઉપયોગ માટે ખોલવાની તક આપવામાં આવશે. AMC નું માનવું છે કે શહેરમાં રહેલી ખાનગી પાર્કિંગ સુવિધાનો અસરકારક ઉપયોગ કરવામાં આવે તો રોડ પર વાહનોના દબાણમાં નોંધપાત્ર ઘટાડો આવી શકે છે.
પાર્કિંગ બદલ કરમાં રાહત
AMC દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવ અનુસાર જે વ્યાવસાયિક એકમો પોતાની પાર્કિંગ જગ્યા નાગરિકો માટે ઉપલબ્ધ કરાવશે તેમને મિલ્કત કર અથવા અન્ય નગરપાલિકા કરમાં રાહત આપવામાં આવશે. જોકે આ માટે કેટલીક મહત્વપૂર્ણ શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
સૌથી મહત્વની શરત એ રહેશે કે જે વાહનો વ્યાવસાયિક એકમના પ્લોટમાં પાર્ક થશે તેના બદલામાં વાહનચાલકો પાસેથી કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. એટલે કે પાર્કિંગ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવું પડશે.
તે ઉપરાંત સંબંધિત એકમોને તેમની પાસે ઉપલબ્ધ કુલ પાર્કિંગ જગ્યા, ક્ષમતા અને પ્લોટના ક્ષેત્રફળ અંગે AMC સમક્ષ સંપૂર્ણ માહિતી જાહેર કરવી પડશે. AMC આ માહિતીના આધારે શહેરના પાર્કિંગ મેનેજમેન્ટ માટે ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરશે.
‘Amdapark’ એપથી મળશે લાઈવ માહિતી
આ સમગ્ર વ્યવસ્થાને ટેક્નોલોજી સાથે જોડવા માટે AMC દ્વારા ‘Amdapark’ નામની વિશેષ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ એપ મારફતે નાગરિકોને શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલા પાર્કિંગ સ્થળ ખાલી છે અને કેટલા ભરેલા છે તેની રિયલ ટાઈમ માહિતી મળી શકશે.
AMC અધિકારીઓનું માનવું છે કે એપ આધારિત પાર્કિંગ માહિતીથી વાહનચાલકોને પાર્કિંગ શોધવામાં ઓછો સમય લાગશે, જેના કારણે રોડ પર અનાવશ્યક વાહન ભીડ અને ટ્રાફિક જામની સ્થિતિમાં ઘટાડો થઈ શકે છે.
ખાસ કરીને SG હાઈવે, સીજી રોડ, આશ્રમ રોડ, મણિનગર અને પશ્ચિમ અમદાવાદના વ્યસ્ત વિસ્તારોમાં પાર્કિંગ માટે લોકો લાંબા સમય સુધી ચક્કર લગાવતા હોય છે. નવી વ્યવસ્થા અમલમાં આવે તો આવી સમસ્યાઓમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર: શાળાઓ શરૂ થતાં જ ફી : પુસ્તકો અને યુનિફોર્મ બાદ હવે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં પણ વધારાના એંધાણ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે નવી દિશા
અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેની સામે જાહેર પાર્કિંગ સુવિધા મર્યાદિત હોવાથી મોટાભાગના વિસ્તારોમાં રોડસાઈડ પાર્કિંગ સામાન્ય બની ગયું છે. જેના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડે છે અને અકસ્માતનું જોખમ પણ વધે છે.
AMC નો આ નિર્ણય શહેરમાં ઉપલબ્ધ ખાનગી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જાહેર ઉપયોગ માટે જોડવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. શહેરી આયોજન નિષ્ણાતોના મતે જો આ યોજના પારદર્શક રીતે અમલમાં મુકાય તો શહેરના પાર્કિંગ મેનેજમેન્ટમાં મોટો ફેરફાર આવી શકે છે.
આ પણ વાંચો: 'આ તો પબ્લિકને મારી નાંખવાની વાત' : પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી કંટાળેલા લોકોએ ઠાલવ્યો રોષ
અમલીકરણ પર રહેશે નજર
હાલ AMC દ્વારા યોજના માટેની માર્ગદર્શિકા અને અમલીકરણ પ્રક્રિયા તૈયાર કરવામાં આવી રહી છે. આગામી સમયમાં કયા પ્રકારના એકમોને કેટલી કર રાહત મળશે, પાર્કિંગનો ઉપયોગ કયા સમયગાળામાં થઈ શકશે અને નિયમોના ઉલ્લંઘન સામે શું કાર્યવાહી થશે તે અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવશે.
નાગરિકોમાં પણ આ નિર્ણયને લઈને રસ જોવા મળી રહ્યો છે. જો કે કેટલાક લોકો એવો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે વ્યાવસાયિક એકમો ખરેખર નિઃશુલ્ક પાર્કિંગ આપશે કે નહીં અને AMC તેની અસરકારક મોનીટરીંગ કેવી રીતે કરશે.





