Home Gujarat Ahmedabad Ahmedabad Amc Pre Monsoon Dengue Malaria Action 2026

274 ફોગિંગ મશીનો સાથે 24x7 મોનીટરીંગ શરૂ : જાણો અમદાવાદમાં શેની આ તૈયારીઓ થઈ રહી છે

amc
Published by: Chintan Chavda
Last Updated: May 25, 2026, 10:26 AM IST

ચોમાસા પૂર્વે અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સઘન પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા 274 ફોગિંગ મશીનો, આશરે 2000 થી વધુ સ્ટાફ અને હાઈ-રિસ્ક વિસ્તારોમાં વિશેષ મોનીટરીંગ સાથે એક્શન પ્લાન અમલમાં મૂકાયો છે. AMCનું કહેવું છે કે સતત સુપરવિઝન, ફીલ્ડ સર્વેલન્સ અને જનજાગૃતિને કારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

AMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2025 દરમિયાન અમદાવાદમાં ડેન્ગ્યૂના કુલ 1591 કેસ નોંધાયા હતા, જેમાં 1347 કેસ સરકારી હોસ્પિટલો અને 244 કેસ ખાનગી હોસ્પિટલો સાથે જોડાયેલા હતા. જ્યારે મલેરિયા (PV)ના 784 અને મલેરિયા (PF)ના 177 કેસ નોંધાયા હતા. તેની સામે વર્ષ 2026માં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના માત્ર 110 કેસ નોંધાયા છે, જેમાં 104 સરકારી અને 6 ખાનગી કેસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મલેરિયા (PV)ના 54 અને મલેરિયા (PF)ના 11 કેસ નોંધાયા છે.

હાઈ-રિસ્ક વિસ્તારોમાં વિશેષ દેખરેખ

મચ્છરજન્ય રોગો સામે કામગીરી દરમિયાન AMC દ્વારા અત્યાર સુધીમાં શહેરભરમાં 577 મોસ્કીટો બ્રીડીંગ સ્પોટ્સ શોધી કાઢવામાં આવ્યા છે. ઉપરાંત નિયમોનું પાલન ન કરતી 88 કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ અને પેનલ્ટી ફટકારવામાં આવી છે. ખાસ કરીને જ્યાં પાણી ભરાઈ રહેવાની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોનું અલગથી મેપિંગ કરવામાં આવી રહ્યું છે.

શહેરના કેચપીટ, ગટર, ખાલી પ્લોટ, ભંગારના ગોડાઉન, બિનવારસી ટાયરો અને સ્ક્રેપ યાર્ડમાં પાણી ભરાઈ ન રહે તે માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તળાવો અને જાહેર સ્થળોએથી વેજીટેશન તથા કચરો દૂર કરવાની કામગીરી પણ તેજ બનાવવામાં આવી છે. AMC દ્વારા શહેરના સરકારી, અર્ધસરકારી, શૈક્ષણિક, હોસ્પિટલ અને કોમર્શિયલ એકમોમાં ખાસ નોડલ ઓફિસરોની નિમણૂક કરીને નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ "મને મયંક નાયકથી નફરત છે, પહેલાં પ્રશાંત કોરાટ અમને પગે પડતો" : "તારી છઠ્ઠીનું ધાવણ તું બતાવજે, તારા જેવા 17 દુશ્મનોને પિન્ટુભાઈ પી ગયા" વાયરલ ઓડિયોથી ભાજપમાં ભૂકંપ

6.53 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા

રોગચાળો અટકાવવા માટે AMC દ્વારા મલેરિયા અને ડેન્ગ્યૂની વહેલી ઓળખ માટે મોટા પાયે બ્લડ સેમ્પલિંગ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2025 દરમિયાન કુલ 17,65,047 બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2026માં અત્યાર સુધીમાં 6,53,148થી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

AMC અનુસાર ડેન્ગ્યૂ પોઝિટિવિટી રેટ અને મલેરિયા સ્લાઈડ પોઝિટિવિટી રેટ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા તાવના કેસોમાં તાત્કાલિક ટેસ્ટિંગ, દર્દીઓનું ફોલોઅપ અને કોન્ટાક્ટ ટ્રેસિંગ હાથ ધરવામાં આવે છે.

ડોર-ટૂ-ડોર ચેકિંગ અને ફોગિંગ ડ્રાઇવ

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો, મલેરિયા વર્કરો અને આશા વર્કરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને મચ્છર નિયંત્રણ, પોરાનાશક કામગીરી અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સ્લમ વિસ્તારો અને હોટસ્પોટ ઝોનમાં દર પખવાડિયે ડોર-ટૂ-ડોર ચેકિંગ હાથ ધરવામાં આવે છે.

AMC દ્વારા વર્ષભર એન્ટી-લાર્વલ કામગીરી અને ફોગિંગ ડ્રાઇવ ચલાવવામાં આવે છે, પરંતુ ચોમાસા પહેલાં અને દરમિયાન તેને વધુ સઘન બનાવવામાં આવે છે. હાલમાં શહેરમાં 274 ફોગિંગ મશીનો કાર્યરત હોવાનું AMC એ જણાવ્યું છે. સાથે જ ઓનલાઇન સોફ્ટવેર આધારિત મોનીટરીંગથી કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને સ્ટેગનેન્ટ પાણીના પોઈન્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વાયરલ ક્લિપ મુદ્દે મહેસાણાના રાજકારણમાં ગરમાવો : ભાજપ નેતા પિન્ટુ પટેલની અટકાયત

CCRS પર ફરિયાદ મળતા 24 કલાકમાં કાર્યવાહી

નાગરિકોને મચ્છર બ્રીડીંગ અંગે ફરિયાદ નોંધાવવા માટે AMC દ્વારા CCRS પોર્ટલ અને 155303 હેલ્પલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત મલેરિયા વોર્ડ ઓફિસ અને સિટી સિવિક સેન્ટર ખાતે પણ ફરિયાદ નોંધાવી શકાય છે. AMC નું કહેવું છે કે ફરિયાદ મળ્યા બાદ 24 કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવે છે.

જનજાગૃતિ માટે શહેરના સ્માર્ટ સિટી VMD સ્ટેશનો, સિનેમાગૃહો અને જાહેર સ્થળોએ મચ્છરજન્ય રોગો અંગે અવેરનેસ વીડિયો પણ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે નાગરિકોને પોતાના ઘરમાં અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા અપીલ કરી છે.

આ પણ વાંચો: આ દેશમાં ઇબોલાએ મચાવી ભયાનક તબાહી! : કેસોનો આંકડો 900ને પાર જતાં ભારે ફફડાટ, 119 લોકોના કરુણ મોત! જાણો વૈશ્વિક સ્તરે કેટલું છે જોખમ

આઉટબ્રેક નહીં, છતાં AMC એલર્ટ મોડમાં

AMC ના જણાવ્યા પ્રમાણે હાલ શહેરમાં કોઈ આઉટબ્રેક જેવી સ્થિતિ નોંધાઈ નથી, છતાં આરોગ્ય વિભાગે તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખી છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆત સાથે મચ્છરજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા વચ્ચે પ્રિવેન્શન અને વહેલી સારવાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now