Ahmedabad Waste Segregation Rules: અમદાવાદ શહેરમાં રહેતા નાગરિકો અને વ્યાપારી એકમો માટે હવે કચરાના નિકાલને લઈને નિયમો અત્યંત કડક બનાવી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના સીધા નિર્દેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હવેથી શહેરના તમામ રહેણાંક અને કોમર્શિયલ એકમોએ પોતાના ત્યાંથી નીકળતો કચરો ફરજિયાતપણે 4 અલગ-અલગ કેટેગરીમાં વિભાજિત કરીને જ આપવો પડશે. જો કોઈ નાગરિક કે સંસ્થા આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, દેશભરમાં 1 એપ્રિલથી આ કાયદાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી 18 મહિનામાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આ નિયમોનો ચુસ્ત અમલ કરાવવાનો રહેશે. હવેથી કચરો ગલીઓમાં, ખુલ્લી જગ્યામાં, ગટરમાં કે જળાશયોમાં ફેંકવો અથવા તેને જાહેરમાં બાળવો એ કાનૂની ગુનો ગણાશે. આ નવી જોગવાઈનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને લેન્ડફિલ સાઈટ પર વધતા કચરાના ભારણને ઘટાડવાનો છે.
ગુજરાત પ્રશાસનમાં મોટી ઉથલપાથલ: એકસાથે 72 IAS અધિકારીઓની બદલી, જાણો કયા જિલ્લાને મળ્યા નવા કલેક્ટર
કચરાના 4 પ્રકાર: તમારે કેવી રીતે અલગ કરવાનો રહેશે?
AMCની નવી ગાઈડલાઈન મુજબ, હવે ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી ગાડીમાં તમારે નીચે મુજબ 4 ભાગમાં કચરો આપવો પડશે:
ભીનો કચરો: જેમાં રસોડાનો કચરો, એઠવાડ, ફળો અને શાકભાજીની છાલ વગેરેનો સમાવેશ થાય છે.
સુકો કચરો: જેમાં કાગળ, પ્લાસ્ટિકની વસ્તુઓ, કાચ અને ધાતુની ચીજોનો સમાવેશ થાય છે.
સેનેટરી કચરો: વપરાયેલા ડાયપર અને સેનેટરી પેડ્સને આ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ કચરો ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી બેગમાં અથવા યોગ્ય રીતે કાગળમાં લપેટીને અલગ આપવાનો રહેશે.
જોખમી ઘરગથ્થુ કચરો: જેમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ (E-waste), જૂની બેટરીઓ અને અન્ય જોખમી રાસાયણિક કચરાનો સમાવેશ થાય છે.
વડોદરામાં ફિલ્મી ઢબે લૂંટ!: વેપારી પર જીવલેણ હુમલો કરી 300 ગ્રામ સોનું અને ₹5 લાખ લૂંટી બુકાનીધારીઓ ફરાર
મોટા એકમો માટે 'બલ્ક વેસ્ટ જનરેટર'ના કડક નિયમો
શહેરમાં જે એકમો મોટા પાયે કચરો ઉત્પન્ન કરે છે, તેમને 'બલ્ક વેસ્ટ જનરેટર' તરીકે ઓળખવામાં આવશે. આ શ્રેણીમાં આવતા એકમો માટે હવે 'ઓનસાઈટ વેસ્ટ પ્રોસેસિંગ' એટલે કે પોતાના પરિસરમાં જ કચરાનો નિકાલ કરવો ફરજિયાત બનશે. નીચે મુજબના એકમો આ શ્રેણીમાં આવશે:
જે એકમનું બાંધકામ 20,000 ચોરસ મીટર કે તેથી વધુ હોય.
જેમનો દૈનિક પાણીનો વપરાશ 40,000 લિટરથી વધુ હોય.
જે એકમો દૈનિક 100 કિલોથી વધુ ઘનકચરો પેદા કરતા હોય.
આ નિયમ હેઠળ તમામ હોટલો, રેસ્ટોરન્ટ્સ, શોપિંગ મોલ્સ, યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ અને મોટી સોસાયટીઓ કે ફ્લેટ્સનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનની અપીલનો ત્વરિત પ્રભાવ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો
લેન્ડફિલ સાઈટનું ભારણ ઘટાડવા માસ્ટર પ્લાન
અમદાવાદની પીરાણા જેવી લેન્ડફિલ સાઈટ પર કચરાના પહાડોને નાબૂદ કરવા માટે આ પગલું અત્યંત મહત્વનું મનાય છે. જો મોટા એકમો પોતાના ભીના કચરાનું ઓનસાઈટ પ્રોસેસિંગ કરીને તેમાંથી ખાતર કે અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવશે, તો મ્યુનિસિપલ કોર્પોરેશન પરનું ભારણ ઘટશે. જે એકમો આ નિયમોનું પાલન નહીં કરે, તેમની પાસેથી ભારે દંડ વસૂલવામાં આવશે અને જરૂર પડ્યે સીલિંગ જેવી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.





