Home Gujarat Ahmedabad Ahmedabad Amc Bjp Protest Local Election 2026

"તકલીફમાં આવ્યા નહીં ને લશ્કર લઈ મત માંગવા આવતા શરમ નથી આવતી?" : જાણો અમદાવાદ કયા-કયા વિસ્તારોમાં લાગ્યા ભાજપ ભગાવોના નારા

ahmedabad bjp protest
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Apr 17, 2026, 07:42 AM IST

AMC ELECTION 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ બન્યો છે, પરંતુ અમદાવાદના અસારવા વિસ્તારમાં એક અલગ જ દ્રશ્ય સામે આવ્યું છે. પ્રચાર માટે પહોંચેલા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સ્થાનિકોએ ખુલ્લેઆમ વિરોધ કર્યો અને “ભાજપ ભગાવો”ના નારા લગાવ્યા. આ ઘટનાએ ચૂંટણીના રાજકારણમાં નવા પ્રશ્નો ઉભા કર્યા છે.

ભાજપ સામે ઉગ્ર વિરોધ

અમદાવાદના અસારવા વોર્ડમાં, જે રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલાનો મત વિસ્તાર છે. તેઓ અગાઉ અમદવાદના ડેપ્યુટી મેયર પદ પર રહી ચુક્યા છે. તેમ છતાં ત્યાં ભાજપના પ્રચાર દરમિયાન લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. પ્રચાર કરવા ગયેલાં ભાજપના નેતાઓને આ વિસ્તારની પબ્લકે રોકડું પરખાવતા કહ્યુંકે- “તકલીફમાં તો આવ્યા નહીં અને હવે લશ્કર લઈને મત માંગવા આવ્યા છો. તમને તો અહીંયા આવતાં શરમ આવવી જોઈએ.” આ શબ્દો માત્ર નારાજગી નહીં, પરંતુ લોકોમાં રહેલી અસંતોષની લાગણીને પણ સ્પષ્ટ કરે છે. પ્રચાર દરમિયાન “ભાજપ ભગાવો” જેવા નારા લગાવવામાં આવ્યા, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પ્રચાર શરૂ થતાં જ કેમ પડ્યો ભાજપના ઉમેદવારોનો વારો? : જાણો અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ભાજપવાળા કેમ પ્રચાર છોડી ભાગ્યાં

સ્થાનિક સમસ્યાઓનો નથી ભાજપ પાસે કોઈ ઉકેલ?

આક્રોશ પાછળના કારણ તરીકે સ્થાનિક સમસ્યાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે. લોકોનો આક્ષેપ છે કે જ્યારે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ત્યારે નેતાઓ તેમની વચ્ચે જોવા મળ્યા નહીં. સ્થાનિક સ્તરે પાણી, રોડ, સફાઈ અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ લાંબા સમયથી ઉકેલાયા નથી એવી ફરિયાદો ઉઠી રહી છે. ચૂંટણી નજીક આવતા આ મુદ્દાઓ ફરીથી કેન્દ્રસ્થાને આવ્યા છે.

આજ હાલ અમદાવાદના બીજા વિસ્તારની પણ છે.

અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં ભાજપનો ભારે વિરોધઃ

ખાસ કરીને શહેરના ચાંદખેડા, અસારવા, નરોડા, સરદારનગર, કુબેરનગર, બાપુનગર, વટવા, લાંભા, દરિયાપુર, વાસણા, વેજલપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં આ વખતે ભાજપ માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણકે, ચૂંટણી પ્રચાર દરમિયાન આ વિસ્તારોમાં વિવિધ સોસાયટીઓ અને રસ્તાઓ પર પણ ભાજપના ઉમેદવારો અને નેતાઓને અહીં કડવો અનુભવ થયો છે. કેટલાંક ઠેકાણે તો એવી પરિસ્થિતિ ઉભી થઈ કે ભાજપવાળાઓને પ્રચાર અધૂરો મુકીને ભાગવાનો વારો આવ્યો. તો કેટલીક સોસાયટીઓની બહાર તો રીતસર બોય કોટ ભાજપ, અહીં ભાજપવાળાએ મત માંગવા આવવું નહીં જેવા સૂત્રો સાથે બેનરો લગાવીને મત બહિષ્કારની વાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, વર્ષોથી આ વિસ્તારોમાં લોકો ભાજપને વોટ આપી આપીને થાક્યા છે. પરંતુ પાયાની સુવિધાઓના પણ કોઈ કામ થયા નથી. જેને કારણે આ વખતે લોકોમાં ભારે આક્રોશ છે.

આ પણ ખાસ વાંચોઃ મનપાની ચૂંટણી પતાવી દેશે ભાજપના આ ધારાસભ્યોની કારકિર્દી : 2027માં નહીં મળે ટિકિટ! પાર્ટીમાં છેક ઉપર સુધી પહોંચી ફરિયાદો

ટિકિટોની વહેંચણીમાં ભાજપનો આંતરિક કલેશઃ

બીજી બાજુ ટિકિટોની ફાળવણીમાં પણ જુના કાર્યકરોને બહાર બેસાડીને નવા સવા લોકોને ટિકિટો આપી દેવાનો મુદ્દો પણ કેટલાંક ઠેકાણે ભાજપને ભારે પડી શકે છે. જેમાં પક્ષના જ જૂના કાર્યકરો સામે રહીને ભાજપને હરાવવા માટે વિરોધીઓની મદદમાં લાગ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બનાવો સ્પષ્ટ કરે છે કે સ્થાનિક સ્તરે લોકોના દૈનિક જીવન સાથે જોડાયેલા પ્રશ્નો- જેમ કે પાણી, સફાઈ, રસ્તા અને જનસુવિધાઓ- ચૂંટણીમાં કેન્દ્રસ્થાને આવી રહ્યા છે.

ચૂંટણી પ્રચારને લઈને રાજકીય ગરમાવોઃ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર જેટલી બેઠકો માટે ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો અને નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે મહેસાણાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાજપના પ્રચારની શરૂઆત કરી અને કાર્યકરોમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે સંદેશ આપ્યો કે આ વખતે એવો વિજય મેળવવો જોઈએ કે વિપક્ષ ફરી ચૂંટણી લડવાની હિંમત ન કરે. જોકે, જમીનસ્તરે દેખાતી આવી પ્રતિક્રિયાઓ પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.

અમદાવાદ-ગાંધીનગરના આ ચહેરાઓને 2027માં રિપીટ નહીં કરે ભાજપ?

1) હાર્દિક પટેલ- વિરમગામ

2) અલ્પેશ ઠાકોર- ગાંધીનગર દક્ષિણ

3) અમિત શાહ- એલિસબ્રિજ

4) દર્શના વાઘેલા- અસારવા

5) ડો.પાયલ કુકરાણી- નરોડા

6) જીતુ પટેલ- નારણપુરા

7) કનુ પટેલ- સાણંદ

8) અમૂલ ભટ્ટ- મણિનગર

9) કૌશિક જૈન- દરિયાપુર

10) અમિત ઠાકર- વેજલપુર

વિસ્તારના કામો થયા નથી અને આ નેતાઓ માત્ર શો બાજી અને વરઘોડા કાઢતા નજરે પડ્યાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ઉપરોક્ત ચહેરાઓ કોઈને કોઈક કારણોસર વિસ્તારના કામો ન થવાને કારણે ચર્ચામાં રહ્યાં છે. આ સાથે જ સ્થાનિક સ્તરે તેમનો ભારે વિરોધ જોવા મળ્યો છે. એટલું જ નહીં પાર્ટી લેવલ પર પણ તેમનું વિશેષ યોગદાન ન હોવાની 2027માં તેમની રાજકીય કારકિર્દીનો સુરજ આથમી શકે છે. વર્તમાન સ્થિતિ અને રાજકીય સમીકરણોને જોતા પોલિટિકલ પંડિતો એ દિશા તરફ ઈશારો કરી રહ્યાં છે.

ભાજપના ધારાસભ્યો પર વધી રહ્યું છે દબાણઃ

આ વખતની ચૂંટણી ભાજપ માટે સરળ નથી તેવા સંકેતો મળી રહ્યા છે. અમદાવાદમાં ભાજપના તમામ ધારાસભ્યો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોને જીતાડવાનું સખત દબાણ છે. સૂત્રોના મતે ભાજપના તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારના તમામ વોર્ડ જીતાડવાનો ટાસ્ક હાઈકમાન્ડ દ્વારા સોંપવામાં આવ્યો છે. જો પરિણામ ખરાબ આવ્યું તો તમામ જવાબદારી જે-તે વિસ્તારના ધારાસભ્યોની રહેશે. અને ખરાબ પરિણામ આવશે તો આગામી 2027ની વિધાનસભામાં ટિકિટ ભૂલી જજો એવું સ્પષ્ટ ગુજરાત ભાજપ દ્વારા બધાને કહી દેવામાં આવ્યું છે.

કારણકે, જો કોર્પોરેશન ચૂંટણીમાં તેમના વિસ્તારોમાં પરિણામ અનુકૂળ નહીં આવે, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં તેનો સીધો પ્રભાવ પડી શકે છે. આ કારણે ભાજપના ધારાસભ્યો અને નેતાઓ આ વખતે વધુ સક્રિય બની ગયા છે. તેઓ મોટા પ્રચાર કાર્યક્રમો, વરઘોડા અને જનસંપર્ક દ્વારા મતદારોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાજ્યભરમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે હવે ચિત્ર સ્પષ્ટ બની ગયું છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ:

કુલ ફોર્મ ભરાયા: 39,349

રદ થયેલા ફોર્મ: 11,000થી વધુ

બિનહરીફ બેઠકો: 731

હવે મતદાન માટે બાકી બેઠકો: 25,568

આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં ચૂંટણી સ્પર્ધા તીવ્ર બની રહી છે અને અનેક જગ્યાએ સીધી ટક્કર જોવા મળશે.

રાજકીય ગરમાવો શા માટે વધી રહ્યો છે?

ગુજરાતમાં ચૂંટણીની ઘોષણા થયા પછી રાજકીય પક્ષો વધુ આક્રમક બન્યા છે. ભાજપ પોતાની સ્થિતિ મજબૂત રાખવા માંગે છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષો આ અવસરનો લાભ લેવા માંગે છે. સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્નો હવે ચૂંટણીના મુખ્ય મુદ્દા બની રહ્યા છે, જેના કારણે પ્રચાર દરમિયાન તણાવ અને વિરોધ વધતા જોવા મળી રહ્યા છે.

આ ઘટના માત્ર એક વિસ્તારમાં થયેલો વિરોધ નથી, પરંતુ તે ચૂંટણીના સમયગાળામાં મતદારોના મૂડને દર્શાવે છે. જો આ પ્રકારની નારાજગી અન્ય વિસ્તારોમાં પણ જોવા મળે, તો ચૂંટણી પરિણામો પર તેનો અસરકારક પ્રભાવ પડી શકે છે. રાજકીય પક્ષો માટે આ સ્પષ્ટ સંદેશ છે કે માત્ર પ્રચાર પૂરતો નથી, પરંતુ લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now