AMC Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદમાં પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારો સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો. વિકાસની વાતો થાય છે પણ વર્ષો જૂના રોડ-રસ્તા, ગટર, પાણી જેવા પાયાના પ્રશ્નોનું પણ આજ સુધી નિરાકરણ થયું નથી. ચૂંટણી ટાણે બધા હાથ જોડી જોડીને વોટ માંગવા આવે છે. ચૂંટણી જીતી ગયા પછી વિસ્તારની સમસ્યાની વાત કરવી હોય તો કોઈ અમારો ફોન પણ ઉપાડતું નથી. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને ચૂંટણી પ્રચારના પહેલાં દિવસે સ્થાનિકો દ્વારા આવા જ ટોણા સાંભળવાનો વારો આવ્યો. એટલું જ નહીં સ્થાનિકોના રોષને કારણે ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર અધૂરો મુકીને મેદાન છોડી-છોડીને ભાગવાનો વારો આવ્યો.
આ પણ ખાસ વાંચોઃ મનપાની ચૂંટણી પતાવી દેશે ભાજપના આ ધારાસભ્યોની કારકિર્દી : 2027માં નહીં મળે ટિકિટ! પાર્ટીમાં છેક ઉપર સુધી પહોંચી ફરિયાદો
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચાર વચ્ચે જ રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના વાસણા અને લાંભા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ઘેરી લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા, જેના કારણે પ્રચાર કાર્યક્રમો વચ્ચે જ અટકાવી દેવા પડ્યા. ખાસ કરીને પાણીની સમસ્યા અને જનસુવિધાઓ અંગે લોકોનો રોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે. આ ચૂંટણીઓની આગામી ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીની ફાઈનલ પહેલાંની સેમિફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. ત્યારે ભાજપ માટે પોલિટિકલ લેબ ગણાતા ગુજરાતમાં આ વખતે કપરા ચઢાણ છે.
રાજકીય પંડિતોની માનીએ તો વર્તમાન રાજકીય સ્થિતિ અને વિરોધના વંટોળ વચ્ચે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભાજપ માટે આસાન નથી રહેવાની. અમદાવાદ મનપાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર દરમિયાન વિવિધ વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા ભાજપના ઉમેદવારોના વિરોધ સાથે તેની શરૂઆત થઈ ચૂકી છે.
ભાજપના વર્તમાન ધારાસભ્યોની કારકિર્દી પર પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણવિરામ લગાવી શકે છે. પોતાની ખુરશી બચાવવા માટે એટલે જ અત્યારે ભાજપના ધારાસભ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોને પોતાના ખભે બેસાડીને ચૂંટણીની આ અઘરી પરિક્ષામાં જબરદસ્તી પાસ કરાવવા માટે મથામણ કરી રહ્યાં છે. એજ કારણ છેકે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સરકારના મંત્રીઓ અને પ્રદેશ ભાજપના આગેવાનો આ ચૂંટણીઓમાં લોકસભાની ચૂંટણીની માફક પ્રચાર પ્રસારમાં આંખો મીંચીને દોડાદોડી કરી રહ્યાં છે.
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભારે ખેંચતાણ જોવા મળી હતી. ક્યાંક ઉમેદવારોને કિડનેપ કરવામાં આવ્યાં, ક્યાંક ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ તો, ક્યાંક ઉમેદવારોના કપડાં ફાડી નાંખવાની શરમજનક ઘટનાઓ સામે આવી.
વાસણામાં ભાજપ ઉમેદવારોનો ઘેરાવો
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં ગઈકાલે રાત્રે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા હતા. જોકે, પ્રચારની શરૂઆત થતાં જ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને ઉમેદવારોને ઘેરી લીધા. લોકોનો આક્રોશ મુખ્યત્વે વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓને લઈને હતો.
સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓએ અનેક વખત પાણી, રસ્તા અને અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે ફરિયાદો કરી છે, પરંતુ કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. આ પરિસ્થિતિમાં ચૂંટણી સમયે જ નેતાઓ દેખાતા હોવાથી લોકોમાં અસંતોષ વધુ તેજ બન્યો હતો. લોકોએ ઉમેદવારો સામે જોરદાર રજૂઆત કરી અને કેટલાક સ્થળોએ તીખી બોલાચાલી પણ થઈ હોવાની માહિતી મળી છે. પરિણામે, ભાજપના ઉમેદવારોને પ્રચાર કાર્યક્રમ અધૂરો મૂકીને ત્યાંથી નીકળી જવું પડ્યું.
કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર પર લગાવ્યાં ગંભીર આક્ષેપોઃ
અમદાવાદમાં ભાજપના ઉમેદવારના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી છે તો વાસણામાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ઘેર્યા હતા. વડોદરામાં પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ગુજરાત-કેન્દ્રમાં બહુમતી છે તો ઉમેદવારો ખરીદવાની જરૂર શું પડી?
'ભાજપ ચૂંટણી લડવા લાયક ન હતું એટલે બિનહરીફ કરાવવું પડ્યું'
બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છેકે, 700 સીટ પર ભાજપ ચૂંટણી લડવા લાયક ન હતું, એટલે બિનહરીફ કરાવવું પડ્યું. કોઈને લાલચ તો કોઈને ધમકી આપી, કોઈના અપહરણ કરીને કરાવ્યા, આ બધું લોકતંત્ર માટે ખતરાની ઘંટી છે.
લાંભા વોર્ડમાં પાણી મુદ્દે ઉગ્ર વિરોધ
અમદાવાદના લાંભા વોર્ડમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી. અહીં પૂર્વ કોર્પોરેટર કાળુ ભરવાડ ફરી ઉમેદવારી નોંધાવી છે અને તેઓ હિના પાર્ક વિસ્તારમાં સમર્થકો સાથે ઘર-ઘર જઈને પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ પ્રચાર દરમિયાન જ સ્થાનિકોએ તેમને ઘેરી લીધા અને પાણીની ગંભીર સમસ્યા અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. લોકોના આક્ષેપ મુજબ, વિસ્તારમાં પીવાના પાણીની ભારે તંગી છે. ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો જવાબ મળતો નથી અને પાણી માટે ટેન્કર પણ સમયસર મોકલવામાં આવતા નથી. સ્થાનિકોએ કહ્યું કે “ચૂંટણી આવે ત્યારે જ નેતાઓ દેખાય છે, બાકી સમયમાં કોઈ પ્રશ્ન સાંભળતું નથી.” આ પ્રકારના આક્ષેપો વચ્ચે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું અને આખરે કાળુ ભરવાડને પ્રચાર અધૂરો મૂકીને સ્થળ છોડવું પડ્યું.
માતાજીના મહોત્સવમાં માર્કેર્ટિંગ કરવા આવેલાં ભાજપના ઉમેદવારોને કોઈએ ગણકાર્યા નહીંઃ
અમદાવાદના સરદારનગર વોર્ડમાં આવેલાં નોબલનગરમાં પણ માતાજીના વાર્ષિક પાટોત્સવમાં ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીના ઉમેદવારો પોતાનું માર્કેટિંગ કરવા પહોંચ્યાં હતાં. જેમાં ખાસ કરીને સ્થાનિક ઉમેદવારને ટિકટ નહીં મળતા આ વખતે ભાજપના ઉમેદવારનો રીતસરનો વિરોધ જોવા મળ્યો. એજ કારણ છેકે, સ્થાનિક ધારાસભ્ય પણ મોકો જોઈને વિરોધથી બચવા આ કાર્યક્રમમાં માર્કેટિંગ કરવા આવ્યાં નહીં. જોકે, હવે જ્યારે પ્રચાર શરૂ થયો છે ત્યારે જેમને ટિકટ નથી મળી એવા વર્ષોથી મહેનત કરતા કાર્યકરો શું નવા ઉમેદવારને જીતાડવા મહેનત કરશે એજ મોટો સવાલ છે? કે શું આ વખતે ભાજપ માટે ઘર કા ભેદી લંકા ઢાંયે જેવા ઘાટ ઘડાશે?
ચૂંટણી પ્રચારને લઈને રાજકીય ગરમાવો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર જેટલી બેઠકો માટે ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. 16 એપ્રિલથી તમામ રાજકીય પક્ષો પ્રચારમાં સંપૂર્ણ રીતે ઝંપલાવશે. રાજ્યભરમાં મોટા નેતાઓના પ્રચાર કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે. મહેસાણાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રચારની શરૂઆત કરી અને કાર્યકરોમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે સંદેશ આપ્યો કે આ વખતે એવો વિજય મેળવવો જોઈએ કે વિપક્ષ ફરી ચૂંટણી લડવાની હિંમત ન કરે. જોકે, જમીનસ્તરે દેખાતી આવી પ્રતિક્રિયાઓ પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે.
સ્થાનિક પ્રશ્નો કેમ બન્યા મુખ્ય મુદ્દો?
આ બનાવો સ્પષ્ટ કરે છે કે સ્થાનિક સ્તરે લોકોના દૈનિક જીવન સાથે જોડાયેલા પ્રશ્નો- જેમ કે પાણી, સફાઈ, રસ્તા અને જનસુવિધાઓ- ચૂંટણીમાં કેન્દ્રસ્થાને આવી રહ્યા છે. વાસણા અને લાંભા બંને વિસ્તારોમાં લોકોનો મુખ્ય રોષ પાણીની સમસ્યા પર કેન્દ્રિત રહ્યો. શહેરમાં ઝડપી વિકાસ છતાં ઘણા વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હજુ પણ ચિંતાજનક છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારના વિરોધો પક્ષોને સ્થાનિક સ્તરે વધુ જવાબદારીપૂર્વક કામ કરવા માટે દબાણ બનાવે છે.
આ બનાવો માત્ર એક દિવસની ઘટના નથી, પરંતુ ચૂંટણી પૂર્વે મતદારોની મનોદશાનો સંકેત આપે છે. લોકો હવે સીધા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ઉમેદવારોને જવાબદારીપૂર્વક જવાબ આપવાની જરૂર પડી રહી છે. સ્થાનિક મુદ્દાઓ ચૂંટણીના પરિણામને પ્રભાવિત કરી શકે છે. આ પરિસ્થિતિમાં દરેક પક્ષ માટે જરૂરી બની ગયું છે કે તેઓ માત્ર વચનો નહીં, પરંતુ વાસ્તવિક કામગીરીનો વિશ્વાસ લોકોમાં ઉભો કરે.






