રાજકોટ ગ્રામ્ય પોલીસે રાજ્યવ્યાપી ‘ઓપરેશન મ્યુલહન્ટ 2.0’ અંતર્ગત સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન હેઠળ બેંક એકાઉન્ટ ભાડે આપીને સાયબર છેતરપિંડીમાં મદદરૂપ બનેલા 16 આરોપીઓ વિરુદ્ધ 8 અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 7 આરોપીઓની શોધખોળ ચાલુ છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા (SP) વિજય ગુર્જરે સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર, ડીજીપી અને રાજકોટ રેન્જ ડીઆઈજીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ પોતાના બેંક એકાઉન્ટ અન્ય લોકોને ભાડે આપતા હતા અને તે એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડ તથા અન્ય ગેરકાયદેસર ઓનલાઈન પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: GPSC વર્ગ 1-2 પ્રિલિમ પરીક્ષા આજે : રાજ્યભરના 75 હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં, 268 જગ્યાઓ માટે જંગ
₹1.78 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો
પોલીસના જણાવ્યા મુજબ, નોંધાયેલી 8 FIR સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટ્સ સામે કુલ 1,930 સાયબર ફરિયાદો નોંધાઈ હતી. આ એકાઉન્ટ્સ મારફતે કુલ ₹1,78,92,645ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા આવા એકાઉન્ટ્સને ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. આવા ખાતાઓમાં છેતરપિંડીથી મેળવેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અને બાદમાં તેને વિવિધ માધ્યમો દ્વારા ઉપાડી લેવામાં આવે છે.
₹5થી ₹10 હજારના લોભે આપતા હતા એકાઉન્ટ
પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલાક આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ પોતાના બેંક એકાઉન્ટ માસિક ₹5,000થી ₹10,000ના ભાડે અન્ય લોકોને આપતા હતા. ઘણી વખત એકાઉન્ટ સાથે ATM કાર્ડ, ચેકબુક અને ઓનલાઈન બેંકિંગની માહિતી પણ સોંપી દેવામાં આવતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ મુખ્યત્વે એકાઉન્ટ હોલ્ડર છે. જોકે તપાસમાં આ સમગ્ર રેકેટના માસ્ટરમાઇન્ડ અને પાછળના સંચાલકો સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો: દાહોદમાં રૂ. 1.46 કરોડની સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલાયો : સાત આરોપીઓની ધરપકડ, 100% મુદ્દામાલ રિકવર
સુરત સુધી પહોંચ્યા તપાસના તાર
તપાસ દરમિયાન સમગ્ર રેકેટના તાર સુરત સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસે એક વિશેષ ટીમ સુરત રવાના કરી છે.
પોલીસ હવે આ ટ્રાન્ઝેક્શનનો બેક-ટ્રેક કરીને એ જાણવા પ્રયાસ કરી રહી છે કે છેતરપિંડીની રકમ કયા રાજ્ય, શહેર અથવા જિલ્લામાંથી આવી હતી અને તેના અંતિમ લાભાર્થીઓ કોણ છે.
તપાસ અધિકારીઓનું માનવું છે કે આ રેકેટ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતું મર્યાદિત નથી અને તેની કડીઓ અન્ય રાજ્યો સુધી પણ જોડાયેલી હોઈ શકે છે.
‘તમારું બેંક એકાઉન્ટ ક્યારેય ભાડે ન આપો’
એસપી વિજય ગુર્જરે નાગરિકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં પોતાનું બેંક એકાઉન્ટ, ATM કાર્ડ અથવા ઓનલાઈન બેંકિંગની વિગતો અન્ય કોઈ વ્યક્તિને આપવી નહીં.
તેમણે જણાવ્યું કે જ્યારે પણ કોઈ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાય છે ત્યારે સૌથી પહેલાં જે એકાઉન્ટમાં છેતરપિંડીની રકમ જાય છે, તેના એકાઉન્ટ હોલ્ડર સામે જ ગુનો નોંધાય છે. તેથી નાની કમાણીના લોભમાં આવી કોઈપણ વ્યક્તિએ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવું નહીં.
આ પણ વાંચો: CBSEનું મોટું પગલું : રી-ઈવેલ્યુએશન પ્રક્રિયામાં મોટો ફેરફાર, હવે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી સંપૂર્ણપણે બોર્ડના નિયંત્રણમાં
પાર્ટનરશિપ અને ઓનલાઈન ઓફરથી પણ સાવધાન રહેવાની સલાહ
પોલીસે ચેતવણી આપી છે કે ઘણી વખત કેટલાક લોકો નકલી કંપની કે પેઢીમાં પાર્ટનર બનાવવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ અને દસ્તાવેજો મેળવી લેતા હોય છે. બાદમાં આ જ દસ્તાવેજોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
તેથી કોઈપણ ઓનલાઈન ઓફર, રોકાણ યોજના અથવા ભાગીદારી સ્વીકારતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. પૂરતી ચકાસણી કર્યા વિના બેંકિંગ વિગતો શેર કરવી જોખમી બની શકે છે.
સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ
રાજકોટ ગ્રામ્ય પોલીસ હાલમાં તમામ 1,930 ફરિયાદીઓનો સંપર્ક કરી રહી છે અને તેમના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ આગળ વધતાં વધુ આરોપીઓની સંડોવણી બહાર આવી શકે છે.
'ઓપરેશન મ્યુલહન્ટ 2.0' અંતર્ગત ચાલી રહેલી આ કાર્યવાહી સાયબર ગુનાઓ સામે રાજ્યવ્યાપી ઝુંબેશનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.





