રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામની વાડી નજીક આવેલા ઓરિયા તળાવમાં રમતા-રમતા એક જ પરિવારના ચાર માસૂમ બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન બનાવી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રમજીવી પરિવારના બાળકો વાડી નજીક રમવા ગયા હતા. દરમિયાન તેઓ તળાવના પાણીમાં ઉતર્યા કે કોઈ કારણસર પાણીમાં સરકી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડા જ સમયમાં ચારેય બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. બાળકોને ડૂબતા જોઈ આસપાસના લોકો અને વાડી માલિકે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી : 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે પવન
ભારે જહેમત બાદ બાળકોને બહાર કાઢાયા
સ્થાનિક લોકો અને પરિવારજનોએ ભારે જહેમત બાદ ચારેય બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. બાદમાં ખાનગી વાહન મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર સાંભળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચોથા બાળક સાહિલને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. તબીબો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ચોમાસા પહેલાં AMCની સર્જિકલ સ્ટ્રાઈક! : હવે નહીં ચાલે ખાડા અને ખોદકામનો ખેલ, 'ખાડા પુરો, નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો'
શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું
એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના એકસાથે મોત થતાં પરિવારજનો પર અસહ્ય દુઃખ આવી પડ્યું છે. રોજિંદા મહેનત મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા આ પરિવારે ક્ષણમાત્રમાં પોતાના ત્રણ લાડકવાયા સંતાનો ગુમાવ્યા છે. હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ગ્રામજનો અને સ્થાનિક લોકો પણ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયા છે. બાળકોના અકાળે નિધનથી સમગ્ર શેમળા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં આ દુર્ઘટનાની જ ચર્ચા ચાલી રહી છે.
સેવાકીય સંસ્થાઓ અને અગ્રણીઓ મદદે આવ્યા
આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. ટ્રસ્ટ દ્વારા પીડિત પરિવારને જરૂરી સેવાકીય અને માનવીય સહાય પૂરી પાડવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગણેશભાઈ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ઢોલરીયા, સહદેવસિંહ જાડેજા તેમજ અશ્વિનભાઈ ઠુંમર સહિતના આગેવાનોએ શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી હતી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: PM મોદીની દક્ષિણ ગુજરાત મુલાકાત પાછળ શું છે મોટો રાજકીય સંદેશ? : જાણો ગુજરાત અને પશ્ચિમ ભારતના રાજકીય પરિપ્રેક્ષ્યમાં સુરતથી દમણ સુધીની વિકાસયાત્રાનું શું છે મહત્ત્વ
તળાવોની સુરક્ષા અંગે ફરી ઉઠ્યા સવાલ
આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ખુલ્લા તળાવો અને જળાશયોની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ઉનાળાની રજાઓ અને વરસાદી મોસમ દરમિયાન બાળકો તળાવો, ચેકડેમ અને પાણી ભરાયેલા ખાડાઓની આસપાસ રમવા જતા હોય છે, જેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. સ્થાનિક સ્તરે સુરક્ષા સૂચના બોર્ડ, વાડબંધી અને જાગૃતિ અભિયાનની જરૂરિયાત અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
એક જ પરિવારના ત્રણ બાળકોના કરુણ મોતથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને લોકો પીડિત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.






