Home Gujarat Gujarat Cid 226 Crore Crypto Network Bhavnagar Two Arrested

રૂ. 226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ : ભાવનગરના વધુ 2 આરોપીઓ ઝડપાયા

cid એ પકડેલા 2 આરોપીઑ
Published by: Chintan Chavda
Last Updated: Jun 05, 2026, 10:34 AM IST

ગુજરાત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે એક મોટા આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કરતાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે રૂ. 226 કરોડથી વધુના ક્રિપ્ટો વ્યવહારો ધરાવતું આ નેટવર્ક આતંકવાદી ફંડિંગ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ અને ડાર્ક વેબ પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

CID ક્રાઇમના જણાવ્યા અનુસાર, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટેકનિકલ ટીમે બ્લોકચેઇન એનાલિસિસ અને ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ દ્વારા આ નેટવર્ક સુધી પહોંચ મેળવી હતી. આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હવે વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવતા કુલ ધરપકડનો આંક 12 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સત્તાનો નવો અધ્યાય શરૂ : મેયર-ડેપ્યુટી મેયર સહિત નવા હોદ્દેદારોએ સંભાળ્યો ચાર્જ

તપાસમાં શું બહાર આવ્યું?

અધિકારીઓના જણાવ્યા મુજબ, એફઆઈઆર નંબર 33/2026 હેઠળ નોંધાયેલા કેસની તપાસ દરમિયાન એક ક્રિપ્ટો વોલેટની વિગતોના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક આરોપીઓએ અન્ય વ્યક્તિની KYC વિગતોનો ઉપયોગ કરીને ક્રિપ્ટો વોલેટ ખોલ્યા હતા અને તેના મારફતે વિવિધ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન OFAC દ્વારા પ્રતિબંધિત ગણાતી એન્ટિટી અને અન્ય શંકાસ્પદ સ્ત્રોતો સાથે જોડાયેલા વ્યવહારોના તાર મળ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આશરે 5,000 USDTના ટ્રાન્ઝેક્શન વિવિધ સ્તરો મારફતે કરવામાં આવ્યા હતા, જે ગેરકાયદેસર ફંડિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગોંડલના શેમળા ગામે હૃદયદ્રાવક દુર્ઘટના : તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત, 1ની હાલત ગંભીર

ભાવનગરના બે આરોપીઓ ઝડપાયા

CID ક્રાઇમે આ કેસમાં ભાવનગરના હાદીરજા શબીરઅલી સરાની (ઉંમર 23 વર્ષ) અને મોહમંદ ઝામીન અબ્બાસઅલી જીગર (ઉંમર 36 વર્ષ)ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પર ક્રિપ્ટોકરન્સી વ્યવહારો અને શંકાસ્પદ નાણાકીય નેટવર્કમાં સંડોવણીના આરોપો છે.

તપાસ એજન્સીઓ હાલમાં આ નેટવર્કના અન્ય સંભવિત કડીઓ, વિદેશી સંપર્કો અને નાણાંના મૂળ સ્ત્રોતોની પણ તપાસ કરી રહી છે. સાયબર નિષ્ણાતોનું માનવું છે કે આવા કેસો માત્ર આર્થિક ગુનાઓ પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ગંભીર પડકાર ઉભો કરી શકે છે.

કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો?

CID ક્રાઇમે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 111(2)(B), 153 અને 61 ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008ની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આ કલમો સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ, કાવતરું, ડિજિટલ ઓળખનો દુરુપયોગ અને ઓનલાઈન છેતરપિંડી જેવા ગુનાઓને આવરી લે છે.

આ પણ વાંચો: શાળાઓ ખુલતા પહેલાં વાલીઓને રાહત : પાઠ્યપુસ્તકોના ભાવ નહીં વધારવાનો સરકારનો નિર્ણય

જનતાને CIDની મહત્વપૂર્ણ અપીલ

CID ક્રાઇમે નાગરિકોને પોતાના બેંક ખાતા અથવા ડિજિટલ વોલેટ કોઈ અજાણ્યા વ્યક્તિને ઉપયોગ માટે ન આપવા અપીલ કરી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે વપરાતા ખાતાઓનો ઉપયોગ ડ્રગ્સ ટ્રાફિકિંગ, સાયબર ફ્રોડ અને આતંકવાદી ફંડિંગ જેવા ગંભીર ગુનાઓમાં થઈ શકે છે.

તે ઉપરાંત P2P ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ દરમિયાન અજાણ્યા લોકો પાસેથી ફંડ સ્વીકારવામાં સાવધાની રાખવા, સોશિયલ મીડિયા પર ઊંચા વળતરની લાલચ આપતી યોજનાઓથી દૂર રહેવા અને ડાર્ક વેબ પરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

સાયબર ફ્રોડ અથવા શંકાસ્પદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન જણાય તો તરત જ 1930 હેલ્પલાઇન અથવા નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા CIDએ અનુરોધ કર્યો છે. સમયસર ફરિયાદ કરવાથી ગુમાવેલા નાણાં રોકવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now