Home Gujarat Mehsana Kadi Vadavi Land Scam School Temple Land Fraud

મહેસાણામાં જમીન કૌભાંડનો મોટો પર્દાફાશ : કાગળ પર ખેતીની જમીન, હકીકતમાં શાળા-મંદિર અને આખું ગામ વેચી માર્યાનો આરોપ

મહેસાણામાં જમીન કૌભાંડ
Published by: Chintan Chavda
Last Updated: Jun 05, 2026, 11:03 AM IST

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક ચોંકાવનારો જમીન કૌભાંડ સામે આવ્યો છે, જેમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન અંગે ખોટી માહિતી રજૂ કરીને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ છે. કડી તાલુકાના વડાવી ગામના તરસનીયા સીમ વિસ્તારમાં આવેલી જમીન પર વર્ષોથી સરકારી પ્રાથમિક શાળા, આંગણવાડી, નીલકંઠ મહાદેવ મંદિર, પશુઓના તબેલા અને સ્થાનિક ગ્રામજનોના રહેણાંક મકાનો હોવા છતાં તેને માત્ર ખેતીની ખુલ્લી જમીન તરીકે દર્શાવી વેચાણ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ સમગ્ર મામલો બહાર આવતાં મહેસાણા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવા માટે જમીનની વાસ્તવિક સ્થિતિ છુપાવીને સબ રજીસ્ટ્રાર કચેરી સમક્ષ ખોટા ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો રજૂ કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડીના સબ રજીસ્ટ્રાર દ્વારા સીધી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો: વન વિભાગની જમીનો અન્ય કામોમાં કેમ કરાઈ ડાયવર્ટ? : 25 વર્ષમાં ગુજરાતના વૃક્ષ આવરણમાં 100 હેકટરનો ઘટાડો થયાનો કોંગ્રેસનો આક્ષેપ

તપાસમાં શું બહાર આવ્યું?

મળતી માહિતી અનુસાર વડાવી ગામના તરસનીયા વિસ્તારમાં આવેલા સર્વે નંબર 333 અને 1978 ની જમીન અંગે વેચાણ પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોમાં દર્શાવેલી વિગતો અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત હોવાનું સામે આવ્યું હતું. કાગળો પર આ જમીનને માત્ર ખેતીલાયક જમીન તરીકે દર્શાવવામાં આવી હતી, જ્યારે સ્થળ પર સરકારી પ્રાથમિક શાળા, આંગણવાડી, મંદિર અને રહેણાંક વસાહત અસ્તિત્વમાં હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું.

આ મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્ય અને કડી મામલતદાર દ્વારા રજૂઆતો અને તપાસ હાથ ધરવામાં આવી. ત્યારબાદ વડાવી ગામના તલાટી-કમ-મંત્રી દ્વારા સ્થળનું પંચનામું કરવામાં આવ્યું હતું. પંચનામા અને પ્રાથમિક તપાસમાં જમીનની વાસ્તવિક સ્થિતિ સામે આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.

સબ રજીસ્ટ્રારની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં

પ્રાથમિક પુરાવાઓના આધારે કડીના સબ રજીસ્ટ્રાર (ગ્રેડ-1) જ્યોત્સનાબેન બાલકૃષ્ણ પટેલે બાવલુ પોલીસ સ્ટેશનમાં 14 વ્યક્તિઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વેચાણ આપનાર અને ખરીદનાર સહિતના આરોપીઓએ ખોટી વિગતો રજૂ કરીને સરકારી કાયદાનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પોલીસે નોંધણી અધિનિયમની કલમ 82 અને 83 સહિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દસ્તાવેજીકરણ પ્રક્રિયામાં રજૂ કરાયેલા ફોટોગ્રાફ્સ, જમીનના રેકોર્ડ અને અન્ય પુરાવાઓની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિવસ પર સુરતમાં PM મોદી : રૂ. 18,800 કરોડના પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતને વિકાસની ભેટ

કરોડોની જમીન અને અનેક પ્રશ્નો

આ કેસ માત્ર જમીનના માલિકી હક્કનો વિવાદ નથી, પરંતુ સરકારી મિલકતો અને જાહેર ઉપયોગની જમીનને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થાય તો એ સ્પષ્ટ થશે કે સરકારી શાળા, મંદિર અને રહેણાંક મકાનો ધરાવતી જમીનને ખેતીની જમીન તરીકે દર્શાવી દસ્તાવેજીકરણ કેવી રીતે થઈ શક્યું.

આ ઘટનાએ સબ રજીસ્ટ્રાર કચેરીની પ્રક્રિયા અને ચકાસણી વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે દસ્તાવેજ નોંધણી દરમિયાન જરૂરી સ્થળ ચકાસણી અને દસ્તાવેજોની ખરાઈ કેટલી કરવામાં આવી હતી અને કોઈ અધિકારીની બેદરકારી કે સંડોવણી તો નહોતી ને.

વિવિધ રાજ્યો અને વિદેશ સુધી પહોંચતી કડીઓ

ફરિયાદમાં નામજોગ કરાયેલા કેટલાક આરોપીઓ અમદાવાદ, મુંબઈ ઉપરાંત કેનેડા અને અમેરિકા સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તપાસનો વ્યાપ રાજ્યની બહાર સુધી વિસ્તરી શકે છે. પોલીસ દ્વારા આરોપીઓના નિવેદનો, જમીનના મૂળ દસ્તાવેજો, વારસાઈ હકો અને વેચાણ પ્રક્રિયા સંબંધિત તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો મુજબ, કેટલાક આરોપીઓ રાજ્ય બહાર અને વિદેશમાં હોવાને કારણે તેમની સામે કાયદાકીય કાર્યવાહી માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો અને જમીનના મૂલ્યાંકન સંબંધિત વિગતો પણ ચકાસવામાં આવી રહી છે.

આ પણ વાંચો: શાળાઓ ખુલતા પહેલાં વાલીઓને રાહત : પાઠ્યપુસ્તકોના ભાવ નહીં વધારવાનો સરકારનો નિર્ણય

આગળ શું?

બાવલુ પોલીસ અને મહેસાણા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે. પોલીસ માટે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખોટા દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સના આધારે આ વેચાણ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થઈ અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા તંત્રની ભૂમિકા હતી કે નહીં.

તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર કૌભાંડનું વાસ્તવિક કદ અને તેમાં સંકળાયેલા લોકોની ચોક્કસ જવાબદારી સ્પષ્ટ થઈ શકશે. હાલ માટે આ કેસ મહેસાણા જિલ્લામાં જમીન સંબંધિત સૌથી ચર્ચાસ્પદ અને ગંભીર કૌભાંડોમાંનો એક બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now