વિશ્વ પર્યાવરણ દિવસની પૃષ્ઠભૂમિમાં ગુજરાતના પર્યાવરણ અને વનસંપત્તિને લઈને ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ રાજ્ય સરકારના અહેવાલો અને પર્યાવરણ સંબંધિત ડેટાનો ઉલ્લેખ કરતા દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના જંગલો અને વૃક્ષ આવરણ પર ગંભીર અસર જોવા મળી રહી છે. તેમણે રાજ્ય સરકાર સામે વનજમીનના વધતા ડાયવર્ઝન, આગની વધતી ઘટનાઓ અને વન વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે.
ડૉ. કઠવાડીયાના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક 2024-25ના અહેવાલ અનુસાર ગુજરાતની કુલ 1,313.39 હેક્ટર વનજમીન વિવિધ બિન-વન હેતુઓ માટે ડાયવર્ટ કરવામાં આવી છે. આ આંકડા રાજ્યના પર્યાવરણ અને જૈવ વૈવિધ્ય માટે ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું હતું.
રોડ, ટ્રાન્સમિશન લાઈન અને ઉદ્યોગો માટે વનજમીનનો ઉપયોગ
કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે ડાયવર્ટ કરાયેલી કુલ વનજમીનમાંથી 854.63 હેક્ટર જમીન રોડ અને ટ્રાન્સમિશન લાઈન માટે ફાળવવામાં આવી છે. જ્યારે 421.31 હેક્ટર જમીન ઉદ્યોગો અને ટાઉનશીપના વિકાસ માટે આપવામાં આવી હોવાનું અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત 15.63 હેક્ટર જમીન સિંચાઈ યોજનાઓ માટે ઉપયોગમાં લેવામાં આવી છે. ડૉ. કઠવાડીયાએ સવાલ ઉઠાવ્યો કે વિકાસના નામે સતત વનવિસ્તાર ઘટાડવામાં આવી રહ્યો છે ત્યારે પર્યાવરણના સંતુલન અને ભવિષ્યની પેઢીઓ માટે શું આયોજન કરવામાં આવી રહ્યું છે?
આ પણ વાંચો: શાળાઓ ખુલતા પહેલાં વાલીઓને રાહત : પાઠ્યપુસ્તકોના ભાવ નહીં વધારવાનો સરકારનો નિર્ણય
છેલ્લા 25 વર્ષમાં ઘટ્યું વૃક્ષ આવરણ
ગ્લોબલ ફોરેસ્ટ વોચના ડેટાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં કુલ 100 હેક્ટર વૃક્ષ આવરણમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાના પરિણામે અંદાજે 100 કિલોટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન જેટલી અસર પર્યાવરણ પર પડી હોવાનું માનવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના કુદરતી જંગલોમાં પણ 69 હેક્ટર જેટલો ઘટાડો નોંધાયો છે, જે લગભગ 6.1 કિલોટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનના સમકક્ષ ગણાય છે. નર્મદા જિલ્લામાં સૌથી વધુ 27 હેક્ટર વૃક્ષ આવરણનું નુકસાન નોંધાયું છે. ત્યારબાદ ડાંગ જિલ્લામાં 25 હેક્ટર અને દાહોદ જિલ્લામાં 22 હેક્ટર વૃક્ષ આવરણ ઘટ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગોંડલના શેમળા ગામે હૃદયદ્રાવક દુર્ઘટના : તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત, 1ની હાલત ગંભીર
જંગલોમાં આગના એલર્ટનો ચોંકાવનારો આંક
ગુજરાતના જંગલોમાં આગની વધતી ઘટનાઓ પણ ચિંતાનું કારણ બની રહી છે. ડૉ. કઠવાડીયાના જણાવ્યા મુજબ વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં 522 હાઈ એલર્ટ ફાયર ઘટનાઓ નોંધાઈ છે. માત્ર 27 મેથી 3 જૂન 2026 વચ્ચે જ 380 VIIRS (Visible Infrared Imaging Radiometer Suite) ફાયર એલર્ટ નોંધાયા હોવાનું તેમણે જણાવ્યું. વધુ ચોંકાવનારી બાબત એ છે કે 6 જૂન 2022થી 1 જૂન 2026 વચ્ચે ગુજરાતના જંગલોમાં કુલ 16,331 VIIRS ફાયર એલર્ટ નોંધાયા છે. તેમણે દાવો કર્યો કે આગની આ ઘટનાઓના કારણે છેલ્લા 25 વર્ષમાં 9 હેક્ટર વૃક્ષ આવરણ નષ્ટ થયું છે. આગની વધતી ઘટનાઓ જંગલોના સંરક્ષણ માટે ગંભીર પડકાર બની રહી છે.
વન વિભાગમાં 3,490 જગ્યાઓ ખાલી
કોંગ્રેસે વન વિભાગમાં મોટા પ્રમાણમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. રજૂ કરાયેલા આંકડા અનુસાર વિભાગમાં કુલ 8,949 મંજૂર જગ્યાઓ સામે માત્ર 5,459 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે 3,490 જગ્યાઓ ખાલી છે.
ક્લાસ-1ની 163 જગ્યામાંથી 75 ખાલી છે. ક્લાસ-2ની 746 જગ્યામાંથી 165 જગ્યાઓ ખાલી છે. ક્લાસ-3ની 7,368 જગ્યામાંથી 2,686 જગ્યાઓ ભરાઈ નથી. જ્યારે ક્લાસ-4ની 672 જગ્યામાંથી 564 જગ્યાઓ ખાલી હોવાનું જણાવાયું છે. કોંગ્રેસના મત મુજબ વન સંરક્ષણ અને જંગલ વ્યવસ્થાપન માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સત્તાનો નવો અધ્યાય શરૂ : મેયર-ડેપ્યુટી મેયર સહિત નવા હોદ્દેદારોએ સંભાળ્યો ચાર્જ
પર્યાવરણ બચાવવા તાત્કાલિક પગલાંની માંગ
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે કોંગ્રેસે રાજ્ય સરકારને વન વિભાગની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરી છે. સાથે જ વૃક્ષ આવરણ વધારવા, જંગલોના સંરક્ષણ માટે વધુ અસરકારક નીતિઓ અમલમાં મૂકવા અને વનજમીનના બિન-વન ઉપયોગ પર પુનર્વિચાર કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જો હાલની પરિસ્થિતિમાં સુધારો નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પર્યાવરણ અને જૈવ વૈવિધ્ય બંને માટે ગંભીર પડકારો ઊભા થઈ શકે છે.






