Home Gujarat Vadodara Indian Railway Mahisagar Bridge Regirdering Vadodara Division Record

ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત સર્જાયો ઇતિહાસ : મહિસાગર નદી પર 113 વર્ષ જૂના બ્રિજનું રેકોર્ડ સમયમાં રિ-ગર્ડરિંગ પૂર્ણ

Indian Railway Mahisagar Bridge Re-Girdering
Published by: Nirali Gohil
Last Updated: Jun 05, 2026, 10:53 AM IST

Indian Railway: ભારતીય રેલ્વે સતત આધુનિકીકરણ અને સલામતીના ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. દેશભરના જૂના રેલવે માળખાંને મજબૂત બનાવવા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. આવા જ એક ઐતિહાસિક અને પડકારજનક પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરીને પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝને ભારતીય રેલ્વેના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યું છે. અમદાવાદ-વડોદરા વ્યસ્ત રેલવે સેક્શન પર મહિસાગર નદી ઉપર આવેલા 113 વર્ષ જૂના બ્રિજ નંબર-624ના તમામ આઠ સ્પાનનું રિ-ગર્ડરિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ભારતીય રેલ્વેના ઇતિહાસમાં પ્રથમ વખત રનિંગ રેલવે લાઇન વચ્ચે આટલા મોટા અને ભારે સ્ટીલ ઓપન-વેબ ગર્ડરોને રોડ ક્રોલર ક્રેનની મદદથી બદલવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ માત્ર એન્જિનિયરિંગ સિદ્ધિ જ નહીં પરંતુ રેલવેની ટેક્નિકલ ક્ષમતા અને આયોજનનું ઉત્તમ ઉદાહરણ પણ બની રહ્યો છે.

1913માં બનેલો બ્રિજ હવે નવા સ્વરૂપમાં

મહિસાગર નદી પર આવેલો આ બ્રિજ બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1913માં નિર્માણ પામ્યો હતો. એક સદીથી વધુ સમય સુધી લાખો મુસાફરો અને હજારો ટ્રેનોના ભારને સહન કરનાર આ ઐતિહાસિક માળખું હવે આધુનિક ટેક્નોલોજીની મદદથી વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રિજની લાંબા ગાળાની સલામતી અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ગર્ડરો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન જૂના સ્ટીલ ગર્ડરોને દૂર કરીને નવા અને વધુ મજબૂત ગર્ડરો સ્થાપિત કરવામાં આવ્યા છે.

320 ટન વજન અને 67.5 મીટર લંબાઈના ગર્ડરો બદલાયા

આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા ગર્ડરોનું વિશાળ કદ અને વજન રહ્યું છે. રિ-ગર્ડરિંગ દરમિયાન બદલાયેલા દરેક ગર્ડરની લંબાઈ આશરે 67.5 મીટર હતી, જ્યારે તેનું વજન લગભગ 320 ટન હતું. આટલા ભારે માળખાને કાર્યરત રેલવે લાઇન પર બદલવું એ પોતે જ એક અત્યંત જટિલ અને જોખમી કામગીરી માનવામાં આવે છે. ખાસ કરીને મહિસાગર નદીમાં વર્ષભર પાણીનો પ્રવાહ રહેતો હોવાથી એન્જિનિયરો સામે અનેક તકનીકી પડકારો હતા. તેમ છતાં સુચિત આયોજન અને આધુનિક મશીનરીના ઉપયોગથી સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

આ પણ વાંચો: વડોદરાના અકોટા જૈન દેરાસર ચોરી કેસનો ભેદ ઉકેલાયો: 540 વર્ષ જૂની ભગવાનની મૂર્તિ સુરક્ષિત મળી, ત્રણ આરોપી ઝડપાયા

બે તબક્કામાં પૂર્ણ થયો વિશાળ પ્રોજેક્ટ

આ સમગ્ર રિ-ગર્ડરિંગ પ્રોજેક્ટને બે અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં બ્રિજના મધ્ય ભાગમાં આવેલા છ સ્પાન બદલવામાં આવ્યા હતા. આ કામગીરી માટે નદીની અંદર ખાસ ટેક્નોલોજીની મદદથી લગભગ 30 મીટર પહોળો કૃત્રિમ રેતીનો પટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્લેટફોર્મ પર 600 ટન ક્ષમતાવાળી બે વિશાળ ક્રોલર ક્રેનો સ્થાપિત કરીને ભારે ગર્ડરોને બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી. બીજા તબક્કામાં બ્રિજના બંને છેડાના બે સ્પાન બદલવામાં આવ્યા હતા. અહીં જગ્યા મર્યાદિત હોવાથી વધુ શક્તિશાળી 800 ટન ક્ષમતાવાળી સુપર-લિફ્ટ ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ક્રેને અત્યંત ચોકસાઈથી ભારે ગર્ડરોને સ્થાપિત કરીને કામગીરીને સફળ બનાવી હતી.

માત્ર સાડા પાંચ કલાકના મેગા બ્લોકમાં કામગીરી

આટલા મોટા પ્રોજેક્ટ માટે સામાન્ય રીતે લાંબા સમય સુધી ટ્રેન વ્યવહારને અસર થવાની શક્યતા રહે છે. પરંતુ વડોદરા ડિવિઝને નવીન આયોજન દ્વારા મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે રીતે સમગ્ર કામગીરી પૂર્ણ કરી. આ પ્રોજેક્ટ માટે કુલ આઠ મેગા બ્લોક લેવામાં આવ્યા હતા અને દરેક બ્લોકનો સમયગાળો આશરે સાડા પાંચ કલાકનો હતો. આધુનિક ટેક્નોલોજી અને અસરકારક સંકલનના કારણે ટ્રાફિક બ્લોક, પાવર બ્લોક અને પ્રોજેક્ટ ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું છે.

સલામતી અને ઝડપમાં થશે વધારો

વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) રાજુ ભડકેએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વડોદરા ડિવિઝનની એન્જિનિયરિંગ કુશળતા, નવીનતા અને ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ છે. અત્યંત પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ રિ-ગર્ડરિંગ બાદ અમદાવાદ-વડોદરા રેલવે સેક્શન પર ટ્રેનોની સલામતી, ગતિ અને વિશ્વસનીયતામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. દેશના સૌથી વ્યસ્ત રેલવે રૂટ પૈકીના એક પર થયેલી આ કામગીરી ભવિષ્યમાં અન્ય મોટા રેલવે પ્રોજેક્ટ માટે પણ માર્ગદર્શક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ભાવનગરની સર ટી હોસ્પીટલમાં વેન્ટિલેટર વિવાદ બાદ મોટું એક્શન: 2 જુનિયર તબીબ સસ્પેન્ડ

ભારતીય રેલ્વે માટે એક નવો માઇલસ્ટોન

પશ્ચિમ રેલ્વેના જણાવ્યા અનુસાર ઉપલબ્ધ રેલવે રેકોર્ડમાં આ પ્રથમ ઘટના છે જેમાં રોડ ક્રોલર ક્રેનની મદદથી કાર્યરત રેલવે લાઇન પર આટલા મોટા સ્ટીલ ઓપન-વેબ ગર્ડરો સફળતાપૂર્વક બદલવામાં આવ્યા હોય. આ સિદ્ધિ માત્ર વડોદરા ડિવિઝન માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય રેલ્વે માટે ગૌરવની ક્ષણ સમાન છે. આધુનિક એન્જિનિયરિંગ, નવીન ટેક્નોલોજી અને કુશળ માનવબળના સમન્વયથી કેવી રીતે અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવી શકાય તેનો આ પ્રોજેક્ટ ઉત્તમ દાખલો બની રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now