Home Gujarat Vadodara Gujarat Mega Drive Against Illegal Bangladeshi Infiltrators Vadodara

ગુજરાતમાં ઘૂસણખોરો સામે મેગા ડ્રાઈવ : વડોદરામાંથી 7 બાંગ્લાદેશી ઝડપાયા, 200થી વધુની પૂછપરછ

7 બાંગ્લાદેશીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 03, 2026, 10:03 AM IST

દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં ગાંધીનગરના સોનીપુર ખાતે યોજાયેલી જાહેર સભામાં ગેરકાયદેસર ઘૂસણખોરો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યા બાદ ગુજરાતભરમાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મોટા શહેરોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ માટે મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ, દસ્તાવેજ ચકાસણી અને ઓળખ વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરીને વસવાટ કરતા લોકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનો છે.

વડોદરામાં મોડી રાતથી શરૂ થયું 'ઓપરેશન બાંગ્લાદેશ'

વડોદરા શહેરમાં પોલીસ દ્વારા મોડી રાતથી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી શહેરના સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આશરે 200 જેટલા શંકાસ્પદ લોકોની ઓળખ કરીને તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, રહેઠાણના પુરાવા અને અન્ય કાયદેસર દસ્તાવેજોની ખરાઈ બાદ યોગ્ય પુરાવા ધરાવતા લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ દ્વારા દરેક કેસમાં અલગ-અલગ રીતે દસ્તાવેજોની સત્યતા અને નાગરિકતાની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઘૂસણખોરીના નેટવર્ક પર પોલીસનો સકંજો : 290થી વધુ શંકાસ્પદોની અટકાયત

કપુરાઈ અને બાપોદમાંથી 7 બાંગ્લાદેશી ઝડપાયા

પોલીસની કાર્યવાહી દરમિયાન વડોદરાના કપુરાઈ અને બાપોદ વિસ્તારમાંથી 7 જેટલા એવા લોકો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેઓ પાસે ભારતમાં કાયદેસર રીતે રહેવા માટે જરૂરી દસ્તાવેજો ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ શરૂ કરી છે. તેમની ઓળખ, ભારતમાં પ્રવેશનો માર્ગ, રહેઠાણ અને સંભવિત સંપર્કો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ તેમની સામે કઈ કાનૂની કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: કચ્છમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પશ્ચિમ કચ્છ પોલીસનું મેગા ઓપરેશન : 80 શંકાસ્પદોની કરાઈ અટકાયત

કેટલાક સ્થાનિક લોકો પણ તપાસના ઘેરામાં

તપાસ દરમિયાન કેટલાક એવા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો પણ પોલીસના રડારમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમના સગા-સંબંધીઓ બાંગ્લાદેશમાં રહે છે અથવા જેમનો નિયમિત સંપર્ક હોવાનું સામે આવ્યું છે. જોકે માત્ર સંપર્ક હોવો એ કોઈ ગુનો નથી, તેમ છતાં તપાસ એજન્સીઓ તમામ પાસાઓની ચકાસણી કરી રહી છે જેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા નેટવર્ક કાર્યરત હોય તો તેની માહિતી મળી શકે. પોલીસ દ્વારા ડિજિટલ સંપર્કો, રહેઠાણની વિગતો અને અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચો: DyCMની હાઈલેવલ બેઠક બાદ સુરતમાં સાયબર ઠગબાજો સામે મોટું એક્શન : 40 કેસ પોલીસ ચોપડે નોંધાયા

અગાઉ પણ 250 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા હતા

ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 દરમિયાન પણ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તે સમયે વડોદરા સહિત વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તે સમયે વડોદરામાંથી અંદાજે 250 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને પકડી તેમના વતન પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ ફરી એકવાર શરૂ થયેલી આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે રહેતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યભરમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ તપાસ અને ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ અને વડોદરા સહિતના વિસ્તારોમાં શરૂ થયેલા અભિયાનના આધારે આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આવા અભિયાનો જરૂરી છે. હાલ તમામ અટકાયત કરાયેલા લોકોની પૂછપરછ અને દસ્તાવેજ ચકાસણીની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now