રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ અને ચકાસણીની કાર્યવાહી હાથ ધરી છે.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા યોજાયેલી આ મેગા ડ્રાઇવ દરમિયાન આશરે 80 જેટલા શંકાસ્પદ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. હાલ તમામ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમના દસ્તાવેજો, રહેઠાણ તથા નાગરિકતા સંબંધિત વિગતોની ચકાસણી ચાલી રહી છે.
15 અલગ-અલગ ટીમો સાથે વિશેષ અભિયાન
પશ્ચિમ કચ્છ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે કાર્યવાહી કરવા માટે પોલીસે 15 અલગ-અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ અને વેરિફિકેશન અભિયાન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ કરવા માટે ચોક્કસ માહિતી અને ઇનપુટના આધારે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન સ્થાનિક પોલીસ ઉપરાંત વિવિધ શાખાઓના અધિકારીઓ પણ જોડાયા હતા, જેના કારણે તપાસ વધુ અસરકારક રીતે હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: DyCMની હાઈલેવલ બેઠક બાદ સુરતમાં સાયબર ઠગબાજો સામે મોટું એક્શન : 40 કેસ પોલીસ ચોપડે નોંધાયા
7 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ સામે આવી
પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી 7 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે અધિકારીઓએ જણાવ્યું છે કે અંતિમ નિર્ણય દસ્તાવેજી ચકાસણી અને સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ લેવામાં આવશે. અટકાયતમાં લેવાયેલા તમામ લોકોના ઓળખપત્રો, રહેઠાણના પુરાવા, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર સહિતના દસ્તાવેજોની વિગતવાર તપાસ ચાલી રહી છે. કેટલાક કિસ્સાઓમાં દસ્તાવેજોની સત્યતા અંગે પણ ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે કેટલા લોકો ખરેખર ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશીને કચ્છ જિલ્લામાં વસવાટ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં ઘૂસણખોરીના નેટવર્ક પર પોલીસનો સકંજો : 290થી વધુ શંકાસ્પદોની અટકાયત
IG અને એસપીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
આ સમગ્ર વિશેષ અભિયાન રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા (SP) વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઓપરેશનની સતત મોનીટરીંગ કરી હતી અને ટીમોને જરૂરી સૂચનાઓ આપી હતી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કચ્છની ભૌગોલિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સરહદની નજીકતા ધ્યાનમાં રાખતા સુરક્ષા એજન્સીઓ માટે આવા ઓપરેશનો અત્યંત મહત્વપૂર્ણ છે. ગેરકાયદેસર પ્રવેશ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સમયાંતરે વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ દેવા માફીની માંગ : બનાસકાંઠાના ખેડૂતોની સરકાર સમક્ષ રજૂઆત
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી કડક વલણ
પશ્ચિમ કચ્છ પોલીસનું કહેવું છે કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કાયદો-વ્યવસ્થા જાળવવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનાર અથવા યોગ્ય દસ્તાવેજો વિના રહેતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દરેક વ્યક્તિની ઓળખ અને નાગરિકતા અંગેની ચકાસણી નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ સંબંધિત લોકો સામે જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તપાસના આધારે વધુ ખુલાસા અને કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.






