Delhi Hotel Fire: દેશની રાજધાની દિલ્હીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દક્ષિણ દિલ્હીના હૌજરાની વિસ્તારમાં આવેલી ફ્લોરિશ ઇન (Flourish Inn) હોટલમાં લાગેલી ભીષણ આગે 21 લોકોનો જીવ લીધો છે. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ મિનિટોમાં પાંચ માળની હોટલ ધુમાડા અને જ્વાળાઓથી ઘેરાઈ ગઈ હતી. ઘટનાએ સમગ્ર દિલ્હીને હચમચાવી નાખી છે. બચાવ કામગીરી દરમિયાન 37 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અનેક લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સવારે અચાનક ભભૂકી આગ, હોટલમાં મચી અફરાતફરી
દિલ્હી ફાયર સર્વિસને સવારે આશરે 9:45 વાગ્યે માલવીય નગર વિસ્તારની એક હોટલમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ અનેક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકો બહાર નીકળવાનો સમય જ મેળવી શક્યા નહોતા. પ્રાથમિક તપાસ મુજબ, આગ હોટલના બેઝમેન્ટમાં આવેલા રેસ્ટોરન્ટ વિસ્તારમાંથી શરૂ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હોટલમાં રોકાયેલા હતા 50થી વધુ લોકો
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હૌજરાનીની સાંકડી ગલીઓમાં આવેલી આ પાંચ માળની હોટલમાં અંદાજે 25 રૂમ હતા અને ઘટનાના સમયે 50થી વધુ મહેમાનો રોકાયેલા હતા. તેમાં મોટાભાગના વિદેશી નાગરિકો હતા, જેઓ દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે આવેલા દર્દીઓના પરિવારજનો અથવા સંભાળ રાખનાર તરીકે રોકાયા હતા. આગ લાગવાના સમયે મોટા ભાગના લોકો આરામ કરી રહ્યા હતા, જેના કારણે જાનહાનિનું પ્રમાણ વધુ રહ્યું હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: દિલ્હી અગ્નિકાંડ! રેસ્ટોરન્ટમાં ભીષણ આગથી 21ના મોત: મિનિટોમાં મચ્યો વિનાશ, મૃત્યુઆંક વધવાની આશંકા
રેસ્ટોરન્ટના કર્મચારીએ વર્ણવી ઘટનાની ભયાનકતા
હોટલના રેસ્ટોરન્ટમાં કામ કરતા શેફ કેસર સિંહે જણાવ્યું કે સવારે તેઓ કામ શરૂ કરવા માટે રસોડામાં પહોંચ્યા હતા. તેમણે ઇલેક્ટ્રિક ચુલો શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક આગની લપેટો દેખાઈ હતી. શરૂઆતમાં તેમને લાગ્યું કે રસોડામાં આગ લાગી છે, પરંતુ બહાર નીકળતા ખબર પડી કે આગ સમગ્ર હોટલમાં ફેલાઈ ચૂકી હતી. તેમણે જણાવ્યું કે, ભારે ધુમાડો અને આગના કારણે સ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ હતી અને ઘણા લોકો ફસાઈ ગયા હોવાની આશંકા હતી.
બચાવ કામગીરીમાં 37 લોકોને બહાર કાઢાયા
ફાયર બ્રિગેડ અને બચાવ દળોએ સંયુક્ત કામગીરી હાથ ધરીને 37 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે કલાકો સુધી સતત કામગીરી કરવી પડી હતી.
આ પણ વાંચો: રાજધાની દિલ્હીમાં માત્ર 5 મહિનામાં 65થી વધુ મોત: વિવેક વિહાર, પાલમ બાદ હવે માલવિયા નગરમાં મોટો અગ્નિકાંડ
આગના કારણોની તપાસ શરૂ
પોલીસ અને ફાયર વિભાગે આગના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટ અથવા રેસ્ટોરન્ટ વિસ્તારમાંથી આગ શરૂ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક કારણ અંગે સ્પષ્ટતા થશે. આ દુર્ઘટનાએ ફરી એકવાર મોટા શહેરોમાં હોટલો અને વ્યાવસાયિક ઇમારતોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.





