Ghaziabad News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સૂર્યા હત્યાકાંડ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. ખોડા વિસ્તારથી શરૂ થયેલું પોલીસનું 'ઓપરેશન ક્લીન સ્વીપ' હવે સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગયું છે. આ અભિયાનનો પ્રભાવ એટલો છે કે, ભૂતકાળમાં ગુનાખોરીમાં સંડોવાયેલા આશરે 80 લોકો જાતે જ સાહિબાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ભવિષ્યમાં ક્યારેય અપરાધ ન કરવાની શપથ લીધી હતી. પોલીસ કમિશનર અને જિલ્લા વહીવટીતંત્રની આ કડક કાર્યવાહીથી ગુનાખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું છે 'ઓપરેશન ક્લીન સ્વીપ'?
ખોડા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટના બાદ પોલીસે વિસ્તારને ગુનામુક્ત કરવા માટે આ વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. જેનો વ્યાપ હવે લોની જેવા ક્રાઈમ પ્રોન વિસ્તારો સુધી વધારી દેવામાં આવ્યો છે. પોલીસ માત્ર ગુનેગારો પર નજર રાખી રહી છે એટલું જ નહીં, પરંતુ તેમની યાદી બનાવીને તેમને કડક ચેતવણી પણ આપવામાં આવી રહી છે. જે લોકો સામે જૂના કેસ નોંધાયેલા છે, તેમને પોલીસ સ્ટેશને બોલાવીને ગુનાખોરી છોડવાની શપથ લેવડાવવામાં આવી છે.
સૂર્યા હત્યાકાંડ બાદ ગાજિયાબાદમાં પોલીસનું મેગા એક્શન
ગાજિયાબાદના ખોડા વિસ્તારમાં બનેલા ચર્ચાસ્પદ સૂર્યા હત્યાકાંડ બાદ પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ગુનાખોરી પર કાબૂ મેળવવા અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલ ‘ઓપરેશન ક્લીન સ્વીપ’ હવે સમગ્ર ગાજિયાબાદ જિલ્લામાં વિસ્તારી દેવામાં આવ્યું છે. પોલીસના આ અભિયાનની અસર માત્ર થોડા જ દિવસોમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો: દિલ્હી અગ્નિકાંડ! રેસ્ટોરન્ટમાં ભીષણ આગથી 21ના મોત: મિનિટોમાં મચ્યો વિનાશ, મૃત્યુઆંક વધવાની આશંકા
80 લોકો જાતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યા
પોલીસના સઘન અભિયાન બાદ અગાઉ ગુનાખોરીમાં સંડોવણીના આરોપોનો સામનો કરી ચૂકેલા આશરે 80 લોકો સ્વેચ્છાએ સાહિબાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેઓએ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવાની પ્રતિજ્ઞા લીધી હતી. પોલીસ અધિકારીઓએ આ પગલાને અભિયાનની મોટી સફળતા ગણાવી છે. સૂર્યા હત્યાકાંડના એક અઠવાડિયા બાદ પણ ખોડા વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. વિસ્તારના દરેક પ્રવેશદ્વાર, મુખ્ય ચોક અને સંવેદનશીલ સ્થળોએ પોલીસ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
પોલીસ કમિશનર અને અધિકારીઓનો વિસ્તાર મુલાકાત
મંગળવારે બપોર બાદ ગાજિયાબાદના પોલીસ કમિશનર જે. રવિન્દ્ર ગૌડ અને જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર એમ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ખોડા પહોંચ્યા હતા. તેમની સાથે અલ્પસંખ્યક કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ વિસ્તારનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તપાસ દરમિયાન ખોડા વિસ્તારમાં કાર્યરત કેટલાક મદરેસાઓ અંગે ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી. વહીવટી તંત્રએ મદરેસા રહમાનિયા અરબિયા કાસિમ-ઉલ-ઉલૂમ સહિત કુલ ત્રણ મદરેસાઓને સીલ કરી દીધા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ આ મદરેસાઓ જરૂરી સરકારી મંજૂરી વગર કાર્યરત હતા અને તેમની પાસે ફાયર વિભાગ તથા ઇલેક્ટ્રિકલ સેફ્ટીની એનઓસી પણ ઉપલબ્ધ નહોતી. જેના કારણે જાહેર સુરક્ષાને જોખમ ઊભું થતું હતું.
હિસ્ટ્રીશીટરો પર પણ કાર્યવાહી
પોલીસે અગાઉથી ચિહ્નિત હિસ્ટ્રીશીટરો અને શંકાસ્પદ તત્વો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. અનેક લોકોના ઘરો પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને કેટલાક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસનું માનવું છે કે, ‘ઓપરેશન ક્લીન સ્વીપ’ માત્ર એક કાર્યવાહી નહીં પરંતુ લાંબા ગાળાનું ગુનામુક્ત સમાજ નિર્માણ અભિયાન છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ આવા અભિયાન ચાલુ રહેશે અને કાયદો-વ્યવસ્થા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.





