Vadodara Car Accident: વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર કુંભારવાડા પોલીસ ચોકીની સામે આજે એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક વૃદ્ધ મહિલા કારચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા એક્ટિવા પર સવાર એક પરિવારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારચાલક મહિલા સમયસર બ્રેક મારવામાં નિષ્ફળ રહેતા, ટુ-વ્હીલર પર સવાર ભાઈ-બહેનને કારની નીચે ફસાઈ જવાથી અંદાજે ૫૦ ફૂટ સુધી રસ્તા પર ઢસડાવું પડ્યું હતું. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
ખરીદી કરીને પરત ફરી રહેલા પરિવાર પર આફત
પ્રાપ્ત વિગતો અનુસાર, એક પરિવાર જ્યુબિલીબાગ વિસ્તારમાંથી ખરીદી કરીને એક્ટિવા પર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ટુ-વ્હીલર પર માતા, પુત્રી અને પુત્ર (ભાઈ-બહેન અને માતા) સવાર હતા. હરણી વારસિયા રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા, જેમાં ભાઈ-બહેન કારની નીચે ફસાઈ જતા ગંભીર ઈજાઓનો ભોગ બન્યા હતા.
આ પણ વાંચો: વડોદરા પાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો: ખોદકામના ખાડામાં ખાબકી કાર, યુવકે VMC કમિશનર પાસે માગ્યું વળતર
લોકોના જીવ તાળવે, સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલુ
અકસ્માતનું દ્રશ્ય જોઈને આસપાસના રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકોની બૂમાબૂમ બાદ કાર થોભી હતી, પરંતુ ત્યાં સુધીમાં ભાઈ-બહેનને ગંભીર ઈજાઓ પહોંચી ચૂકી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી બંનેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા. શરીરે અને માથાના ભાગે ઊંડા જખમ થવાને કારણે તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે, જ્યારે માતાનો આબાદ બચાવ થયો છે.

પોલીસ ચોકી સામે જ ઘટના: મહિલાની અટકાયત
આ અકસ્માત કુંભારવાડા પોલીસ ચોકીની બિલકુલ સામે જ સર્જાયો હોવાથી પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોનો રોષ વધે તે પહેલાં પોલીસે અકસ્માત સર્જનાર વૃદ્ધ મહિલા ચાલકની અટકાયત કરી લીધી હતી અને તેમની કાર કબજે કરી હતી. શું આ અકસ્માત ભૂલથી એક્સિલેટર દબાઈ જવાથી થયો છે કે અન્ય કોઈ ટેકનિકલ ખામી કે બેદરકારીને કારણે, તે અંગે પોલીસ હાલમાં વધુ પૂછપરછ કરી રહી છે. આ ઘટનાને પગલે રિંગ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.





