Home Gujarat Vadodara Yogesh Patel Manjalpur Mla Passes Away Gujarat Bjp

માંજલપુરના MLA યોગેશ પટેલના નિધનથી ભાજપમાં શોકની લાગણી : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યક્ત કરી સંવેદના

MLA યોગેશ પટેલ
Image Credit: @iJagdishBJP
Published by: Chintan Chavda
Last Updated: Jun 02, 2026, 11:34 AM IST

ભાજપના વરિષ્ઠ નેતા અને વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે યોગેશ પટેલના અવસાનને ભાજપ પરિવાર અને ગુજરાતના જાહેરજીવન માટે મોટી ક્ષતિ ગણાવી હતી.

જગદીશ વિશ્વકર્માએ પોતાના શોક સંદેશમાં જણાવ્યું કે, "ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. દાયકાઓ સુધી જનસેવા અને સંગઠન માટે આપેલું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે."

તેમણે વધુમાં કહ્યું કે યોગેશ પટેલે પોતાના સમગ્ર જાહેરજીવન દરમિયાન સંગઠનને મજબૂત બનાવવામાં અને લોકોની સેવા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના અનુભવ, કાર્યશૈલી અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા ભાજપના કાર્યકરો માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.

ભાજપ માટે અપુરણીય ક્ષતિ

પ્રદેશ પ્રમુખે પોતાના સંદેશમાં યોગેશ પટેલના પરિવારજનો, શુભેચ્છકો અને કાર્યકરો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, "પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના."

આ પણ વાંચો: વડોદરા માંજલપુરના ધારાસભ્યનું નિધન : યોગેશ પટેલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

યોગેશ પટેલ ગુજરાત ભાજપના સૌથી અનુભવી નેતાઓમાં સામેલ હતા અને તેમણે દાયકાઓ સુધી વિધાનસભામાં લોકોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વડોદરા શહેરના વિકાસ અને સંગઠનના વિસ્તરણમાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી હતી. તેમના નિધનના સમાચાર બાદ ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો પણ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. તેમના અવસાનને કારણે વડોદરા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં શોકનું વાતાવરણ છવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now