Home Gujarat Vadodara Bajwa Karodiya Road Car Falls Into Drainage Excavation Pit Vmc Compensation Demand

વડોદરા પાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો : ખોદકામના ખાડામાં ખાબકી કાર, યુવકે VMC કમિશનર પાસે માગ્યું વળતર

ખાડામાં કાર ખાબકી તેની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 03, 2026, 05:49 AM IST

વડોદરા શહેરમાં જાહેર માર્ગો પર ચાલી રહેલા વિકાસકામો દરમિયાન સલામતીના નિયમોના પાલન અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. બાજવા-કરોડિયા રોડ પર ડ્રેનેજ લાઇનના કામ બાદ યોગ્ય રીતે ખાડાનું પુરાણ ન કરવાના અને પૂરતા સુરક્ષા બંદોબસ્તના અભાવે એક કાર ખાડામાં ખાબકતા વાહનને નુકસાન પહોંચ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકે વડોદરા મહાનગરપાલિકા (VMC) સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી વળતરની માંગ કરી છે.

મળતી માહિતી મુજબ બાજવા-કરોડિયા રોડ વિસ્તારમાં પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવા કામો દરમિયાન માર્ગ પર ખોદકામ કરવામાં આવે ત્યારે વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે બેરિકેટિંગ, ચેતવણી બોર્ડ અને રિફ્લેક્ટિવ સંકેતો મૂકવા જરૂરી હોય છે. જોકે, ફરિયાદીનો આરોપ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટરે આ મૂળભૂત સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવી નહોતી.

કૃષ્ણ વિહાર સોસાયટીના રહેવાસીની ફરિયાદ

બાજવા-કરોડિયા રોડ પર આવેલી કૃષ્ણ વિહાર સોસાયટીમાં રહેતા કૃણાલ પટેલે મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન રસ્તા પર ખોદવામાં આવેલા ખાડા અંગે કોઈ સ્પષ્ટ ચેતવણી કે આડશ મૂકવામાં આવ્યા નહોતા. પરિણામે તેમની કાર અચાનક ખાડામાં ખાબકી ગઈ હતી.

તેમના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં વાહનને નોંધપાત્ર નુકસાન થયું છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના દેખરેખ તંત્રની નિષ્ક્રિયતાના કારણે આ ઘટના બની છે.

કૃણાલ પટેલે જણાવ્યું છે કે જાહેર માર્ગો પર ચાલતા વિકાસકામોમાં સલામતીના ધોરણોનું પાલન કરાવવાની જવાબદારી માત્ર કોન્ટ્રાક્ટરની જ નહીં પરંતુ સંબંધિત વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરોની પણ છે. જો યોગ્ય દેખરેખ રાખવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાય તેમ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મેગા બ્લોક : આ વ્યસ્ત બ્રિજ 5 રાત બંધ રહેશે, ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ

વળતર સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ

ફરિયાદમાં કૃણાલ પટેલે સ્પષ્ટ માંગણી કરી છે કે તેમની કારને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી વળતર ચૂકવવામાં આવે. સાથે જ ડ્રેનેજ કામગીરી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર તેમજ કામની દેખરેખ રાખનારા જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

તેમણે પાલિકા તંત્રને 7 દિવસની અંદર લેખિત જવાબ આપવા અલ્ટીમેટમ આપ્યું છે. જો નિર્ધારિત સમયગાળામાં યોગ્ય જવાબ કે વળતર અંગે કાર્યવાહી નહીં થાય તો તેઓ કાયદાકીય વિકલ્પો અપનાવશે તેવી પણ ચેતવણી આપી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: અમદાવાદના 9 બ્રિજ નીચે બનશે આધુનિક સ્પોર્ટ્સ સેન્ટર્સ : ખાલી જગ્યાઓનો થશે સદુપયોગ, AMC નું મોટું આયોજન

જાનહાનિ ટળી

આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી, પરંતુ ફરિયાદીએ નોંધ્યું છે કે અકસ્માત વધુ ગંભીર પણ બની શક્યો હોત. ખાસ કરીને રાત્રિના સમયે અથવા ઓછી દૃશ્યતા દરમિયાન ટુ-વ્હીલર ચાલક આવા ખાડામાં ખાબકે તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, પાણી અને ગટરલાઇન સંબંધિત કામો ચાલી રહ્યા છે. આવી કામગીરી દરમિયાન સલામતીના નિયમોનું પાલન ન થાય તો સામાન્ય નાગરિકોને જોખમનો સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પણ ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન કરવાના, ખુલ્લા ખાડા છોડી દેવાના અને ચેતવણી સંકેતો ન મૂકવાના મુદ્દે અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે.

આ પણ વાંચો: વડોદરામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસનો સપાટો : 200 થી વધુ ઘૂસણખોરો હોવાની આશંકા, અમિત શાહના આદેશ બાદ 5 દિવસમાં જ એક્શન

વિકાસકામો સાથે જવાબદારી પણ જરૂરી

નાગરિકોનું કહેવું છે કે વિકાસકામો શહેર માટે જરૂરી છે, પરંતુ તેની સાથે સુરક્ષા અને જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જાહેર માર્ગો પર ચાલતા કામોમાં કોન્ટ્રાક્ટર અને પાલિકા બંને દ્વારા નક્કી કરાયેલા સલામતી ધોરણોનું કડક પાલન કરાવવું જરૂરી બની ગયું છે.

બાજવા-કરોડિયા રોડની આ ઘટના બાદ હવે પાલિકા તંત્ર ફરિયાદને કેવી રીતે સંભાળે છે અને નુકસાનગ્રસ્ત નાગરિકને વળતર આપવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા અંગે શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now