Vadodara News: વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય અને વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું ૮૦ વર્ષની વયે અવસાન થતાં સમગ્ર વડોદરા સહિત ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા તેમના અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. BCAએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને ધારાસભ્યના જાહેર જીવન, વડોદરાના વિકાસમાં અદ્ભુત ફાળો અને અવિરત સમાજસેવાના યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
વડોદરાના વિકાસ અને રમતગમત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન
BCA દ્વારા જાહેર કરાયેલા શોક સંદેશામાં જણાવાયું છે કે, યોગેશભાઈ પટેલ એક અત્યંત પ્રતિષ્ઠિત અને સમર્પિત જનસેવક હતા. વડોદરાના સર્વાંગી વિકાસ અને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેનો તેમનો અવિરત સેવાભાવ તેમને સમાજના તમામ વર્ગોમાં લોકપ્રિય અને આદરણીય બનાવતો હતો. માત્ર સામાજિક કે રાજકીય જ નહીં, પરંતુ રમતગમત ક્ષેત્રે પણ તેમની રુચિ વિશેષ હતી. BCA સ્ટેડિયમના વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ અને સક્રિય યોગદાન રહ્યું હતું, જેના માટે બરોડા ક્રિકેટ એસોસિએશન હંમેશા તેમનું ઋણી અને કૃતજ્ઞ રહેશે.
બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીનએ જણાવ્યું હતું કે, યોગેશભાઈ પટેલે પોતાના અદભુત દ્રષ્ટિકોણ, સમર્પણ અને આગવી કાર્યશૈલીથી વડોદરાના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. રમતગમત અને જાહેર સુવિધાઓના વિકાસ સાથે BCA સ્ટેડિયમના નિર્માણ અને પ્રગતિમાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે. તેમના કાર્યો અને ઉચ્ચ મૂલ્યો આવનારી પેઢીઓ માટે કાયમ પ્રેરણારૂપ બની રહેશે.
BPL મેચો પૂર્વે બે મિનિટનું મૌન પાળી અંજલિ અપાઈ
સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલની પાવન સ્મૃતિને વંદન કરવા તેમજ તેમની આજીવન સમાજસેવાને સર્વોચ્ચ માન આપવા માટે આજે, ૩ જૂન, ૨૦૨૬ના રોજ વિશેષ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. BCA સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી 'બરોડા પ્રીમિયર લીગ' (BPL) સીઝન-૨ની બંને મેચો શરૂ થતાં પૂર્વે મેદાન પર બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેડિયમમાં હાજર તમામ ખેલાડીઓ, અમ્પાયર્સ, રમતગમતના સત્તાધિકારીઓ, આમંત્રિત મહાનુભાવો અને હજારો રમતપ્રેમી દર્શકોએ એકસાથે ઊભા રહીને દિવંગત નેતાને હૃદયપૂર્વક અંજલિ આપી હતી.
બરોડા ક્રિકેટ એસોસિએશને આ ભારે હૈયે દુઃખદ સમયે લોકલાડીલા નેતા યોગેશભાઈ પટેલના પરિવારજનો, મિત્રો, સહકર્મીઓ અને તેમના અસંખ્ય શુભેચ્છકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. BCAના હોદ્દેદારોએ પ્રાર્થના કરી છે કે ઈશ્વર આ મુશ્કેલ સમયમાં પરિવારને આ અપૂરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ અને હિંમત આપે, તેમજ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે.





