Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટોની વહેંચણી બાદ અમદાવાદ ભાજપમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ખાસ કરીને ધારાસભ્યોની મનમાનીને કારણે તેમના માનીતાઓને ટિકિટો અપાઈ હોવાની વાત વહે દરેક વિસ્તારોમાં સ્થાનિકો કરી રહ્યાં છે. જેને કારણે અમદાવાદની અનેક સોસાયટીઓમાં સ્થાનિકોએ મતદાનના બહિષ્કાર સાથે અમારી સોસાયટીમાં મત માંગવા આવવું નહીં તેવા બેનરો પણ લગાવવામાં આવ્યાં છે.
અમદાવાદમાં ભાજપના ધારાસભ્યોની મનમાનીના કારણે કોઈકને કોઈક વોર્ડમાં સતત વિરોધ થઈ રહ્યો છે. જેમાં સૌથી પહેલું નામ અમદાવાદના નરોડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીનું આવે છે. કારણકે, નરોડા વર્ષોથી ભાજપનો ઢગ રહ્યો છે. દરેક ચૂંટણીમાં અહીંના ભાજપના કાર્યકરો તનતોડ મહેનત કરતા હોય છે. સાથે જ આ વિસ્તારના મતદારો પણ અહીં ભાજપને દરેક ચૂંટણીમાં ખોબલે ખોબલા ભરીને મત આપતા હોય છે. પરંતુ ચૂંટણીમાં જીત મેળવીને ભાજપના નેતાઓ પછી અહીં ક્યારેય પાછુ વળીને જોવા પણ નથી આવતા એવું આ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે. સૂત્રોની માનીએ તો અમદાવાદમાં હાલ સ્થાનિક લેવલ પર નરોડા, અસારવા, એલિસબ્રિજ, મણિનગર, નારણપુરા અને વેજલપુર સહિત ભાજપના અનેક ધારાસભ્યોનો ભારે વિરોધ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ "સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?" : કુમાર કાનાણીના એક નિવેદનથી છેડાયો વિવાદ, આખા ગુજરાતમાં ચર્ચા
ભાજપના ધારાસભ્ય વિરુદ્ધની સોશિયલ મીડિયામાં શું લખ્યું છે?
હાલ નરોડાથી ભાજપના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીના ફોટા સાથે વોટ્સએપ ચેટના સ્ક્રીન શોટવાળી પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છેકે, "અમારા મતવિસ્તારના ધારાસભ્ય પાયલબેન કુકરાણી એમ કહે છેકે, નરોડા વોર્ડમાં રાજપૂત સમાજના ઉમેદવારને ભાજપમાં આજે અને કાલે પણ ટિકિટ નહીં આપવામાં આવે. તો એના અમે બધા વિરોધ કરીએ છીએ. પાયલબેન કુકરાણી ધારાસભ્યના શબ્દોથી ગુજરાતના રાજપૂત સમાજમાં ભારે નારાજગી ઉભી થઈ છે. સમાજ તેનો ક્યારેય સ્વીકાર નહીં કરે."
રાજપૂત અને બ્રહ્મ સમાજમાં નરોડાના ધારાસભ્ય સામે આક્રોશઃ
અમદાવાદના નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજના લોકોને ઉમેદવાર નહીં લાવવાને લઈને સોશિયલ મીડિયામાં ભાજપના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીનો વિરોધ કરવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજને પણ ટિકિટ મળી નથી, જેને લઇ નરોડા વિસ્તારના બ્રહ્મ સમાજના ગ્રુપમાં પણ મત ન આપવા અને ચૂંટણી બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ કરવામાં આવ્યા હતા. જેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે.
નરોડા-સરદારનગરઃ
આ તમામની વચ્ચે સોશિયલ મીડિયા પર નરોડાથી ભાજપના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં વર્ષોથી રહેતાં સ્થાનિકોનું કહેવું છેકે, ધારાસભ્ય માત્ર પોતાના સીંધી સમાજના જ ધારાસભ્ય હોય હંમેશા તેમની વર્તણૂંક એ પ્રકારની જ હોય છે. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છેકે, પાયલ કુકરાણી નરોડાના ધારાસભ્ય હોવા છતાં તેઓ ક્યારેય સરદારનગર કે કુબેરનગર જેવા તેમના સીંધી વિસ્તારોને છોડીને બીજા વિસ્તારની મુલાકાત લેવા પણ જતાં નથી. નરોડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા મનપાના વિવિધ વોર્ડના સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છેકે, પાયલ કુકરાણી માત્ર સીંધી વિસ્તારોમાં જ વિવિધ સુવિધાઓ અને વિકાસકામોની લહાણી કરે છે. એવામાં આવખતે ભાજપ દ્વારા કરાયેલી ટિકિટોની વહેંચણીમાં પણ સ્થાનિક ઉમેદવાર કાર્યકરોની અવગણના કરીને ભાજપે બહારના ઉમેદવારોને ટિકિટ આપી હોવાની વાત પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જેને કારણે લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલાં ઘણાં કાર્યકરોએ ઉમેદવારોના નામ જાહેર થતાં જ પક્ષમાંથી રાજીનામાં ધરી દીધાં હતાં.
અસારવાઃ
શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના વિસ્તારમાં લાગ્યા પોસ્ટર છે. કમળનું ફૂલ અમારી ભૂલ ના લાગ્યા પોસ્ટર. ખાનગી બિલ્ડર્સ ના લાભ માટે ભાજપના મળતીયાઓ દ્વારા ખાનગી મિલકતો પર જબરજસ્તી કબજો થઈ રહ્યો હોવાની વાત અસારવા વિસ્તારની 7 થી વધુ ચાલીમાં લાગ્યા પોસ્ટર. શિવપ્રસાદની ચાલી, ગાભાજી મંગાજીની ચાલી, ઓડ વાસ, હીરાલાલ કેશવ લાલ ની ચાલી, મહાજનની વાડીમાં આ પ્રકારના પોસ્ટરો લાગ્યાં છે. તમામ લોકોએ ભાજપનો બહિષ્કાર કર્યો છે. બીજી તરફ અસારવાની પતરા વાળી ચાલીમાં પણ ચૂંટણી બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. રી ડેવલોપમેન્ટ ના નામે છેતરપિંડી થઈ હોવાથી ચૂંટણી બહિષ્કારની વાતનો પણ ઉલ્લેખ કરાયો છે. આશરે તમામ ચાલી ના થઈને 8 હજાર જેટલા મતદારો છે.
નારણપુરાઃ
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છેકે, ગાંધીનગર લોકસભામાં નારણપુરા વિધાનસભાના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર ઉમેદવાર તરીકે ફરીથી રિપીટ ન કરવામાં આવતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ખાનગી રહે વિસ્તારમાં આવેલા એક બગીચામાં તેમણે કેટલાક લોકો સાથે મળીને બેઠક કરી હતી. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બેઠકમાં ભાજપનો પ્રચાર ન કરીને બીજા પક્ષ ને ખાનગી રાહે ફાયદો અને મતદાન પણ ન કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી.
ગોતાઃ
ગોતા વોર્ડમાં સૌથી વધારે માલધારી સમાજના મતો છે, પરંતુ ભાજપ દ્વારા માલધારી સમાજના યુવા અથવા અનુભવીને ટિકિટ આપવાની જગ્યાએ ઓબીસી સમાજમાંથી બીજા જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે, જેના કારણે થઈને માલધારી સમાજ અને નેતાઓને ભારે નારાજગી જોવા મળી રહી છે. ગોતામાં બીપીન પટેલ (ગોતા)ને પણ માલધારી સમાજનો રોષ ઠારવા માટે કામે લગાડવામાં આવ્યા છે. રાણીપ વોર્ડમાં જે 2 પુરુષ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તે બંને ઉમેદવારો ખાસ જાણીતા ચહેરા નથી. ભાજપના જ કાર્યકર્તાઓમાં ઉમેદવારની પસંદગીને લઈને આંતરિક વિરોધ છે.
વસ્ત્રાલઃ
વસ્ત્રાલમાં પણ માત્ર નામના ઉમેદવારો આપવામાં આવ્યા છે. ખરેખર કામ કરનારા કોર્પોરેટરોને કાપી નાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ચર્ચા છે કે જે નેતાઓને ટિકિટ આપવામાં આવી છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગોઠવણ કરવામાં આવી છે. એવા ઉમેદવારો લઈ આવવામાં આવ્યા છે, જેથી ભાજપના વર્ષોથી કામ કરનારા કાર્યકર્તાઓને મૂકી અને બીજા લોકોને ટિકિટ આપવામાં આવે છે.
અમદાવાદ-ગાંધીનગરના આ ચહેરાઓને 2027માં રિપીટ નહીં કરે ભાજપ?
1) હાર્દિક પટેલ- વિરમગામ
2) અલ્પેશ ઠાકોર- ગાંધીનગર દક્ષિણ
3) અમિત શાહ- એલિસબ્રિજ
4) દર્શના વાઘેલા- અસારવા
5) ડો.પાયલ કુકરાણી- નરોડા
6) જીતુ પટેલ- નારણપુરા
7) કનુ પટેલ- સાણંદ
8) અમૂલ ભટ્ટ- મણિનગર
9) કૌશિક જૈન- દરિયાપુર
10) અમિત ઠાકર- વેજલપુર
ઉપરોક્ત ચહેરાઓ કોઈને કોઈક કારણોસર વિસ્તારના કામો ન થવાને કારણે ચર્ચામાં રહ્યાં છે. આ સાથે જ સ્થાનિક સ્તરે તેમનો ભારે વિરોધ જોવા મળ્યો છે. એટલું જ નહીં પાર્ટી લેવલ પર પણ તેમનું વિશેષ યોગદાન ન હોવાની 2027માં તેમની રાજકીય કારકિર્દીનો સુરજ આથમી શકે છે. વર્તમાન સ્થિતિ અને રાજકીય સમીકરણોને જોતા પોલિટિકલ પંડિતો એ દિશા તરફ ઈશારો કરી રહ્યાં છે.
અમદાવાદ ભાજપમાં ડેમેજ કંટ્રોલ કરવા ભાજપની કવાયતઃ
ઉમેદવારી યાદી જાહેર થયા બાદ ભાજપમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ રોષને ડામવા અને સ્થિતિ કંટ્રોલમાં લેવા માટે પક્ષ દ્વારા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદના નરોડા, ઈન્ડિયા કોલોની અને સરદારનગર સહિતના વિસ્તારમાં કાર્યકરોની નારાજગી દૂર કરવા ભાજપે ગૌતમ કથિરિયાને જવાબદારી સોંપી છે. બીજી તરફ અમદાવાદના ચાંદખેડા વોર્ડની જવાબદારી ભાજપના શહેર મહામંત્રી દર્શક ઠાકરને આપવામાં આવી છે. ઉમેદવારો જાહેર થયાના બીજા દિવસને જ શહેર ભાજપના કેટલાક નેતાઓને રાતોરાત દોડાવવામાં આવ્યા હતા અને આંતરિક રોષ ઠારવામાં અને ડેમેજ કંટ્રોલ કરવા ફિલ્ડિંગ ગોઠવી દેવામાં આવી હતી. જો કે હજી પણ કેટલીક જગ્યાએ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ છે અને બહારથી શાંત દેખાતી સ્થિતિ એ તોફાન પહેલાંની શાંતિના સંકેત આપી રહી છે. કારણકે, હજુ પણ ઢગલાબંધ કાર્યકરોમાં ખૂબ જ કચવાટ છે. નારાજ કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારો સાથે એક બાદ એક મળી અને તેમને સમજાવી મતદાન પહેલાં ડેમેજ કંટ્રોલ કરવા કવાયત કરી રહ્યાં છે.
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓના લોબીંગ અને જ્ઞાતિગત સમીકરણ સાધવામાં ભાજપ નબળી પૂરવાર થઈ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યાં છે. ભાજપે આ ચૂંટણીઓને જરૂર કરતા વધારે ટેકન ફોર ગ્રાંડેડ લઈ લીધી હોવાનું પણ આ પરિણામ છે. સાથે જ જૂના જોગીઓને પડતા મુકવા સહિતના ભાજપના નિયમો જ આ વખતે પક્ષ માટે મુસીબત સાબિત થઈ શકે છે. ત્યારે સુત્રો એવું પણ જણાવી રહ્યાં છેકે, જો ભાજપમાં આ આંતરિક અસંતોષ કાબૂ કરવામાં સફળ નહિ રહે તો કેટલીક બેઠકો ઉપર પક્ષને હારનો સામનો કરવાનો વારો આવી શકે છે.





