વાપી: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર થતા વીજકાપને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. દિવસ દરમિયાન તો ઠીક, પરંતુ હવે રાત્રિના સમયે લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રહેતા જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સતત પાવર કટને કારણે લોકોની ઊંઘ, આરોગ્ય અને દૈનિક વ્યવહાર પર સીધી અસર પડી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગુરુવારે રાત્રે આશરે 12:40 વાગ્યે વીજ પુરવઠો બંધ થયો હતો અને સવારે 6:40 વાગ્યે વીજળી પરત આવી હતી. આટલા લાંબા સમયના વીજકાપ બાદ પણ ફરીથી વીજળી આવવા-જવાનો સિલસિલો ચાલુ રહેતા લોકોના ધીરજના બંધ તૂટ્યા છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા વારંવાર પૂર્વ સૂચના આપવામાં આવતી નથી, જેના કારણે તૈયારી કરવાનો સમય પણ મળતો નથી.
હેલ્પલાઇન પર સ્પષ્ટ જવાબનો અભાવ
રહેવાસીઓ જ્યારે DGVCLના હેલ્પલાઇન નંબર (19123 અને 1800-233-3003) પર ફરિયાદ નોંધાવે છે, ત્યારે માત્ર 'ટેક્નિકલ ફોલ્ટ' હોવાનું રટી લીધેલું જવાબ મળે છે. પરંતુ ફોલ્ટ ક્યાં છે, તે ક્યારે દૂર થશે અને વીજ પુરવઠો ક્યારે રાબેતા મુજબ થશે, તે અંગે કોઈ સંતોષકારક માહિતી આપવામાં આવતી નથી. આ અનિશ્ચિતતા નાગરિકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે.
ગંભીર સમસ્યા અને ચેતવણી
વાપી એક ઔદ્યોગિક અને રહેણાંક શહેર છે, જ્યાં રાત્રિ પાળીમાં કામ કરતા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ માટે વીજળી અત્યંત આવશ્યક છે. સતત વીજકાપ માત્ર અગવડતા નથી, પરંતુ વૃદ્ધો અને બાળકો માટે આરોગ્યના પ્રશ્નો પણ ઉભા કરી રહ્યો છે. સ્થાનિકોએ હવે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો તેઓ DGVCL કચેરી ખાતે જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.





