Uganda Army Chief Demands Most Beautiful Woman From Turkey: આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ઘણીવાર તમારા અંદાજા બહારના વિવાદિત અને કડક નિવેદનો જોવા મળે છે. એવામાં તાજેતરમાં યુગાન્ડાના આર્મી ચીફ દ્વારા કરાયેલો દાવો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. યુગાન્ડાના આર્મી ચીફે તુર્કીને કહ્યું છેકે, "મને તમારા દેશની સૌથી સુંદર મહિલા આપો, હું તેની સાથે લગ્ન કરીશ. આ સાથે જ મને 1 અબજ ડોલર આપો. જો આવું નહીં કરવામાં આવે તો હું તુર્કી સાથે ના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાંખી. જેને કારણે બન્ને દેશો વચ્ચે ચાલતા વ્યવહાર અને વેપાર બંધ થઈ જશે. જેનાથી તુર્કીને મોટું નુકસાન થશે."
યુગાન્ડાના આર્મી ચીફ અને રાષ્ટ્રપતિના પુત્ર મુહુજી કૈનેરુગાબાએ તુર્કી સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે જો 30 દિવસમાં તેમની માંગ પૂરી નહીં થાય, તો યુગાન્ડા તુર્કી સાથેના રાજદ્વારી સંબંધો તોડી દેશે. ઉપરાંત, તુર્કીશ એરલાઇન્સ પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી પણ આપવામાં આવી. તુર્કી સામે ‘સૌથી સુંદર મહિલા’ તેની પહેલી પસંદ છે. તે ગમે તે ભોગે તુર્કી હસીના સાથે સંબંધ બનાવવા માંગે છે. સાથે જ તેને 1 અબજ ડોલરની શરત પણ રાખી દીધી છે.
તુર્કી સામે આક્ષેપ: સોમાલિયા મિશનનો મુદ્દો
કૈનેરુગાબાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તુર્કીએ સોમાલિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ અને એરપોર્ટ પ્રોજેક્ટ્સથી મોટો ફાયદો મેળવ્યો છે. બીજી તરફ, યુગાન્ડાએ અલ-શબાબ જેવા આતંકી સંગઠનો સામે લડવાનો ભાર ઉઠાવ્યો છે. આ પરિસ્થિતિને આધારે તેમણે તુર્કી પાસે 1 અબજ ડોલરની માંગણી કરી અને કહ્યું કે આ રકમ યુગાન્ડાની ભૂમિકા માટે વળતર તરીકે આપવી જોઈએ.
એકાઉન્ટ ડિલીટ અને ‘કમબેક’ બાદ વધુ કડક નિવેદનો
થોડા સમય પહેલા કૈનેરુગાબાએ પોતાનું X એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું, પરંતુ પછી ‘આઈ એમ બેક’ લખીને ફરી વાપસી કરી. વાપસી બાદ તેમણે વધુ કડક આદેશો આપ્યા, જેમ કે કોઈપણ વ્યક્તિ સેનાના યુનિફોર્મમાં જોવા મળે તો તેને તરત જ પકડી લેવામાં આવે. સાથે જ, એક અમેરિકી રાજદ્વારીને સલામ ન કરવા બદલ ધરપકડ કરવાની ધમકી પણ આપી.
સોશિયલ મીડિયા પર વિવાદોની લાંબી યાદી
આ પહેલી વાર નથી જ્યારે મુહુજી કૈનેરુગાબા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા હોય. તેઓ વારંવાર સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ્સ માટે જાણીતા છે. એક વખત તેમણે યુગાન્ડાના વિપક્ષ નેતા બોબી વાઇનને લઈને ગંભીર ધમકી આપી હતી, જે બાદ ભારે વિરોધ થયો. જોકે, પછી તેમણે તેને મજાક ગણાવી માફી માંગી લીધી.
જાણો કોણ છે યુગાન્ડાના આવા વિચિત્ર આર્મી ચીફ?
મુહુજી કૈનેરુગાબા યુગાન્ડાના રાષ્ટ્રપતિ મુસેવેનીના પુત્ર છે. તેમનો જન્મ 1974માં થયો હતો. 1999થી યુગાન્ડાની સેનામાં જોડાયા છે. 2020-21 સ્પેશિયલ ફોર્સેઝ કમાન્ડના પ્રમુખ બન્યા. 2022માં જનરલ રેન્ક પર પ્રમોટ થયા. વર્ષ 2024માં તેઓ દેશના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સેઝ તરીકે પ્રસ્થાપિત થયા. એટલું જ નહીં તેઓ પોતાના પિતાના નકશા કલમ પર ચાલી રહ્યાં હોવાથી ભવિષ્યમાં રાજનીતિનો મોટો ચહેરો બનીને ઉભરી આવશે.
સત્તા અને વારસાની રાજનીતિ
50 વર્ષીય કૈનેરુગાબા યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર છે. તેઓને ભવિષ્યના સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે, જોકે મુસેવેનીએ જાહેરમાં આ દાવાને નકારી કાઢ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કૈનેરુગાબા ધીમે ધીમે પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરી રહ્યા છે અને ભવિષ્યમાં રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરી શકે છે.
અગાઉના વિવાદિત નિવેદનો અને ધમકીઓ
2022માં તેમણે ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે લગ્ન કરવા બદલ 100 ગાય આપવાની ઓફર કરી હતી. સાથે જ, જો પ્રસ્તાવ ન સ્વીકારવામાં આવે તો રોમ પર કબજો કરવાની ધમકી આપી હતી. આ સિવાય, તેમણે કેન્યાની રાજધાની નૈરોબી પર હુમલો કરવાની વાત પણ કરી હતી, જેના કારણે રાજદ્વારી તણાવ વધ્યો હતો અને સરકારને માફી માંગવી પડી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધ પર વિવાદિત અભિપ્રાય
કૈનેરુગાબાએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ વિવાદિત નિવેદનો આપ્યા હતા. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સમર્થન કર્યું અને કહ્યું કે દુનિયાના ઘણા અશ્વેત લોકો રશિયાની તરફેણમાં છે. તેમણે એ પણ કહ્યું હતું કે જો મોસ્કો પર કોઈ જોખમ આવશે, તો યુગાન્ડા પોતાની સેના મોકલશે.
આ સમગ્ર ઘટના આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં એક અનોખી અને ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરે છે. એક દેશના ઉચ્ચ સૈન્ય અધિકારી દ્વારા આવી વ્યક્તિગત અને અસામાન્ય માંગણીઓ કરવી રાજદ્વારી સંબંધો માટે જોખમરૂપ બની શકે છે. તુર્કી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ જો આ મુદ્દો આગળ વધે, તો તે બંને દેશો વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે. આ સાથે જ, કૈનેરુગાબાના સતત વિવાદિત નિવેદનો તેમના રાજકીય ભવિષ્ય અને યુગાન્ડાની આંતરરાષ્ટ્રીય છબી પર પણ અસર કરી શકે છે.





