Trump wants to buy Indian island : વૈશ્વિક રાજકારણમાં ક્યારેક એવા નિર્ણયો લેવાય છે જે આખી દુનિયાને ચોંકાવી દે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર આવો જ એક મોટો સૈન્ય અને રાજદ્વારી માસ્ટરસ્ટ્રોક રમવાની તૈયારીમાં છે. હિંદ મહાસાગરમાં આવેલો અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતો 'ચાગોસ ટાપુ સમૂહ' હવે ટ્રમ્પના સીધા નિશાના પર છે. તાજેતરના આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, ટ્રમ્પ પ્રશાસન આ ટાપુને મોરેશિયસ પાસેથી સીધો ખરીદવા માટે એક મોટો પ્લાન તૈયાર કરી રહ્યું છે. અત્યાર સુધી બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર આ ટાપુની માલિકી મોરેશિયસને સોંપવા અંગે વાટાઘાટો કરી રહ્યા હતા, પરંતુ ટ્રમ્પે હવે બ્રિટનને આખી પ્રક્રિયામાંથી સાઇડલાઇન કરીને સીધી મોરેશિયસ સાથે ડીલ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
ભારતથી કેટલો દૂર છે આ ટાપુ?
જો આપણે ભૌગોલિક નકશા પર નજર કરીએ તો આ ટાપુ ભારત માટે પણ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ સ્થાન પર આવેલો છે. ચાગોસ ટાપુ સમૂહ ભારતની દક્ષિણ સરહદથી એટલે કે કન્યાકુમારીથી આશરે માત્ર 1600 કિલોમીટરના અંતરે હિંદ મહાસાગરની બરોબર મધ્યમાં આવેલો છે. આટલા નજીકના અંતરે જો કોઈ મોટી આંતરરાષ્ટ્રીય હલચલ કે લશ્કરી ફેરફાર થાય, તો તેની સીધી અસર ભારતના દરિયાઈ વેપાર અને રાષ્ટ્રીય સુરક્ષા પર પડી શકે છે. હિંદ મહાસાગરમાં ચીનના વધી રહેલા પ્રભાવને રોકવા માટે પણ આ ટાપુનું લોકેશન ભારત અને અમેરિકા બંને માટે ભવિષ્યમાં એક મોટું કેન્દ્ર સાબિત થઈ શકે તેમ છે.
શા માટે મહત્વનો છે આ ટાપુ?
આ ટાપુ સમૂહ સામાન્ય ટાપુઓ જેવો નથી, પણ વૈશ્વિક સૈન્ય સત્તાનું એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે. ચાગોસ ટાપુ સમૂહનો સૌથી મહત્વનો અને વિશાળ ભાગ 'ડિએગો ગાર્સિયા' તરીકે ઓળખાય છે. છેલ્લા ઘણા દાયકાઓથી આ જગ્યાએ અમેરિકા અને બ્રિટનનું એક અત્યંત શક્તિશાળી સંયુક્ત મિલિટરી અને નૌસેના બેઝ આવેલું છે. આ આર્મી બેઝનું લોકેશન એટલું અદ્ભુત છે કે ત્યાંથી અમેરિકા ખૂબ જ સરળતાથી પશ્ચિમ એશિયા, આફ્રિકા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના વિશાળ દરિયાઈ માર્ગો પર પોતાની પકડ મજબૂત રાખી શકે છે. ટ્રમ્પ આ ટાપુને કાયમ માટે ખરીદીને અમેરિકાની આ લશ્કરી તાકાતને ભવિષ્યમાં પણ અજેય રાખવા માંગે છે.
દરિયાની વચ્ચે આગના ગોળામાં ફેરવાયું તેલ ટેન્કર: જહાજમાં સવાર હતા 24 ભારતીયો
ટ્રમ્પની ચિંતાનું અસલી કારણ
ડોનાલ્ડ ટ્રમ્પ આ ટાપુ પાછળ અબજો ડોલર ખર્ચવા તૈયાર છે, તેની પાછળ માત્ર સૈન્ય શક્તિ વધારવાનો હેતુ નથી, પરંતુ ચીન અને ઈરાન તરફથી મળતો મોટો પડકાર પણ છે. વાસ્તવમાં, મોરેશિયસના ચીન અને ઈરાન સાથે ખૂબ જ સારા સંબંધો છે. અમેરિકી સંરક્ષણ અધિકારીઓને મોટો ડર છે કે જો બ્રિટન આ ટાપુ મોરેશિયસને સોંપશે, તો ચીન ત્યાં પોતાની જાસૂસી જાળ બિછાવી શકે છે અથવા અમેરિકન સેનાની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. આ સિવાય, આ બેઝ એટલો વ્યૂહાત્મક છે કે અહીંથી અમેરિકાના અત્યંત ઘાતક 'બી-2 સ્પિરિટ' જેવા સ્ટીલ્થ બોમ્બર્સ સીધા ઈરાન પર હુમલો કરવા માટે ઉડાન ભરી શકે છે, જે અમેરિકાની આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય છે.
બ્રિટિશ પીએમ સાથે કેમ બગડ્યા સંબંધો?
આ સમગ્ર વિવાદની પાછળ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો વૈચારિક મતભેદ પણ જવાબદાર છે. શરૂઆતના દિવસોમાં ટ્રમ્પ બ્રિટનની આ ટાપુ મોરેશિયસને સોંપવાની યોજનાની વિરુદ્ધ નહોતા. પરંતુ તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કીર સ્ટાર્મર પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે ઈરાન સાથેના તણાવના શરૂઆતના દિવસોમાં, બ્રિટિશ પીએમએ અમેરિકાને ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવા માટે ડિએગો ગાર્સિયા બેઝનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ટ્રમ્પે આ પગલાને 'બ્રિટનની નબળાઈ' ગણાવી હતી અને હવે તેઓ બ્રિટન પર ભરોસો કરવા તૈયાર નથી, જેના કારણે બ્રિટને હાલમાં આ પ્લાન હોલ્ડ પર રાખવો પડ્યો છે.
અમેરિકાનો અબજો ડોલરનો પ્લાન
બ્રિટનના અણધાર્યા વલણ પછી હવે અમેરિકાએ પોતાની નવી આર્થિક અને રાજદ્વારી રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્લાન મુજબ, બ્રિટન પહેલા આ ટાપુની સાર્વભૌમત્વ કાયદાકીય રીતે મોરેશિયસને સોંપી દેશે. ત્યારબાદ, અમેરિકા વચમાં આવીને મોરેશિયસને અંદાજે 35 બિલિયન યુરો (આશરે અબજો રૂપિયા) જેવી માતબર રકમ ઓફર કરશે અને આ ટાપુને 99 વર્ષની લાંબી લીઝ પર પોતાના નામે કરી લેશે. આ કાઉન્ટર-ઓફર એટલી મોટી છે કે કોઈપણ નાના દેશ માટે આટલી મોટી આર્થિક મદદને નકારવી ખૂબ જ મુશ્કેલ બની જાય, અને આ રીતે અમેરિકા બ્રિટનની દખલગીરી વિના ટાપુ પર સીધો પોતાનો વીટો મેળવી લેશે.
દરિયાની વચ્ચે આગના ગોળામાં ફેરવાયું તેલ ટેન્કર: જહાજમાં સવાર હતા 24 ભારતીયો
મોરેશિયસ સરકારે શું આપ્યો જવાબ?
બીજી તરફ, આ આંતરરાષ્ટ્રીય ચર્ચાઓ અને અહેવાલો વચ્ચે મોરેશિયસ સરકારે પણ પોતાનું સત્તાવાર વલણ સ્પષ્ટ કર્યું છે. રોયટર્સના અહેવાલ મુજબ, મોરેશિયસ પ્રશાસને જણાવ્યું છે કે તેમને હજુ સુધી અમેરિકા તરફથી આવી કોઈ સત્તાવાર કે લેખિત ઓફર મળી નથી. મોરેશિયસ સરકારે એક નિવેદનમાં ભારપૂર્વક કહ્યું છે કે ચાગોસ ટાપુ સમૂહ પર તેમની સાર્વભૌમત્વ અને દેશની અખંડિતતા સૌથી ઉપર છે અને તેની સાથે કોઈ પણ સંજોગોમાં કે કોઈ પણ કિંમતે સમાધાન કરવામાં આવશે નહીં. જોકે, આ ભૌગોલિક લડાઈમાં ભવિષ્યમાં આ મહાડીલ કયો નવો વળાંક લે છે તેના પર આખી દુનિયાની નજર રહેશે.





