Cockroach Janta Party: સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય અને તે કયા સ્તરે પહોંચી જાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક નિવેદન બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલો એક રાજકીય વ્યંગ (Satire) આજે દેશના મુખ્ય રાજકીય પક્ષો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. 'કોકરોચ જનતા પાર્ટી' નામની આ મુવમેન્ટ માત્ર પાંચ દિવસમાં ઈન્સ્ટાગ્રામ પર કરોડો લોકોના દિલ જીતીને ભાજપ અને કોંગ્રેસ જેવા દિગ્ગજ પક્ષોના ફોલોઅર્સને પણ પાછળ છોડી દીધા છે. પરંતુ, હવે આ ડિજિટલ ક્રાંતિ મનોરંજનમાંથી બહાર નીકળીને ગંભીર કાયદાકીય અને ટ્રેડમાર્કની લડાઈમાં ફેરવાઈ ગઈ છે. એક તરફ સોશિયલ મીડિયા પર આ પાર્ટીના અસ્તિત્વને લઈને ખેંચતાણ ચાલી રહી છે, તો બીજી તરફ આ નામ પર કાયદાકીય માલિકી મેળવવા માટે અરજીઓનો દોર શરૂ થયો છે.
સુપ્રીમ કોર્ટના એક નિવેદને ફૂંકી જીવંતતા
આ આખા વિવાદની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન થઈ હતી. રિપોર્ટ્સ મુજબ, જસ્ટિસ સૂર્યકાંતે યુવાનોને લઈને કરેલી એક ટિપ્પણીમાં 'કોકરોચ' શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેમાં તેમણે વ્યવસાય કે રોજગાર વગરના યુવાનો પર કટાક્ષ કર્યો હતો. જોકે, પાછળથી જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઉદ્દેશ્ય માત્ર 'નકલી ડિગ્રી' ધારકોને લક્ષ્ય બનાવવાનો હતો અને દેશના સાચા યુવાનોને ઠેસ પહોંચાડવાનો નહોતો. પરંતુ, સોશિયલ મીડિયા પર યુવાનોમાં આ નિવેદન સામે ભારે રોષ ફાટી નીકળ્યો અને વિરોધના પ્રતીક તરીકે 'કોકરોચ જનતા પાર્ટી'નો જન્મ થયો.
ભાજપ-કોંગ્રેસ પણ પાછળ, 1.5 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર
'વોઈસ ઓફ ધ લેઝી એન્ડ અનએમ્પ્લોયડ' (Voice of the Lazy & Unemployed) સૂત્ર સાથે શરૂ થયેલી આ પાર્ટીએ ડિજિટલ દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. અભિજીત દિપકે નામના પોલિટીકલ કમ્યુનિકેશન સ્ટ્રેટર્જિસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પાર્ટી માત્ર એક મજાક ન રહેતા એક જન-આંદોલન બની ગઈ છે. માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં 1.5 કરોડથી વધુ ફોલોઅર્સ સાથે આ પેજે ઇન્સ્ટાગ્રામ પર ભાજપ અને કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલ્સને પણ ઓવરટેક કરી લીધા છે.
ટ્રેડમાર્ક માટે બે વ્યક્તિઓ વચ્ચે જંગ
આ ડિજિટલ સફળતા સાથે જ હવે 'કોકરોચ જનતા પાર્ટી'ના નામ પર માલિકી હકની લડાઈ શરૂ થઈ છે. કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્કની વેબસાઈટ મુજબ, આ નામ માટે બે અલગ-અલગ વ્યક્તિઓએ ક્લાસ 45 હેઠળ ટ્રેડમાર્ક માટે અરજી કરી છે:
અજીમ અદમભાઈ જમ: એપ્લિકેશન નંબર 7737937
અખંડ સ્વરૂપ: એપ્લિકેશન નંબર 7741481
આ અરજીઓની પ્રાથમિક પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે, જે દર્શાવે છે કે હવે આ નામ પર કાયદાકીય હક મેળવવા માટે હોડ લાગી છે.
શું મીમ્સ અને વાયરલ નામો પર માલિકી હક શક્ય છે?
સોશિયલ મીડિયા યુઝર્સ અને નિષ્ણાતો આ ઘટનાને 'ડિજિટલ કબ્જા'ની નવી લડાઈ ગણાવી રહ્યા છે. પ્રશ્ન એ ઉભો થયો છે કે, શું ઈન્ટરનેટ પર માત્ર મજાક કે વ્યંગ તરીકે વાયરલ થયેલા નામ પર પણ કોઈ વ્યક્તિ માલિકી હક જમાવી શકે? જો કોઈ એક પક્ષને ટ્રેડમાર્ક મળી જાય, તો ભવિષ્યમાં આ નામનો ઉપયોગ કરનારાઓ માટે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. એક તરફ ઈન્ટરનેટ પર 'કોકરોચ જનતા પાર્ટી'ના નામે અનેક ફેક એકાઉન્ટ્સ સક્રિય થયા છે અને બીજી તરફ બ્લોકિંગ-રિસ્ટોરિંગની રમત રમાઈ રહી છે. આ ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે ડિજિટલ રાજનીતિમાં હવે માત્ર કન્ટેન્ટ જ નહીં, પરંતુ બ્રાન્ડિંગ અને કાયદાકીય અધિકારો પણ એટલા જ મહત્વના બની ગયા છે. આ વાયરલ પાર્ટી હવે કાયદાની કઠેરામાં કેટલી ટકી શકશે, તે જોવું રસપ્રદ રહેશે.






