દેશના કરોડો લોકો માટે આધાર કાર્ડ હવે માત્ર ઓળખપત્ર નથી રહ્યું, પરંતુ બેંકિંગ, મોબાઇલ સિમ, સરકારી યોજનાઓ, લોન અને ટેક્સ સહિતની અનેક સેવાઓ માટે અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે. આવી સ્થિતિમાં ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા વર્ષ 2026 માટે આધાર કાર્ડ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નવા નિયમો અને માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે.
UIDAIનું કહેવું છે કે આધાર સિસ્ટમને વધુ સુરક્ષિત અને અપડેટેડ રાખવા માટે આ ફેરફારો જરૂરી છે. જો લોકો સમયસર જરૂરી અપડેટ નહીં કરે તો ભવિષ્યમાં તેમની અનેક સેવાઓ અટકી શકે છે. ખાસ કરીને બાયોમેટ્રિક અપડેટ, મોબાઇલ નંબર લિંકિંગ અને ડોક્યુમેન્ટ રી-વેરિફિકેશન હવે વધુ મહત્વપૂર્ણ બન્યા છે.
આ પણ વાંચો: POCSO કેસમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને સુપ્રીમ કોર્ટમાંથી રાહત : આગોતરા જામીન યથાવત
10 વર્ષ જૂનું આધાર?
UIDAIના નવા નિયમો અનુસાર જેમણે 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવડાવ્યું છે અને ત્યારબાદ એકપણ વખત પોતાના દસ્તાવેજો અપડેટ કર્યા નથી, તેમના માટે રી-વેરિફિકેશન પ્રક્રિયા જરૂરી બની ગઈ છે. આ માટે UIDAI દ્વારા myAadhaar પોર્ટલ પર ઓળખના પુરાવા (PoI) અને સરનામાના પુરાવા (PoA) અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે. સરકાર દ્વારા ફ્રી ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સમયમર્યાદા પણ આગળ વધારવામાં આવી છે. જો સમયસર અપડેટ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આધાર કાર્ડ નિષ્ક્રિય (Inactive) થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે બેંકિંગ અને સરકારી સેવાઓમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
બાયોમેટ્રિક રી-વેરિફિકેશનના નિયમો કડક
છેલ્લા કેટલાક સમયથી ફિંગરપ્રિન્ટ ક્લોનિંગ અને AI આધારિત સાયબર ફ્રોડના કેસોમાં વધારો નોંધાયો છે. તેને ધ્યાનમાં રાખીને UIDAIએ બાયોમેટ્રિક સિસ્ટમ વધુ કડક બનાવી છે. જો કોઈ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ બેંક, ATM અથવા રેશન દુકાનમાં મેચ ન થાય તો તેને નજીકના આધાર કેન્દ્રમાં જઈ બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડશે. ખાસ કરીને વૃદ્ધ લોકો અને ટેકનિકલ સમસ્યાનો સામનો કરતા નાગરિકો માટે આ અપડેટ જરૂરી ગણાવવામાં આવ્યું છે. બાળકો માટે 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જુબિન ગર્ગ હત્યાકાંડમાં મુખ્ય આરોપીને ફરી ઝટકો : હાઈકોર્ટે શ્યામકાનુ મહંતની બીજી વખત ફગાવી જામીન અરજી
મોબાઈલ નંબર લિંક નહીં હોય તો અટકી શકે સેવાઓ
હાલમાં બેંક ટ્રાન્ઝેક્શન, ઈન્કમ ટેક્સ રિટર્ન, LPG ડિલિવરી OTP અને અન્ય ડિજિટલ સેવાઓ માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર અનિવાર્ય બની ગયો છે. જો તમારો જૂનો મોબાઇલ નંબર બંધ થઈ ગયો હોય અથવા ગુમ થઈ ગયો હોય તો તરત જ નવો નંબર આધાર સાથે લિંક કરાવવો જરૂરી છે. UIDAI મુજબ લોકો નજીકના આધાર સેવા કેન્દ્રમાં જઈ સરળતાથી મોબાઇલ નંબર અપડેટ કરાવી શકે છે. મોબાઇલ નંબર અપડેટ ન હોય તો OTP આધારિત અનેક સેવાઓનો લાભ લેવામાં મુશ્કેલી પડી શકે છે.
સરનામું બદલવું હવે વધુ સરળ
જો તમે નોકરી, ધંધો અથવા અન્ય કારણોસર ઘર કે શહેર બદલ્યું હોય તો આધાર કાર્ડમાં નવું સરનામું અપડેટ કરવું હવે સરળ બનાવવામાં આવ્યું છે. માન્ય એડ્રેસ પ્રૂફ જેમ કે રેન્ટ એગ્રીમેન્ટ, વીજળી બિલ અથવા અન્ય દસ્તાવેજોની મદદથી myAadhaar પોર્ટલ પર જઈને લોકો પોતે જ સરનામું અપડેટ કરી શકે છે. આ અપડેટના કારણે બેંક ખાતું ખોલાવવું, ગેસ કનેક્શન, લોન અથવા અન્ય સેવાઓમાં કોઈ મુશ્કેલી નહીં આવે.
આ પણ વાંચો: NEET વિવાદ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ : NTA ને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ
માસ્ક કરેલ આધાર અને mAadhaar App પર ભાર
ડેટા સુરક્ષા અને પ્રાઇવસીના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને UIDAI હવે સામાન્ય આધારની જગ્યાએ ‘Masked Aadhaar’નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યું છે. Masked Aadhaarમાં આધાર નંબરના શરૂઆતના 8 અંક છુપાયેલા હોય છે, જેના કારણે ડેટા ચોરી અથવા ગેરવપરાશનું જોખમ ઘટે છે. સાથે સાથે લોકોને તેમના મોબાઇલમાં mAadhaar એપ ઇન્સ્ટોલ રાખવાની સલાહ આપવામાં આવી છે. આ એપ દ્વારા લોકો પોતાની ઇચ્છા મુજબ બાયોમેટ્રિક્સને લોક કે અનલોક કરી શકે છે. આ સુવિધા આધારનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ડિજિટલ સુરક્ષા હવે મોટી પ્રાથમિકતા
ડિજિટલ ઈન્ડિયાના વધતા ઉપયોગ વચ્ચે આધાર સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવી સમયની માંગ બની ગઈ છે. બેંકિંગથી લઈને સરકારી સબસિડી સુધી અનેક સેવાઓ આધાર સાથે સીધી જોડાયેલી હોવાથી લોકોને સમયસર તમામ અપડેટ્સ પૂર્ણ કરવા સલાહ આપવામાં આવી રહી છે. UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોએ ફક્ત અધિકૃત વેબસાઇટ અને સત્તાવાર કેન્દ્રોનો જ ઉપયોગ કરવો જોઈએ અને કોઈ અજાણી લિંક અથવા કોલ પર પોતાની માહિતી શેર ન કરવી જોઈએ.





