Surat rain: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોરદાર રંગ બતાવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 17.56 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કામરેજમાં 15.87 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત અને વલસાડ જિલ્લામાં આજે તમામ શાળા, કોલેજ, ITI અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ જુલાઈની સવારે 8:30 વાગ્યા સુધી સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત ભરૂચ, નર્મદા, ખેડા, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. 8 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દાહોદ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 9થી 10 જુલાઈ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે બાકીના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.
40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
સુરતમાં સૌથી વધુ 17.56 ઇંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સુરત જિલ્લાના પલસાણામાં 17.56 ઇંચ અને કામરેજમાં 15.87 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નવસારીમાં 14.17 ઇંચ, જલાલપોરમાં 10.08 ઇંચ, સુરત શહેરમાં 12.87 ઇંચ, મહુવામાં 8.27 ઇંચ, બારડોલીમાં 8.07 ઇંચ, અંબિકામાં 7.17 ઇંચ, વલસાડના કપરાડામાં 7.91 ઇંચ અને તાપીના ડોલવણમાં 6.65 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
11 જિલ્લાઓ માટે હાઈ એલર્ટ, બચાવ કામગીરી તેજ
રાજ્યમાં સતત વરસાદને કારણે મુખ્ય નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. હાલમાં ડેમમાં અંદાજે 65 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે રાજ્યના 206 ડેમોમાં સરેરાશ 40 ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે.
પ્રશાસને 11 જિલ્લાઓ માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં 1,528 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 134 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ 36 ટીમોને વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
સુરતમાં કરુણ ઘટના
ભારે વરસાદ દરમિયાન સુરતના રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વરસાદના કારણે ઘરમાં પાણી ભરાતા એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. તેને બચાવવા ગયેલા પડોશી પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
નવસારીમાં પૂરની પરિસ્થિતિના પગલે 1000થી વધુ લોકોને કરાયા સ્થળાંતરિત
નવસારીમાં પૂરની પરિસ્થિતિના પગલે 1000થી વધુ લોકોને કરાયા સ્થળાંતરિત. શહેરની પૂર્ણ નદીકાંઠાના 15થી વધુ વિસ્તારના લોકોને કરાયા સ્થળાંતરિત. શહેરના દશેરા ટેકરી ભેસત ખાડા, મહાવીર સોસાયટી રીંગરોડ કમેલા દરવાજા, હદાયત નગર, કાશીવાડી, બંદર રોડ મિથિલાનગરી અને જલાલપોર વિસ્તારના લોકોને કરાયા સ્થળાંતરિત. શહેરની શાળાઓમાં સ્થળાંતરિત લોકોને અપાયો આશરો. 56 જેટલી ટીમો બનાવી સ્થળાંતરિતોની દેખરેખ શરૂ કરવામાં આવી.
આ પણ વાંચો: અમરેલીમાં ભારે વરસાદ બાદ વીજકર્મીઓની યુદ્ધસ્તરની કામગીરી : 88 ગામોમાં ખોરવાયેલો વીજ પુરવઠો મોટા ભાગે પૂર્વવત
હાલમાં શું ધ્યાન રાખવું?
પ્રશાસને નદી-નાળાની નજીક ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પર અનાવશ્યક મુસાફરી ટાળવા, વીજ થાંભલા અને ખુલ્લા વાયરોથી દૂર રહેવા તેમજ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 48થી 72 કલાક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
શા માટે આ સમાચાર મહત્વના છે?
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, ટ્રાફિક અવરોધ, ખેતીને અસર અને જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. આગામી ત્રણ દિવસ માટે પણ ભારે વરસાદની આગાહી હોવાથી સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. લોકો સાવચેતી રાખે અને બિનજરૂરી મુસાફરી ટાળે તે જરૂરી બન્યું છે.





