Home Gujarat South Gujarat Heavy Rain Palsana 462mm July 8 2026

છેલ્લા 24 કલાક ગુજરાતમાં વરસાદ નહીં પણ 'કુદરતનો કહેર' વરસ્યો! : મેઘરાજાએ સુરત, નવસારી સહિત અનેક જિલ્લા ધમરોડ્યા

ભરાયેલા પાણીના દ્રશ્યો
Image Credit: OBS Bureau
Published by: Chintan Chavda
Last Updated: Jul 08, 2026, 04:41 AM IST

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક તાલુકાઓમાં અતિભારે વરસાદ નોંધાયો છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા 7 જુલાઈ સવારે 6 વાગ્યાથી 8 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના વરસાદના સત્તાવાર આંકડા મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ 462 મિમી (18.19 ઇંચ) વરસાદ નોંધાયો છે.

આ જ સમયગાળા દરમિયાન સુરત જિલ્લાના કામરેજમાં 442 મિમી (17.40 ઇંચ), નવસારી તાલુકામાં 388 મિમી (15.28 ઇંચ) અને સુરત શહેરમાં 358 મિમી (14.09 ઇંચ) વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં 322 મિમી જ્યારે નવસારીના જલાલપોરમાં 280 મિમી વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું હોવાનું આંકડાઓ દર્શાવે છે.

આ પણ વાંચો: વડોદરામાં પાણી ભરાવાને લઈ લોકોનો ઉગ્ર વિરોધ : ‘અમે ડૂબ્યા, હવે તમે પણ ડૂબો’ કહી ધારાસભ્ય-કોર્પોરેટરના પોસ્ટર પાણીમાં ડૂબાડ્યા

સુરત જિલ્લો સૌથી વધુ પ્રભાવિત

વરસાદના આંકડાઓ પ્રમાણે સુરત જિલ્લાનાં અનેક તાલુકાઓ ભારે વરસાદની ઝપેટમાં આવ્યા હતા. પલસાણા, કામરેજ, સુરત શહેર ઉપરાંત બારડોલીમાં 238 મિમી, આંબિકા વિસ્તારમાં 235 મિમી, મહુવામાં 225 મિમી, ઉમરપાડામાં 161 મિમી, ચોર્યાસીમાં 159 મિમી અને માંડવીમાં 124 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઓલપાડમાં 78 મિમી અને મંગરોળમાં 69 મિમી વરસાદ નોંધાયો હતો.

નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ યથાવત રહ્યો હતો. નવસારી તાલુકા ઉપરાંત જલાલપોરમાં 280 મિમી, ગાંદેવીમાં 196 મિમી, ચીખલીમાં 187 મિમી, વાંસદામાં 144 મિમી અને ખેરગામમાં 135 મિમી વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં કપરાડા 322 મિમી સાથે સૌથી વધુ વરસાદ ધરાવતો તાલુકો રહ્યો, જ્યારે નાનાપોંઢામાં 162 મિમી, ધરમપુરમાં 152 મિમી અને પારડીમાં 125 મિમી વરસાદ નોંધાયો હતો.

ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદ

ડાંગ જિલ્લામાં મુખ્ય મથક આહવા વિસ્તારમાં 215 મિમી અને સુબીરમાં 197 મિમી વરસાદ નોંધાયો હતો. વાગઈમાં પણ 136 મિમી વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લામાં ડોલવણમાં 226 મિમી વરસાદ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત વાલોડમાં 189 મિમી, વ્યારામાં 169 મિમી, સોનગઢમાં 145 મિમી અને ઉકાઈ વિસ્તારમાં 120 મિમી વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાત ઉપરાંત કેટલાક મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં 89 મિમી, સાબરકાંઠાના પ્રાંતિજમાં 73 મિમી, અરવલ્લીના ધનસુરામાં 72 મિમી તેમજ મહેસાણાના વિજાપુરમાં 59 મિમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: સુરતમાં આભ ફાટયું! ચારેતરફ જળબંબાકાર : પલસાણામાં સૌથી વધુ 17.56 ઇંચ વરસાદ, સુરત-વલસાડમાં શાળા-કોલેજો બંધ, 11 જિલ્લામાં હાઈ એલર્ટ

વહીવટી તંત્ર માટે પડકાર

એક જ દિવસમાં અનેક તાલુકાઓમાં 200 મિમીથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારે વરસાદને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદી-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વ્યવહાર પર અસર થવાની સંભાવના પણ નકારી શકાય નહીં.

હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now