Home Gujarat Sardar Sarovar Dam Water Level Rises Narmada Heavy Rain Gujarat

ગુજરાત માટે રાહતના સમાચાર! : નર્મદા ડેમમાં માત્ર 24 કલાકમાં જળસ્તરમાં થયો મોટો વધારો, જાણો હાલ કેટલો ભરાયો સરદાર સરોવર

Sardar Sarovar Dam Water Level
Published by: Nirali Gohil
Last Updated: Jul 08, 2026, 05:03 AM IST

Sardar Sarovar Dam Water Level: ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સક્રિય બનેલા ચોમાસાના કારણે નર્મદા નદીમાં નવા નીરની સતત આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વિશ્વવિખ્યાત સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડેમમાં પાણીની આવક વધતાં જળસંચયમાં સુધારો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા ડેમમાં 33,620 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેના પરિણામે ડેમની સપાટી વધીને 126.74 મીટર સુધી પહોંચી છે. માત્ર એક જ દિવસમાં ડેમના જળસ્તરમાં 15 સેન્ટીમીટરનો વધારો નોંધાતા સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદનની દૃષ્ટિએ રાહતના સંકેતો મળ્યા છે.

સરદાર સરોવર ડેમ 65 ટકા ભરાયો

હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના અંદાજે 65 ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે હાલની સપાટી 126.74 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધતા વીજ ઉત્પાદન પણ તેજ કરવામાં આવ્યું છે. હાલમાં નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસ (RBPH)ના બે યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેના મારફતે વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. જો ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેશે તો આગામી દિવસોમાં ડેમના જળસ્તરમાં વધુ વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘતાંડવની આગાહી! : નવસારી, ડાંગ સહિત અનેક જિલ્લામાં હાઈ એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદામાં નવા નીર

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે નર્મદા નદીમાં નવા નીરની આવક વધી છે અને તેનો સીધો લાભ સરદાર સરોવર ડેમને મળી રહ્યો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ થાય ત્યારે નર્મદા ડેમમાં પાણીની આવક ઝડપથી વધતી હોય છે. આ વર્ષે પણ જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાતા ડેમના જળસ્તરમાં સતત સુધારો થઈ રહ્યો છે.

નાંદોદમાં સૌથી વધુ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ નાંદોદ તાલુકામાં નોંધાયો છે. અહીં 91 મિમી એટલે કે અંદાજે પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજપીપળા શહેર સહિત નાંદોદ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘતાંડવની આગાહી! : નવસારી, ડાંગ સહિત અનેક જિલ્લામાં હાઈ એલર્ટ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

ડેડીયાપાડા અને ચીકદામાં પણ ભારે વરસાદ

નાંદોદ ઉપરાંત ડેડીયાપાડા તાલુકામાં 87 મિમી એટલે કે અંદાજે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચીકદા તાલુકામાં 59 મિમી એટલે કે લગભગ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત તિલકવાડા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 22 મિમી વરસાદ નોંધાયો હતો. સાગબારા તાલુકામાં 14 મિમી અને ગરુડેશ્વર તાલુકામાં 9 મિમી વરસાદ નોંધાયો છે. સમગ્ર નર્મદા જિલ્લાનો સરેરાશ વરસાદ 47 મિમી નોંધાયો છે.

આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને પણ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now