ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં દીપડાના હુમલાની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાંભણિયા ગામે 10 વર્ષના નિત્ય પ્રકાશભાઈ ગોડલીયા પર દીપડાએ જીવલેણ હુમલો કરતાં બાળકનું કરુણ મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું વાતાવરણ સર્જ્યું છે. સતત વધી રહેલા દીપડાના હુમલાઓને લઈને ગ્રામજનોમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, નિત્ય ગોડલીયા શાળામાંથી પરત આવ્યા બાદ મોભિયાણા ગામ તરફ આવેલી વાડીમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન બાંભણિયા વિસ્તાર પાસે ઝાડીમાંથી અચાનક દીપડો બહાર આવ્યો અને બાળક પર હુમલો કર્યો હતો. હુમલા બાદ દીપડો બાળકને ખેંચીને નજીકના જંગલ તરફ લઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
લાંબી શોધખોળ બાદ બાળક મળ્યો, પરંતુ જીવ બચી શક્યો નહીં
બાળક લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનોએ પણ આસપાસના જંગલ, વાડી અને ખેતર વિસ્તારમાં વ્યાપક શોધ અભિયાન હાથ ધર્યું હતું. લાંબી શોધખોળ બાદ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.
તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. માસૂમ બાળકના મૃત્યુના સમાચાર મળતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો, જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતે લખ્યો નવો ઈતિહાસ! : ગીર-સોમનાથમાં શરૂ થઈ દેશની પ્રથમ 'STATCOM' ટેકનોલોજી, ખેડૂતો અને ઉદ્યોગોને મળશે અવિરત વીજળી
પિતાએ વર્ણવી કરુણ ક્ષણો
મૃતક બાળકના પિતા પ્રકાશ ગોડલીયાએ જણાવ્યું કે, "હું ઘરે આવ્યો ત્યારે મારો દીકરો દેખાતો ન હતો. ત્યારબાદ અમે સમગ્ર ગામમાં તેની શોધખોળ શરૂ કરી. પછી જંગલ અને વાડી વિસ્તારમાં તપાસ કરતાં અમને તે મળ્યો હતો."
પિતાના આ શબ્દો સમગ્ર ઘટનાની કરુણતા સ્પષ્ટ કરે છે. ગામલોકોએ પણ જણાવ્યું કે વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર વધી રહી છે, જેના કારણે લોકોમાં સતત ભયનો માહોલ છે.
વન વિભાગની કાર્યવાહી શરૂ
મહુવાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) બી. જી. ગઢવીએ જણાવ્યું કે મૃતક બાળકના પિતાના જણાવ્યા મુજબ બાળક શાળામાંથી વાડી તરફ જઈ રહ્યો હતો ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી.
વન વિભાગે હુમલો કરનાર દીપડાને પકડવા માટે પાંજરાં ગોઠવવાની અને વિસ્તારનું સતત મોનીટરીંગ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓએ સ્થાનિક લોકોને ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે જંગલ તથા વાડી વિસ્તાર તરફ ન જવા તેમજ બાળકોને એકલા બહાર ન મોકલવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: 550 વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ : અમદાવાદના આચાર્ય રણછોડલાલ ગોસ્વામીને પ્રતિષ્ઠિત ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર
દીપડાના વધતા હુમલાઓ ચિંતાનો વિષય
મહુવા પંથકના જંગલ અને ખેતી વિસ્તારને અડીને આવેલા ગામોમાં છેલ્લા કેટલાક વર્ષોથી દીપડાની અવરજવર વધી રહી હોવાનું સ્થાનિકો જણાવે છે. પશુઓ પર હુમલાની ઘટનાઓ બાદ હવે માનવજીવન પર પણ જોખમ વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ વન વિભાગ પાસે દીપડાને વહેલી તકે પકડવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.





