વડોદરા શહેરમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા ભક્તિભાવ અને પરંપરાગત રીતે નીકળશે. આ ભવ્ય ધાર્મિક યાત્રાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ તંત્રે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આજે વડોદરા શહેર પોલીસના ઝોન-4ના ડીસીપી એન્ડ્રુ મેકવાને રથયાત્રાના રૂટની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પંચમુખી હનુમાન દાદા મંદિરથી લઈને જુબેલીબાગ સુધીના સમગ્ર માર્ગ પર પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને સંવેદનશીલ સ્થળોની સ્થિતિનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર
નિરીક્ષણ દરમિયાન એસીપી જી.બી. બામણીયા તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારો, ભીડ નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા, ઇમરજન્સી પ્રતિસાદ અને ટ્રાફિક ડાયવર્ઝન સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
દર વર્ષે હજારો ભક્તો રથયાત્રામાં જોડાતા હોવાથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા અગાઉથી જ તમામ સુરક્ષા વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ સ્થળોએ પોલીસ જવાનોની તૈનાતી ઉપરાંત સતત પેટ્રોલિંગ અને સીસીટીવી મોનિટરિંગ પર પણ ભાર મૂકવામાં આવશે.
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદ વચ્ચે ધડાકા સાથે ધરાશાયી થઈ દિવાલ : બિલ્ડિંગના પાર્કિંગનો ભાગ તૂટી પડતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા
ફૂટ માર્ચ દ્વારા સુરક્ષાનો સંદેશ
ડીસીપી ઝોન-4 એન્ડ્રુ મેકવાને જણાવ્યું કે વડોદરા શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઝોન-4 વિસ્તારમાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે ફૂટ માર્ચ દરમિયાન સમગ્ર રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ તમામ પ્રકારના સુરક્ષા બંદોબસ્ત સમયસર સુનિશ્ચિત કરી શકાય તે છે.
આ પણ વાંચો: સુરતમાં અંતિમયાત્રા દરમિયાન વરસાદી પાણીમાં પરિવાર ફસાયો : વરાછા પોલીસના સમયસર રેસ્ક્યૂથી ટળી મોટી દુર્ઘટના
પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ
વડોદરા શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ, રૂટ રિહર્સલ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક નિયંત્રણ, ઇમરજન્સી સેવાઓ અને ક્વિક રિસ્પોન્સ ટીમોને પણ સક્રિય રાખવામાં આવશે જેથી રથયાત્રા દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય.
પોલીસ તંત્રે નાગરિકોને પણ રથયાત્રા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા, પોલીસને સહકાર આપવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.





