Home Gujarat Vadodara Vadodara Gorwa Waterlogging Protest Mla Corporator Posters Submerged

વડોદરામાં પાણી ભરાવાને લઈ લોકોનો ઉગ્ર વિરોધ : ‘અમે ડૂબ્યા, હવે તમે પણ ડૂબો’ કહી ધારાસભ્ય-કોર્પોરેટરના પોસ્ટર પાણીમાં ડૂબાડ્યા

વડોદરા ગોરવામાં પાણી ભરાવાનો વિરોધ | ધારાસભ્ય અને કોર્પોરેટરના પોસ્ટર પાણીમાં ડૂબાડ્યા
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2026, 06:28 PM IST

વડોદરા: શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ફરી માથું ઊંચક્યું છે. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને કરવામાં આવતા દાવાઓ વચ્ચે આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. ગોરવા વિસ્તારમાં તો લોકોનો આક્રોશ એટલો વધી ગયો કે તેમણે અનોખી રીતે વિરોધ નોંધાવતા સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના પોસ્ટરો વરસાદી પાણીમાં ડૂબાડી દીધા.

‘અમે ડૂબ્યા, હવે તમે પણ ડૂબો’ના નારા સાથે વિરોધ

ગોરવા વિસ્તારની જય અંબે સોસાયટીના રહીશો લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે. છેલ્લા બે દિવસથી પડેલા સામાન્ય વરસાદમાં જ વિસ્તારના રસ્તાઓ ઘૂંટણસમા પાણીથી ભરાઈ ગયા હતા. આથી કંટાળેલા લોકોએ રસ્તા પર જ વરસાદી પાણીમાં સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના ફોટાવાળા પોસ્ટર મૂકીને ‘અમે ડૂબ્યા, હવે તમે પણ ડૂબો’ના નારા લગાવ્યા અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોનું કહેવું છે કે, વર્ષોથી સમસ્યા યથાવત છે છતાં જવાબદાર તંત્ર માત્ર આશ્વાસનો આપે છે, પરંતુ કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી.

માત્ર બે ઇંચ વરસાદમાં જ રસ્તા બન્યા તળાવ

સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં આવેલા ગોરવા વોર્ડ નંબર-૮માં માત્ર બે ઇંચ જેટલા વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરોની બહાર પણ પાણી ભરાઈ જતાં સ્થાનિકોનું દૈનિક જીવન ખોરવાઈ ગયું હતું. રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા સાત વર્ષથી તેઓ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક વખત વડોદરા મહાનગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી.

વારંવારની રજૂઆતો છતાં નહીં મળ્યો ઉકેલ

સ્થાનિકોનો આક્ષેપ છે કે દરેક ચોમાસા પહેલાં ડ્રેનેજ સફાઈ અને વરસાદી પાણીના નિકાલ માટે કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ વાસ્તવિક સ્થિતિ સામે આવી જાય છે. દર વર્ષે પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે, છતાં સમસ્યાના મૂળ સુધી પહોંચી કોઈ લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં આવતો નથી. આ કારણે આ વખતે લોકોએ પરંપરાગત રજૂઆતોને બદલે અનોખી રીતે વિરોધ નોંધાવી તંત્ર અને જનપ્રતિનિધિઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો.

ઉંડેરામાં પણ પાણી ઘૂસવાની ભીતિ

ગોરવા સિવાય વડોદરાના ઉંડેરા વિસ્તારમાં આવેલી પાયલ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીના આંતરિક માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ ઊભી થઈ છે. પરિણામે રહીશોએ પોતાના ઘરોને સુરક્ષિત રાખવા માટે મુખ્ય દરવાજા બહાર ઈંટો અને સિમેન્ટની પાળી બનાવી દીધી છે, જેથી વરસાદી પાણી ઘરમાં પ્રવેશી ન શકે.

આ પણ વાંચો: અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર હાઈ એલર્ટ : સાવરકુંડલામાં NDRFની 30 જવાનોની ટીમ તૈનાત

ચોમાસાની શરૂઆતમાં જ ચિંતાજનક સ્થિતિ

ચોમાસાની હજુ શરૂઆત જ થઈ છે અને આગામી ચાર મહિના સુધી વરસાદ ચાલુ રહેવાનો છે. આવી સ્થિતિમાં સામાન્ય વરસાદમાં જ જો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું હોય તો ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી ચિંતા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. હવે લોકોની નજર વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત વહીવટી તંત્ર પર છે. અનોખા વિરોધ બાદ તંત્ર કાયમી ઉકેલ માટે નક્કર પગલાં ભરે છે કે ફરી એકવાર આશ્વાસનો સુધી જ વાત સીમિત રહે છે, તે જોવાનું રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now