Home Gujarat Veraval Dabhor Village Crocodile Babies On Road Devka River Gir Somnath

અનારાધાર વરસાદ વચ્ચે ગામની શાળામાં પહોંચ્યા મગરના બચ્ચાં : ચોંકાવનારા દૃશ્યો જોઈ લોકોમાં કૂતુહલતા અને ભયનો માહોલ

Veraval Crocodile Babies
Published by: Nirali Gohil
Last Updated: Jul 08, 2026, 04:23 AM IST

Veraval Crocodile Babies: ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અનારાધાર વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે, ઘણા ખરા શહેરોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના પરિણામે અનેક જળચર પ્રાણીઓ પોતાના કુદરતી વસવાટમાંથી બહાર આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડાભોર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી મગરના બચ્ચાં જાહેર રસ્તાઓ પર જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. દેવકા નદીમાંથી બહાર આવી રહેલા મગરના બચ્ચાં ગામની અંદર સુધી પહોંચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ગ્રામ પંચાયત કચેરી, સરકારી શાળા અને મુખ્ય જાહેર માર્ગો નજીક મગરના બચ્ચાં જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, મગરના બચ્ચાં વારંવાર રોડ પર આવી જતા વાહનવ્યવહાર દરમિયાન તેમના જીવને પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. સાથે જ જ્યાં બચ્ચાં હોય ત્યાં આસપાસ પુખ્ત મગરો પણ હોઈ શકે તેવી આશંકાને કારણે ગ્રામજનોમાં વધુ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના પણ બની શકે છે. ગામમાં મગરના બચ્ચાં જોવા મળતાં સ્થાનિક યુવાનો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા. સાવચેતીપૂર્વક મગરના બચ્ચાંને પકડીને તેઓએ કોઈ નુકસાન ન પહોંચે તે રીતે દેવકા નદીના કાંઠે સુરક્ષિત રીતે છોડ્યા હતા. યુવાનોની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. જો કે આ કોઈ એક દિવસની ઘટના નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી મગરના બચ્ચાં વારંવાર નદીમાંથી બહાર આવી ગામના માર્ગો પર જોવા મળી રહ્યા છે. જેના કારણે બાળકો, વૃદ્ધો અને શાળાએ આવતા-જતા વિદ્યાર્થીઓ માટે પણ જોખમ ઊભું થયું છે.

આ પણ વાંચો: ખેડા-મહેમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : લગ્નમાં જતાં ફેલાઈ ગયો માતમ, એક જ પરિવારના 2ના મોત, 5 ગંભીર ઈજાગ્રસ્ત


ગ્રામ પંચાયત અને શાળા નજીક મગરના બચ્ચાં દેખાતા ચિંતા

ગામના મુખ્ય જાહેર વિસ્તારોમાં મગરના બચ્ચાં જોવા મળતાં સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. ગ્રામ પંચાયત કચેરી, સરકારી શાળા અને રહેણાંક વિસ્તારની નજીક મગરના બચ્ચાં ફરતા જોવા મળતાં લોકો સાવચેત બની ગયા છે. સ્થાનિકોનું માનવું છે કે, બચ્ચાં જ્યાં સુધી પહોંચ્યા છે ત્યાં સુધી પુખ્ત મગરોની પણ અવરજવર હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ અથવા પશુ પર હુમલાનો ભય પણ નકારી શકાય તેમ નથી.

વન વિભાગ પાસે રેસ્ક્યૂ અને સ્થળાંતરની માંગ

ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે દેવકા નદીમાં રહેલા મગરોની સંખ્યા અંગે સર્વે કરવામાં આવે તેમજ રહેણાંક વિસ્તાર તરફ આવતા મગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે. સાથે જ નદી કાંઠાના વિસ્તારોમાં ચેતવણીના બોર્ડ લગાવવા, નિયમિત પેટ્રોલિંગ શરૂ કરવા અને ગ્રામજનોને જાગૃત કરવા પણ માંગ ઉઠી છે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં નદીનું જળસ્તર વધતાં મગરો બહાર આવવાની શક્યતા વધુ રહેતી હોવાથી વન વિભાગે આગોતરા આયોજન કરવું જોઈએ તેવી પણ સ્થાનિકોની માંગ છે.

આ પણ વાંચો: સુરતમાં આભ ફાટયું! ચારેતરફ જળબંબાકાર : પલસાણામાં સૌથી વધુ 17.56 ઇંચ વરસાદ, સુરત-વલસાડમાં શાળા-કોલેજો બંધ, 11 જિલ્લામાં હાઈ એલર્ટ

થોડા દિવસ પહેલાં મહાકાય મગરનું પણ થયું હતું રેસ્ક્યૂ

ડાભોર અને તાતીવેલા ગામ વચ્ચે વહેતી દેવકા નદીમાં વર્ષોથી અનેક મગરો વસવાટ કરતા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. થોડા દિવસ પહેલાં પણ આ જ વિસ્તારમાંથી એક મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તે બાદ ફરી મગરના બચ્ચાં ગામ સુધી પહોંચવાની ઘટનાઓ સામે આવતાં હવે ગ્રામજનોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિકોનું કહેવું છે કે વન વિભાગે માત્ર રેસ્ક્યૂ પૂરતું નહીં પરંતુ લાંબા ગાળાનો ઉકેલ લાવવા માટે યોગ્ય આયોજન કરવું જરૂરી બન્યું છે, જેથી માણસ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now