Road Accident: ખેડા-મહેમદાવાદ હાઈવે પર મકતુપુર નજીક બુધવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, એક જ પરિવારના સાત સભ્યો લોડિંગ રિક્ષામાં સવાર થઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન મહેમદાવાદથી ખેડા તરફ જઈ રહેલી રિક્ષા મકતુપુર નજીક પહોંચતાં સામેની દિશાથી આવી રહેલી સીએનજી ગેસના સિલિન્ડરો ભરેલી આઈસર ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લોડિંગ રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું.
ઘટનાસ્થળે બેના મોત, પાંચને ગંભીર ઈજા
અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રિક્ષામાં સવાર અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે તેમની તબિયત અંગે સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢી પ્રાથમિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.
આ પણ વાંચો: સુરતમાં આભ ફાટયું! ચારેતરફ જળબંબાકાર : પલસાણામાં સૌથી વધુ 17.56 ઇંચ વરસાદ, સુરત-વલસાડમાં શાળા-કોલેજો બંધ, 11 જિલ્લામાં હાઈ એલર્ટ
પોલીસની કાર્યવાહી શરૂ
અકસ્માતની જાણ થતાં ખેડા ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી હાઈવે પરનો વાહનવ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખેડા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માત પાછળનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.
આ દુર્ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. લગ્ન પ્રસંગમાં જવા નીકળેલો પરિવાર પળવારમાં દુર્ઘટનાનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.






