Home Gujarat Woman Injured In Accident During Hatkeshwar Bridge Demolition Sandbags Placed Under The Bridgefell

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી! : ભારેખમ કોથળા ધસી પડતા મહિલા સહિત બે ઈજાગ્રસ્ત

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી!
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 01:04 PM IST

Ahmedabad News: શહેરનો સૌથી વિવાદાસ્પદ બનેલો હાટકેશ્વર ઓવરબ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બ્રિજના ડિમોલિશન સમયે સુરક્ષા માટે મૂકવામાં આવેલી રેતીની ભારેખમ બેગ અચાનક ધસી પડતા નીચે ઉભેલા બે વ્યક્તિઓ તેની નીચે દબાયા હતા.

શું છે ઘટનાની વિગત?

હાટકેશ્વર બ્રિજના જે બે સ્પાન તોડવાના બાકી છે, ત્યાં મજબૂતી અને સુરક્ષાના ભાગરૂપે પુરાણ ભરેલી મોટી બેગ (જમ્બો બેગ્સ) મૂકવામાં આવી હતી. કામગીરી દરમિયાન અચાનક આ ભારેખમ બેગ નીચે ઉભેલા લારીના ફેરિયાઓ પર પડી હતી. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્થળ પર હંગામો અને ટ્રાફિક જામ

અકસ્માત સર્જાતા જ સ્થાનિકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. લોકોએ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના કોઈ ચોક્કસ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું નથી. રોષે ભરાયેલા લોકો અને કોન્ટ્રાક્ટરના માણસો વચ્ચે ભારે બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ હંગામાને કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનચાલકો અટવાયા હતા. એક સ્થાનિક નાગરિકે આ ઘટનાસંદર્ભે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ભરચક વિસ્તારમાં કામ ચાલતું હોય ત્યારે પૂરતી આડશ કે સુરક્ષા વ્યવસ્થા કેમ નથી?"

તંત્ર સામે સવાલો

હાટકેશ્વર બ્રિજ તેના નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે પહેલેથી જ વિવાદમાં છે. હવે તેને તોડતી વખતે પણ નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનના સુપરવિઝન સામે ગંભીર સવાલો ઊભા કરે છે. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ થાળે પાડવાના અને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now