Home Gujarat Panchmahal Godhra Mumbai Delhi Corridor Accident Surat Family 3 Live Lost

મુંબઈ-દિલ્હી કોરિડોર પર ગોધરા પાસે ગમખ્વાર અકસ્માત : માતા-પિતા અને પુત્ર સહિત 3ના મોત, પુત્રીનો આબાદ બચાવ

Godhra Accident, Delhi Mumbai Corridor, Surat Family
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 04:58 AM IST

Godhra Accident: પંચમહાલ જિલ્લામાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે કોરિડોર પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ગોધરા નજીક ભાટપુરા પાસે પુરપાટ ઝડપે જતી એક કાર અને અજાણ્યા વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં માતા, પિતા અને પુત્રએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પરિવારની એક કિશોરીનો ગંભીર ઈજાઓ સાથે ચમત્કારિક બચાવ થયો છે. મળતી વિગતો અનુસાર, આ પરિવાર સુરતથી કાર મારફતે પોતાના વતન મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામે જઈ રહ્યો હતો. વતનના આંગણે પહોંચે તે પહેલા જ કાળમુખા અકસ્માતે હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. બ્રાહ્મણ સમાજના આ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અને સમાજમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

વતનની વાટે કાળનો પંજો: એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

અકસ્માતની વિગત એવી છે કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામના વતની હેમંતકુમાર નટવરલાલ (43 વર્ષ) પોતાના પત્ની કિંજલબેન પંડ્યા (38 વર્ષ), પુત્ર આયુષ (17 વર્ષ) અને પુત્રી જૈનીશા (14 વર્ષ) સાથે સુરતથી કારમાં નીકળ્યા હતા. તેઓ ગોધરાના ભાટપુરા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કાર કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને હેમંતકુમાર, તેમના પત્ની કિંજલબેન અને પુત્ર આયુષને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ અથવા ટૂંકી સારવારમાં મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં બેફામ બાઈક ચાલકે વૃદ્ધને કચડ્યા : પેન્શન લેવા નીકળેલા પાલિકાના નિવૃત્ત કર્મચારીનું હિટ એન્ડ રનમાં કરૂણ મોત

14 વર્ષીય પુત્રીનો આબાદ બચાવ, હાલ સારવાર હેઠળ

આ ભયાનક અકસ્માતમાં 14 વર્ષીય જૈનીશા પંડ્યાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જોકે તેનો જીવ બચી ગયો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા જૈનીશાને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જે બાદ વધુ સારવાર માટે તેને ખાનગી દવાખાને દાખલ કરવામાં આવી છે. પોતાની નજર સામે જ માતા-પિતા અને ભાઈને ગુમાવનાર કિશોરીની હાલત અત્યંત નાજુક અને કરુણ છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક્સપ્રેસ વે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી, જેને પોલીસે પૂર્વવત કરાવી હતી. એક જ પરિવારના ત્રણ-ત્રણ મોતના સમાચાર મળતા મુડાવડેખ ગામ અને સુરતમાં રહેતા તેમના સબંધીઓમાં ભારે રુદન જોવા મળી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now