અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વાર દાવો કરી ચૂક્યા છે કે તેમણે સાત જેટલા યુદ્ધ બંધ કરાવ્યા છે અને આ માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. પરંતુ નોબેલ સમિતિ પર ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની કોઈ અસર થતી હોય તેવું લાગતું નથી. નોર્વેની નોબેલ સમિતિનું કહેવું છે કે, 'અમારા પર કોઈ દબાણ નથી. અમે સંપૂર્ણ સ્વાયત્તતા અને સ્વતંત્રતા સાથે નિર્ણયો લઈએ છીએ.'
નોબેલ સમિતિના સચિવે શું કહ્યું??
નોબેલ શાંતિ પુરસ્કારને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, 'મેં છથી સાત યુદ્ધો બંધ કરાવ્યા છે અને તેના માટે હું નોબેલ શાંતિ પુરસ્કારને પાત્ર છું. હું ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને રોકવા માટે પણ તૈયાર છું.' આ દરમિયાન એક ઇન્ટરવ્યુમાં નોબેલ સમિતિના સચિવ ક્રિશ્ચિયન બર્ગ હાર્પવિકેને કહ્યું, 'એ સાચું છે કે મીડિયામાં કોઈ ચોક્કસ ઉમેદવાર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ એ પણ સાચું છે કે આનાથી અમારા નિર્ણય પર કોઈ અસર થતી નથી. અમે અમારા ધોરણો અનુસાર નિર્ણયો લઈએ છીએ. આમાં કોઈ બાહ્ય પરિબળ કામ કરતું નથી અને ન તો કોઈ પ્રકારનું દબાણ છે.'
નોબેલ પુરસ્કારોની જાહેરાત 10મી ઑક્ટોબર થશે
નોબેલ પુરસ્કારોની જાહેરાત 10મી ઑક્ટોબર 2025ના રોજ થવાની છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, મારા નામની ભલામણ બેન્જામિન નેતન્યાહૂ અને અઝરબૈજાનના ઈલ્હમ અલીયેવે પણ કરી છે. આ ઉપરાંત પાકિસ્તાનની સેનાના વડા આસિમ મુનીરે પણ કહ્યું હતું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.' જોકે, આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર મળવાની શક્યતા ઘણી ઓછી છે.
ઉલ્લેખનીય છે કે, નોબેલ પુરસ્કાર માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેના 11 દિવસ પહેલા જ પદ સંભાળ્યું હતું. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર વિચાર કરવામાં આવે તો તે આવતા વર્ષે થશે. આ વખતે તેના નામની જાહેરાત થવાની કોઈ શક્યતા નથી.