ગયા સોમવારથી નવા GST દરો અમલમાં આવ્યા છે, પરંતુ બજારમાં નાના દુકાનદારો હજુ સુધી બિસ્કિટ, ચિપ્સ, સાબુ અને તેલ જેવી રોજિંદા જરૂરી વસ્તુઓ જૂના દરે જ વેચી રહ્યા છે. સરકારે GST 12% થી ઘટાડીને 5% અથવા શૂન્ય કર્યો હોવા છતાં, ગ્રાહકોને સીધો લાભ મળી રહ્યો નથી.
મૂળ સમસ્યા શું છે?
GST નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, 22 સપ્ટેમ્બર પછી જૂના દરે વસૂલાયેલા GST પર રિફંડ ઉપલબ્ધ નથી. તેથી, દુકાનદારોએ અગાઉના સ્ટોક પર ભરેલા ઊંચા GSTને કારણે નુકસાન ટાળવા ભાવ ઘટાડ્યા નથી.
ડીલરો અને દુકાનદારો કહે છે કે તેઓએ માલ પહેલાથી જ 12% GST સાથે ખરીદ્યો છે.
જો હવે તે જ માલ 5% કે શૂન્ય GSTના નવા દરે વેચે, તો તેમને સીધું નુકસાન થશે.
ઉત્પાદકોની ખાતરી
મુખ્ય ગ્રાહક ઉત્પાદક કંપનીઓએ તેમના ડીલરોને લખિતમાં સૂચના આપી છે કે 22 સપ્ટેમ્બરથી તમામ માલ નવા GST દરે વેચવો પડશે.
ઉત્પાદકોનું કહેવું છે કે જૂના સ્ટોક પર થતું નુકસાન તેઓ પોતે ભરપાઈ કરશે.
આ જ કારણસર ઓટો કંપનીઓ (કાર, સ્કૂટર, બાઇક) એ પણ ડીલરોને નવા દરે વેચાણ કરવા માટે આશ્વાસન આપ્યું છે.
ગ્રાહકો પર શું અસર થશે?
પેકેજ્ડ માલની MRPમાં જ GSTનો સમાવેશ હોય છે.
ઉદાહરણ તરીકે, ₹20ની ચિપ્સની પેકેટમાં 12% GSTનો સમાવેશ થાય છે.જ્યારે ડીલર કંપની પાસેથી માલ ખરીદે છે, ત્યારે તે ઊંચા દરે GST ચૂકવી ચૂક્યો હોય છે.
આ કારણસર દુકાનદારને MRP કરતાં ઓછા ભાવે વેચાણ કરવું નુક્સાનકારક બને છે.
નવા દરોની અમલવારી
22 સપ્ટેમ્બર પછી નવા ઉત્પાદિત માલની MRP નવા GST દરે જ છાપવામાં આવશે.
એટલે કે, આગામી અઠવાડિયામાં બજારમાં પહોંચતા માલ પર ગ્રાહકોને સીધો ભાવ ઘટાડાનો લાભ મળશે.
નિષ્ણાતોના મતે, દર ઘટાડાથી આવતા મહિનાઓમાં FMCG અને ઓટો સેક્ટરમાં બમ્પર વેચાણ થવાની સંભાવના છે.