Electronic gadgets are always black : જો તમે તમારી આસપાસ નજર ફેરવશો તો તમને જણાશે કે ટીવી, રિમોટ, રાઉટર, સાઉન્ડબાર અને લેપટોપ જેવા મોટાભાગના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કાળા રંગના જ હોય છે. જોકે, હવે કંપનીઓ સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સ અલગ-અલગ કલરમાં લોન્ચ કરી રહી છે, પરંતુ કાળો રંગ આજે પણ ગેજેટ્સની દુનિયામાં રાજ કરે છે. શું આ માત્ર એક ડિઝાઈન છે કે, તેની પાછળ કોઈ ખાસ કારણ છે? જાણો.
ગરમીનું નિયંત્રણ (Heat Management)
કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જ્યારે સતત ચાલુ રહે છે, ત્યારે તેના અંદરના પાર્ટ્સ ગરમ થાય છે. વિજ્ઞાનના નિયમ મુજબ, કાળો રંગ ગરમીનો સારો શોષક (absorber) છે. ગેજેટ્સનો કાળો રંગ ડિવાઇસમાંથી નીકળતી ગરમીને શોષી લે છે અને તેને ફરીથી અંદરના નાજુક ભાગો તરફ જતાં અટકાવે છે. આ કારણે ડિવાઇસ જલ્દી ખરાબ થતું નથી.
સેન્સરની સુરક્ષા અને ઓછો ખર્ચ (Safety & Cost)
આધુનિક ગેજેટ્સમાં વપરાતા સેમિકન્ડક્ટર અને સર્કિટ્સ પ્રકાશ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. જો તેમના પર સીધો પ્રકાશ પડે તો તે બગડી શકે છે. કાળો રંગ પ્રકાશને રોકીને અંદરના ભાગોને અંધારામાં અને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત, મેન્યુફેક્ચરિંગમાં અલગ-અલગ રંગો વાપરવા કરતા એક જ (કાળા) રંગમાં જથ્થાબંધ ઉત્પાદન કરવું કંપનીઓ માટે સસ્તું પડે છે, જેનાથી પ્રોડક્ટની કિંમત કાબૂમાં રહે છે.
જોવાનો શ્રેષ્ઠ અનુભવ (Immersive Experience)
તમે જોયું હશે કે, ટીવી અને મોનિટરની બોર્ડર હંમેશા કાળી હોય છે. આ પાછળનું કારણ 'ઈમર્સિવનેસ' છે. કાળો રંગ તટસ્થ હોય છે અને તે જોનારાનું ધ્યાન પોતાની તરફ ખેંચતો નથી. જ્યારે તમે સ્ક્રીન પર કઈ જોતા હોવ ત્યારે કાળી બોર્ડર અદ્રશ્ય જેવી થઈ જાય છે અને તમારું સંપૂર્ણ ધ્યાન સ્ક્રીનના વિઝ્યુઅલ્સ પર રહે છે. જો બોર્ડર લાલ કે પીળા રંગની હોય તો તમારું ધ્યાન ભટકી શકે છે.
મજબૂતી અને ટકાઉપણું (Long Lasting)
મોટાભાગના ગેજેટ્સની બોડી પ્લાસ્ટિકની બનેલી હોય છે. જો સફેદ કે અન્ય આછા રંગનો ઉપયોગ કરવામાં આવે, તો સમય જતાં સૂર્યપ્રકાશ, ધૂળ અને UV કિરણોને કારણે તે પીળો પડી જાય છે અથવા તેનો રંગ ઝાંખો થઈ જાય છે. તેની સરખામણીમાં કાળો રંગ લાંબા સમય સુધી નવો દેખાય છે અને તેના પર ડાઘ કે સ્ક્રેચ જલ્દી દેખાતા નથી.



















