WhatsApp Username Feature: ભારતમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsAppનું નવું 'Username' ફીચર હજુ લોન્ચ પણ થયું નથી, પરંતુ તે પહેલાથી જ સરકારની નજરમાં આવી ગયું છે. કેન્દ્ર સરકારે આ ફીચરને લઈને મેટા (Meta) પાસે સ્પષ્ટતા માંગ્યા બાદ હવે કંપનીએ પોતાનો સત્તાવાર જવાબ સરકારને સોંપી દીધો છે. સરકાર હાલ આ જવાબની સમીક્ષા કરી રહી છે અને ત્યારબાદ જ ભારતમાં આ ફીચર અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. સરકારનું માનવું છે કે, જો વપરાશકર્તાઓ મોબાઇલ નંબર જાહેર કર્યા વિના માત્ર યુઝરનેમ દ્વારા એકબીજા સાથે વાતચીત કરી શકશે તો તેનો ગેરઉપયોગ પણ વધી શકે છે. ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ અને નકલી ઓળખ બનાવી લોકોને નિશાન બનાવવાના બનાવોમાં વધારો થવાની આશંકાને ધ્યાનમાં રાખીને સરકારે આ ફીચર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
સરકારે WhatsAppને મોકલી હતી નોટિસ
કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે મેટાને સત્તાવાર નોટિસ મોકલી હતી. આ નોટિસમાં WhatsAppના Username ફીચર અંગે અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા અને કંપનીને તેનો વિગતવાર જવાબ આપવા જણાવ્યું હતું. સરકારે WhatsAppને સ્પષ્ટ સૂચના પણ આપી હતી કે જ્યાં સુધી આ મુદ્દે સરકાર સંતોષ ન વ્યક્ત કરે, ત્યાં સુધી ભારતમાં આ ફીચર લોન્ચ કરવામાં ન આવે. ત્યારબાદ કંપનીએ જવાબ આપવા માટે થોડો વધારાનો સમય માંગ્યો હતો.
WhatsAppએ સરકારને શું ખાતરી આપી?
મેટાની માલિકીની WhatsAppએ સરકારને આપેલા જવાબમાં ખાતરી આપી છે કે, સરકાર સાથેની ચર્ચા પૂર્ણ ન થાય અને જરૂરી મંજૂરી ન મળે ત્યાં સુધી ભારતમાં Username ફીચર શરૂ કરવામાં આવશે નહીં. હાલ સરકારે કંપની દ્વારા આપવામાં આવેલા જવાબની સમીક્ષા શરૂ કરી છે. જો સરકારને જવાબ સંતોષકારક લાગશે તો જ આ ફીચરને ભારતમાં મંજૂરી મળી શકે છે. જો જરૂરી લાગશે તો સરકાર વધુ સ્પષ્ટતા અથવા વધારાની માહિતી પણ માંગી શકે છે.
શું છે WhatsAppનું Username ફીચર?
WhatsAppનું Username ફીચર વપરાશકર્તાઓને પોતાનો મોબાઇલ નંબર જાહેર કર્યા વગર અન્ય લોકો સાથે સંપર્ક કરવાની સુવિધા આપશે. એટલે કે ભવિષ્યમાં લોકો ફોન નંબરની જગ્યાએ માત્ર યુઝરનેમ દ્વારા એકબીજાને શોધી અને ચેટ કરી શકશે. આ સુવિધા પહેલાથી જ Telegram અને Signal જેવી કેટલીક મેસેજિંગ એપ્સમાં ઉપલબ્ધ છે. WhatsApp પણ વપરાશકર્તાઓની પ્રાઇવસી વધારવાના હેતુથી આ ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે.
સરકારને કઈ બાબતોની છે સૌથી વધુ ચિંતા?
કેન્દ્ર સરકારનું માનવું છે કે મોબાઇલ નંબર છુપાવવાની સુવિધા મળ્યા બાદ સાયબર ગુનેગારો માટે નકલી ઓળખ બનાવી લોકોને છેતરવું વધુ સરળ બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં ફિશિંગ, ડિજિટલ અરેસ્ટ, ફેક KYC અને અન્ય ઓનલાઈન ફ્રોડના બનાવોમાં વધારો નોંધાયો છે. સરકારનું કહેવું છે કે, નવા ફીચરને મંજૂરી આપતા પહેલાં તેની સુરક્ષા, ટ્રેસેબિલિટી અને દુરુપયોગ રોકવાના તમામ પાસાઓની વિગતવાર સમીક્ષા કરવી જરૂરી છે.
Telegram અને Signalને લઈને પણ સવાલ
આ દરમિયાન IT સચિવ એસ. કૃષ્ણને એક કાર્યક્રમ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, Telegram અને Signal જેવી અન્ય મેસેજિંગ એપ્સને પણ આ મુદ્દે નોટિસ મોકલવામાં આવી છે કે નહીં. તેમણે જણાવ્યું હતું કે, WhatsAppનો જવાબ સરકારને મળી ગયો છે, જ્યારે અન્ય પ્લેટફોર્મ્સને જવાબ આપવા માટે હજુ થોડો સમય આપવામાં આવ્યો છે. સરકાર તમામ પ્લેટફોર્મ્સના જવાબોની સમીક્ષા કર્યા બાદ જરૂરી નિર્ણય લેશે.
આ પણ વાંચો: 'WhatsApp પર ફ્રોડ નહિ થાય!' : સ્કેમર્સને રોકવા આવ્યું નવું 'યુઝરનેમ કી' ફીચર, જાણો શું છે ધારાધોરણો
હવે આગળ શું?
હાલ સમગ્ર મામલો સરકારના વિચારાધીન છે. WhatsApp દ્વારા સોંપવામાં આવેલા જવાબનું ટેક્નિકલ અને કાનૂની સ્તરે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સરકાર નક્કી કરશે કે ભારતમાં Username ફીચરને મંજૂરી આપવી કે તેમાં કોઈ વધારાની શરતો લાગુ કરવી. આ નિર્ણય માત્ર WhatsApp માટે જ નહીં પરંતુ અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ્સ માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે ભવિષ્યમાં સમાન પ્રકારના ફીચર્સ માટે સરકારની નીતિનો આધાર આ નિર્ણય પર રહી શકે છે.





