વોટ્સએપે તેના આગામી 'યુઝરનેમ' ફીચરને લઈને એક વિગતવાર FAQs (માર્ગદર્શિકા) બહાર પાડી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને નોટિસ જારી કરીને આ ફીચરથી થતા સંભવિત ફ્રોડ અને છેતરપિંડીના જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી સુરક્ષાના મુદ્દે સંપૂર્ણ સંતોષ ન થાય, ત્યાં સુધી તેને રોલઆઉટ ન કરવામાં આવે. આ નોટિસ બાદ વોટ્સએપે સ્પષ્ટતા કરી છે કે તે યુઝર્સની સુરક્ષા માટે કયા કડક પગલાં લઈ રહ્યું છે. કંપનીએ 29 જૂનથી વિશ્વભરમાં યુઝરનેમનું રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે, જે આગામી મહિનાઓમાં ધીમે-ધીમે બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
યુઝરનેમ બનાવવું ફરજિયાત નથી: પ્રોફાઇલ નામ માટે રાખવામાં આવ્યા છે ખાસ નિયમો
વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે પ્લેટફોર્મ પર યુઝરનેમ બનાવવું બિલકુલ ફરજિયાત નથી, તે સંપૂર્ણપણે વૈકલ્પિક (ઓપ્શનલ) રહેશે. જે યુઝર્સ પોતાનો ફોન નંબર અજાણ્યા લોકોથી છુપાવવા માંગે છે, તેઓ જ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. જો કોઈને પોતાનું મનપસંદ યુઝરનેમ ન મળે, તો તેના મુખ્ય કારણોમાં કાં તો તે નામ પહેલાથી જ કોઈના ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એકાઉન્ટ માટે રિઝર્વ છે અથવા કોઈ સામાન્ય યુઝરે તે લઈ લીધું છે. આ ઉપરાંત, વોટ્સએપે પ્રખ્યાત હસ્તીઓ, રાજકારણીઓ અને સરકારી વિભાગોના નામોને પહેલેથી બ્લોક કરી રાખ્યા છે જેથી કોઈ તેનો ખોટો ઉપયોગ કરીને ફેક એકાઉન્ટ ન બનાવી શકે.
સ્કેમર્સ પર કડક નજર: અજાણ્યા મેસેજ પર મળશે દેશની વિગત અને વોર્નિંગ
ભળતા નામ અથવા સેલિબ્રિટીઝના નામે છેતરપિંડી કરનારાઓને રોકવા માટે વોટ્સએપે ખાસ તૈયારી કરી છે. હાલમાં ફક્ત યુઝરનેમ રિઝર્વ થઈ રહ્યા છે, મેસેજ મોકલવાનું ફીચર હજુ લાઈવ કરાયું નથી. જ્યારે આ ફીચર સંપૂર્ણ રીતે શરૂ થશે અને તમને કોઈ અજાણ્યા યુઝરનેમ પરથી મેસેજ આવશે, ત્યારે વોટ્સએપ તમને તે એકાઉન્ટ કયા દેશનું છે તેની સત્તાવાર જાણકારી આપશે. આ સાથે જ પહેલીવાર મેસેજ આવવા પર સ્ક્રીન પર એક ખાસ વોર્નિંગ (ચેતવણી) પણ દેખાશે, જેથી યુઝર્સ સાવધ થઈ શકે.
શું છે 'યુઝરનેમ કી'?: અજાણ્યા લોકોથી બચવા માટે સુરક્ષાનું નવું હથિયાર
વોટ્સએપ પર કોઈ પણ અજાણી વ્યક્તિ માત્ર યુઝરનેમનું અનુમાન લગાવીને મેસેજ નહીં કરી શકે, કારણ કે સર્ચ ઓપ્શન મર્યાદિત હશે. અજાણ્યા લોકોથી બચવા માટે કંપની 'યુઝરનેમ કી' (Username Key) નામનું નવું ફીચર લાવી રહી છે. આ સુરક્ષાનું એક એક્સ્ટ્રા લેયર છે. તેને એક્ટિવેટ કર્યા પછી જો કોઈ નવી વ્યક્તિ તમારી સાથે કનેક્ટ થવા માંગે છે, તો તેને તમારા યુઝરનેમની સાથે તમારી ગુપ્ત 'યુઝરનેમ કી' પણ ખબર હોવી જરૂરી છે, તેના વિના મેસેજ નહીં થાય. આ કી ને ગમે ત્યારે રીસેટ પણ કરી શકાશે.
આ પણ વાંચો: Google પર લાગી 4.1 અબજ યુરોની પેનલ્ટી! : યુરોપની ટોચની અદાલતે આપ્યો મોટો ચુકાદો, એન્ટીટ્રસ્ટ કેસમાં EU કોર્ટે આપ્યો મોટો ઝટકો
સોશિયલ મીડિયા એકાઉન્ટ લિંકિંગ અને અફવાઓ પર કંપનીની સ્પષ્ટતા
જો કોઈ યુઝર પોતાના ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જેવું જ સેમ યુઝરનેમ વોટ્સએપ પર ઇચ્છે છે, તો તેણે પોતાના એકાઉન્ટ લિંક કરવા પડશે, જેથી ઓળખ ચકાસી શકાય અને ફ્રોડ ઘટાડી શકાય. જોકે, નામ મળ્યા પછી તેને અનલિંક કરી શકાશે. ઇન્ટરનેટ પર પ્રખ્યાત નામોને એડવાન્સમાં બુક કરવાના થતા દાવાઓને વોટ્સએપે સંપૂર્ણપણે અફવા ગણાવી છે. કંપની હાલમાં સરકાર અને યુઝર્સના ફીડબેક લઈ રહી છે અને આ વર્ષના અંત સુધીમાં આ ફીચરને સંપૂર્ણપણે સુરક્ષિત અને પરફેક્ટ બનાવીને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.





