Home Business Whatsapp Username Feature Privacy Security Explained

WhatsAppનું Username ફીચર વૈકલ્પિક અને સુરક્ષિત રહેશે! : કંપનીએ ગોપનીયતા અંગે દૂર કરી શંકાઓ

WhatsApp Username Feature Update
Published by: Nirali Gohil
Last Updated: Jul 02, 2026, 06:22 AM IST

WhatsApp Username Feature Update: વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ WhatsApp ટૂંક સમયમાં પોતાના વપરાશકર્તાઓ માટે નવું "Username" ફીચર રજૂ કરવાની તૈયારીમાં છે. આ ફીચરનો મુખ્ય હેતુ એ છે કે લોકો પોતાના મોબાઇલ નંબર જાહેર કર્યા વગર પણ એકબીજા સાથે સંપર્ક કરી શકે. ખાસ કરીને ગ્રુપ ચેટ્સ, નવા સંપર્કો સાથેની વાતચીત અને ગોપનીયતા જાળવવા ઇચ્છતા વપરાશકર્તાઓ માટે આ સુવિધા મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ આ ફીચરની જાહેરાત બાદ ગોપનીયતા, સુરક્ષા, ઓળખની નકલ (Impersonation), ઓનલાઈન છેતરપિંડી અને ફિશિંગ જેવા જોખમોને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. આ સંદર્ભમાં WhatsAppએ ગુરુવારે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, Username ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે અને કોઈપણ વપરાશકર્તા માટે તેને બનાવવું ફરજિયાત નહીં હોય. કંપનીએ એ પણ જણાવ્યું કે આ ફીચરનો વ્યાપક અમલ આ વર્ષના અંત સુધી ધીમે ધીમે શરૂ કરવામાં આવશે.

Username બનાવવું ફરજિયાત નહીં

Metaની માલિકીની કંપની WhatsAppએ સ્પષ્ટ કર્યું છે કે, દરેક વપરાશકર્તાને Username બનાવવાની જરૂર રહેશે નહીં. જે લોકો પોતાનો ફોન નંબર શેર કર્યા વગર વાતચીત કરવા ઇચ્છે છે તેઓ આ વિકલ્પનો ઉપયોગ કરી શકશે, જ્યારે અન્ય વપરાશકર્તાઓ હાલની જેમ ફોન નંબર આધારિત વ્યવસ્થા જ ચાલુ રાખી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, Username ફીચરનો ઉદ્દેશ વપરાશકર્તાઓને વધુ ગોપનીયતા અને નિયંત્રણ આપવાનો છે, જેથી તેઓ નક્કી કરી શકે કે કોને પોતાનો નંબર બતાવવો અને કોને નહીં.

પસંદ કરેલું Username ઉપલબ્ધ ન હોય તો શું?

WhatsAppએ કેટલાક Username ઉપલબ્ધ ન હોવાના કારણો પણ સમજાવ્યા છે. કંપનીએ જણાવ્યું કે જો કોઈ Username પહેલેથી જ Instagram અથવા Facebook પર કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાઈ રહ્યો હોય તો તે તેના વાસ્તવિક માલિક માટે અનામત રાખવામાં આવશે. તે ઉપરાંત જાણીતા જાહેર વ્યક્તિત્વો, સેલિબ્રિટીઓ, સરકારી સંસ્થાઓ, સરકારી એજન્સીઓ અને Meta Verified એકાઉન્ટ્સના નામો તથા તેમના કેટલાક રૂપાંતરો પણ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેનો હેતુ કોઈ વ્યક્તિ અથવા સંસ્થા તરીકે ખોટી ઓળખ ઉભી કરીને છેતરપિંડી થતી અટકાવવાનો છે. જો સામાન્ય અને લોકપ્રિય Username પહેલેથી જ કોઈ અન્ય વ્યક્તિએ લઈ લીધું હોય તો વપરાશકર્તાઓ માટે Username Generator જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના દ્વારા વિકલ્પરૂપ Username પસંદ કરી શકાશે.

આ પણ વાંચો: WhatsAppનું Username ફીચર લોન્ચ પહેલાં જ વિવાદમાં : કેન્દ્ર સરકારે Metaને મોકલી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

ઓળખની નકલ અને છેતરપિંડી સામે કેવી રીતે મળશે સુરક્ષા?

Username ફીચરને લઈને સૌથી મોટો પ્રશ્ન ઓળખની નકલ અને ઓનલાઈન છેતરપિંડીનો હતો. તેના જવાબમાં WhatsAppએ જણાવ્યું કે Username શોધી શકાશે નહીં. જેમ હાલમાં WhatsAppમાં સીધો ફોન નંબર સર્ચ કરી શકાતો નથી, તેવી જ રીતે Username પણ સર્ચ કરી શકાશે નહીં. કંપનીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે Username આધારિત મેસેજિંગ સુવિધા શરૂ થશે ત્યારે નવા વ્યક્તિ પાસેથી મળતા સંદેશા અંગે વપરાશકર્તાને વધારાની માહિતી પણ આપવામાં આવશે. તેમાં સંદેશ મોકલનાર કયા દેશમાંથી સંપર્ક કરી રહ્યો છે, તે એકાઉન્ટ વિશેની વિગતો અને પ્રથમ વખત સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાની ચેતવણીનો સમાવેશ થશે. આ ઉપરાંત હાલની જેમ Block અને Report જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ રહેશે, જેથી શંકાસ્પદ અથવા અનિચ્છનીય સંપર્કો સામે તરત કાર્યવાહી કરી શકાય. WhatsAppએ જણાવ્યું કે જાહેર જીવન સાથે જોડાયેલા જાણીતા લોકોના નામો સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને કંપની સતત બ્લોક તથા રિપોર્ટિંગના ડેટા પર નજર રાખશે જેથી સ્કેમર્સ સામે જરૂરી પગલાં લઈ શકાય.

શું કોઈપણ વ્યક્તિ Username જાણીને મેસેજ મોકલી શકશે?

કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, Username કોઈ જાહેર શોધી શકાય તેવી ઓળખ નહીં બને. એટલે કે, માત્ર Usernameના આધારે WhatsApp પર કોઈને શોધી શકાશે નહીં. WhatsAppના જણાવ્યા મુજબ અનિચ્છનીય સંપર્કો અટકાવવા માટે હાલના તમામ સુરક્ષા ઉપાયો યથાવત રહેશે. અજાણ્યા લોકોના સંદેશા માટે વપરાશકર્તાઓને ચેતવણી મળશે કે મોકલનારનું એકાઉન્ટ નવું છે કે નહીં, શું બંને કોઈ સામાન્ય ગ્રુપમાં છે અને તે કયા દેશમાંથી સંપર્ક કરી રહ્યો છે. વપરાશકર્તાઓને જરૂર પડે ત્યારે આવા સંપર્કોને તરત જ બ્લોક અથવા રિપોર્ટ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

શું છે Username Key?

WhatsAppએ Username સાથે જોડાયેલી વધુ એક સુરક્ષા વ્યવસ્થા તરીકે "Username Key"ની પણ જાહેરાત કરી છે. આ એક વૈકલ્પિક સુરક્ષા સ્તર હશે, જેને સક્રિય કર્યા બાદ કોઈ વ્યક્તિને સંપર્ક કરવા માટે માત્ર Username જાણવું પૂરતું નહીં રહે, પરંતુ તેની સાથે Username Key પણ જાણવી પડશે. કંપનીના જણાવ્યા મુજબ, વપરાશકર્તા કોઈપણ સમયે પોતાની Username Key બદલી શકશે. આમ કરવાથી અગાઉની Keyનો ઉપયોગ કરીને નવા સંપર્કો સ્થાપિત કરી શકાશે નહીં, જેના કારણે ગોપનીયતા અને સુરક્ષા વધુ મજબૂત બનશે. WhatsAppએ એ પણ જણાવ્યું કે, વપરાશકર્તાઓ ઇચ્છે તો ભવિષ્યમાં પોતાનું Username બદલી પણ શકશે, જો નવું Username ઉપલબ્ધ હોય.

Instagram અને Facebook સાથે જોડાણની જરૂર પડશે

જે લોકો પોતાના Instagram અથવા Facebook પર ઉપયોગમાં લેવાતા Usernameને WhatsApp પર પણ મેળવવા ઇચ્છે છે, તેઓએ પહેલા તે એકાઉન્ટ્સને WhatsApp સાથે લિંક કરીને માલિકીની પુષ્ટિ કરવી પડશે. માલિકીની ચકાસણી પૂર્ણ થયા બાદ વપરાશકર્તાઓ ઇચ્છે તો તે એકાઉન્ટ્સને ફરીથી અનલિંક પણ કરી શકશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે લોકપ્રિય અથવા જાણીતા નામો કોઈપણ વ્યક્તિ માટે ખુલ્લા નહીં હોય, પરંતુ માત્ર તેમના વાસ્તવિક માલિકો જ તેનો ઉપયોગ કરી શકશે.

કેન્દ્ર સરકારની ચિંતા, WhatsAppને મોકલાઈ નોટિસ

આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ WhatsAppના પ્રસ્તાવિત Username ફીચર અંગે ચિંતા વ્યક્ત કરી છે. સરકારે Metaની માલિકીની કંપનીને સૂચના આપી છે કે સરકાર સાથેની ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સુવિધા અમલમાં ન મૂકવામાં આવે. સરકારે કંપનીને ત્રણ દિવસની અંદર ફીચર અંગે વિગતવાર માહિતી અને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે. સરકારનું માનવું છે કે Username આધારિત સિસ્ટમના કારણે ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ, ડિજિટલ અરેસ્ટ જેવી છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ શકે છે. સરકારી નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો વ્યક્તિઓ, બેન્કો, નાણાકીય સંસ્થાઓ અથવા સરકારી વિભાગો જેવા દેખાતા Username બનાવવાની છૂટ મળશે તો તેનો ઉપયોગ ઓળખની નકલ કરીને લોકોને છેતરવા માટે થઈ શકે છે.

આ પણ વાંચો: શું ખરેખર WhatsAppનું નવું User ID ફીચર બની શકે છે ઠગોનું હથિયાર? : કેન્દ્ર સરકારે શરૂ કરી તપાસ


WhatsAppનો જવાબ: સુરક્ષા ઉપાયો પહેલેથી જ તૈયાર

સરકારી નોટિસના જવાબમાં WhatsAppના પ્રવક્તાએ જણાવ્યું કે, હાલમાં માત્ર વપરાશકર્તાઓને પોતાની પસંદગીનું Username અનામત રાખવાની સુવિધા જાહેર કરવામાં આવી છે. Username દ્વારા મેસેજિંગ કરવાની સુવિધા હજી સક્રિય કરવામાં આવી નથી અને તે આ વર્ષના અંત સુધી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે, જાહેર વ્યક્તિત્વો, સરકારી સંસ્થાઓ, સેલિબ્રિટીઓ અને Meta Verified એકાઉન્ટ્સના Username પહેલેથી જ તેમના વાસ્તવિક માલિકો માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સાથે જ Username Key, મર્યાદિત સંપર્ક સુવિધા, વારંવાર ખોટી રીતે Username Key અનુમાન કરવાના પ્રયાસોને રોકવાની વ્યવસ્થા અને છેતરપિંડીના પેટર્નને ઓળખતી સિસ્ટમ જેવા સુરક્ષા ઉપાયો પણ તૈયાર કરવામાં આવ્યા છે. WhatsAppએ અંતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે, Username ફીચર આવ્યા બાદ પણ WhatsAppનો ઉપયોગ કરવા માટે મોબાઇલ નંબર જરૂરી રહેશે અને તે સંપૂર્ણપણે બંધ થવાનો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now