Home Business Delhi High Court Security Deposit Rule Tenant Rights

ભાડાના મકાનમાં રહેતા હોય તો ખાસ વાંચજો! : સિક્યોરિટી ડિપોઝિટ અંગે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

Security Deposit Rules for Tenants
Image Credit: cdjlawjournal.com
Published by: Nirali Gohil
Last Updated: Jul 01, 2026, 12:05 PM IST

Security Deposit Rules for Tenants: ભાડાના મકાનમાં રહેતા લાખો લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે મકાન માલિકો ભાડૂત દ્વારા જમા કરાવવામાં આવેલા સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનફાવે તેવી કપાત કરી શકશે નહીં. ખાસ કરીને દિવાલોનું પેઇન્ટિંગ, વ્હાઇટવોશ, સામાન્ય ઘસારા-વપરાશ અથવા નાની-મોટી મરામતના નામે પૈસા કાપવાની પ્રથા કાનૂની રીતે યોગ્ય ગણાવી શકાય નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, ભાડૂઆત પાસેથી માત્ર તે જ નુકસાનની ભરપાઈ વસૂલ કરી શકાય છે, જે સામાન્ય ઉપયોગ કરતાં વધુ હોય અને જેના માટે ભાડૂઆત સીધો જવાબદાર હોવાનું પુરાવા સાથે સાબિત કરી શકાય. આ ચુકાદો ભાડૂતોના અધિકારોને વધુ મજબૂત બનાવે છે અને મકાન માલિકોની મનમાની પર અંકુશ મૂકતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

સામાન્ય ઘસારા-વપરાશ માટે કપાત નહીં

દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે મકાન ખાલી કરતી વખતે દિવાલો પર થતી સામાન્ય ખરાબી, વપરાશને કારણે પડતા ડાઘ-ધબ્બા, વ્હાઇટવોશ અથવા નિયમિત જાળવણીના ખર્ચ માટે સિક્યોરિટી ડિપોઝિટમાંથી કપાત કરી શકાશે નહીં. કોર્ટના મતે, ભાડૂત જ્યારે લાંબા સમય સુધી કોઈ મિલકતમાં રહે છે ત્યારે સામાન્ય વપરાશના કારણે થતી ખરાબી સ્વાભાવિક છે અને તેનો ખર્ચ ભાડૂત પર લાદી શકાય નહીં.

ગંભીર નુકસાન સાબિત કરવું પડશે

કોર્ટના નિર્ણય અનુસાર જો મકાનને ગંભીર નુકસાન થયું હોય, જેમ કે ઈરાદાપૂર્વક તોડફોડ કરવામાં આવી હોય, ઇલેક્ટ્રિક ફિટિંગ્સ દૂર કરવામાં આવ્યા હોય અથવા મિલકતને સામાન્ય વપરાશથી વધુ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય, તો જ મકાન માલિક વળતર માગી શકે છે. પરંતુ તેના માટે મકાન માલિકે કોર્ટ સમક્ષ સ્પષ્ટ પુરાવા રજૂ કરવા પડશે. તેમાં મરામતના બિલ, રસીદો, ઇન્વોઇસ, ફોટોગ્રાફ્સ અને અન્ય દસ્તાવેજો સામેલ હોઈ શકે છે.

આ પણ વાંચો: શું ખરેખર WhatsAppનું નવું User ID ફીચર બની શકે છે ઠગોનું હથિયાર? : કેન્દ્ર સરકારે શરૂ કરી તપાસ

કયા કેસમાં આવ્યો ચુકાદો?

દિલ્હી હાઈકોર્ટે 'મેસર્સ રિટસ હેરિટેજ એન્ડ અધર્સ વર્સેસ સંગીતા ગુપ્તા' કેસમાં આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. મકાન માલિકે દાવો કર્યો હતો કે, ભાડૂત દ્વારા મકાન ખાલી કર્યા બાદ મિલકતને ગંભીર નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે મરામત અને રિનોવેશન માટે અંદાજે 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. તેમાં ભાડે અપાયેલા બીજા અને ત્રીજા માળના સમારકામ પર લગભગ સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવાયું હતું. આ દાવાને સમર્થન આપવા માટે મકાન માલિકે કોર્ટમાં બિલ, રસીદો, ઇન્વોઇસ તેમજ મકાન ખાલી થયા બાદના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા.

કોર્ટે શું નોંધ્યું?

કોર્ટ દ્વારા રજૂ કરાયેલા ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા અને મિલકતને એવું નુકસાન થયું હતું, જેને સામાન્ય વપરાશનો ભાગ કહી શકાય નહીં. આવા સંજોગોમાં કોર્ટે સ્વીકાર્યું કે જો ભાડૂતની બેદરકારી કે કૃત્યને કારણે મિલકતને અસામાન્ય નુકસાન થયું હોય તો મકાન માલિકને વળતર મેળવવાનો અધિકાર છે.

આ પણ વાંચો: દેશભરમાં ચોમાસું થયું વધુ સક્રિય : આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જારી કરી ચેતવણી

ભાડૂતો માટે કેમ મહત્વપૂર્ણ છે આ ચુકાદો?

આ નિર્ણય ખાસ કરીને તેવા ભાડૂતો માટે મહત્વપૂર્ણ છે, જેમને મકાન ખાલી કરતી વખતે સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનફાવે તેવી કપાતનો સામનો કરવો પડતો હતો. દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે માત્ર પેઇન્ટિંગ, વ્હાઇટવોશ અથવા સામાન્ય જાળવણીના નામે સિક્યોરિટી ડિપોઝિટ રોકી શકાશે નહીં. જો કપાત કરવી હોય તો મકાન માલિકે યોગ્ય કારણ અને પૂરતા પુરાવા રજૂ કરવા પડશે. આ નિર્ણય ભાડૂતો અને મકાન માલિકો વચ્ચે પારદર્શિતા વધારવામાં મદદરૂપ બનશે અને ભાડા સંબંધિત વિવાદોમાં એક મહત્વપૂર્ણ ન્યાયિક માર્ગદર્શન પૂરું પાડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now