WhatsApp User ID Feature: વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા નવા User ID અથવા Username ફીચરને લઈને હવે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. વોટ્સએપે યુઝર્સને મોબાઇલ નંબર જાહેર કર્યા વિના વાતચીત કરવાની સુવિધા આપવા માટે આ નવું ફીચર રજૂ કર્યું છે, પરંતુ તેની સાથે જ ઓનલાઈન સુરક્ષા અને સાયબર છેતરપિંડીને લઈને ચિંતાઓ પણ ઊભી થઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર આ નવા ફીચરની વિગતવાર સમીક્ષા કરવાની તૈયારી કરી રહી છે. સરકારને આશંકા છે કે મોબાઇલ નંબર વિના ઓળખ બનાવી શકાય તેવી આ સુવિધાનો ઉપયોગ સાયબર ગુનેગારો, ફેક પ્રોફાઈલ બનાવનારા તત્વો અને ઓનલાઈન ઠગો દ્વારા કરવામાં આવી શકે છે. જો તપાસ દરમિયાન કોઈ ગંભીર સુરક્ષા ખામી સામે આવશે તો વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને સત્તાવાર નોટિસ મોકલવામાં આવી શકે છે.
મોબાઇલ નંબર વગર ચેટિંગની નવી સુવિધા
હાલ સુધી વોટ્સએપ પર કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કરવા માટે તેનો મોબાઇલ નંબર હોવો જરૂરી હતો. પરંતુ નવા Username ફીચર બાદ યુઝર્સ હવે પોતાનો અનોખો યુઝર આઈડી બનાવી શકશે અને તેના આધારે વાતચીત શરૂ કરી શકશે. આ સુવિધા ટેલિગ્રામની સિસ્ટમ જેવી જ છે, જ્યાં લોકો પોતાના યુઝરનેમ દ્વારા એકબીજા સાથે જોડાઈ શકે છે અને મોબાઇલ નંબર શેર કરવાની જરૂર રહેતી નથી. કંપનીનું કહેવું છે કે આ પગલાથી યુઝર્સની પ્રાઇવસી વધુ મજબૂત બનશે અને અજાણ્યા લોકો સાથે વાત કરતી વખતે વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહેશે.
સરકારને કેમ છે ચિંતા?
કેન્દ્ર સરકારનું માનવું છે કે આ ફીચર સાયબર ગુનેગારો માટે નવી તક બની શકે છે. જો કોઈ વ્યક્તિ જાણીતા બ્રાન્ડ, કંપની, બેંક અથવા સેલિબ્રિટીના નામ જેવું યુઝરનેમ બનાવીને લોકોને સંપર્ક કરે, તો છેતરપિંડીના નવા કિસ્સાઓ વધી શકે છે. સરકારી અધિકારીઓ માને છે કે, ખોટી ઓળખ છુપાવીને બનાવવામાં આવેલા ફેક યુઝરનેમનો ઉપયોગ ફિશિંગ, નાણાકીય છેતરપિંડી અને અન્ય ઓનલાઈન ગુનાઓ માટે થઈ શકે છે. આ કારણે સરકાર ટેકનિકલ અને સુરક્ષા બંને પાસાઓનું મૂલ્યાંકન કરવા માંગે છે.
આ પણ વાંચો: WhatsAppનું નવું Username ફીચર બની શકે છે મુસીબત? : લોન્ચ થતા પહેલા જ કેમ વધી લોકોની ચિંતા
ટેલિગ્રામ જેવી વ્યવસ્થા, પરંતુ પડકારો પણ
WhatsAppનું નવું ફીચર ઘણા અંશે ટેલિગ્રામની કાર્યપ્રણાલી જેવું છે. ટેલિગ્રામમાં યુઝરનેમ દ્વારા લોકો સરળતાથી જોડાઈ શકે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાં નકલી પ્રોફાઈલ અને ફેક યુઝરનેમના આધારે અનેક છેતરપિંડીના બનાવો સામે આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નહીં અપનાવવામાં આવે તો WhatsApp પર પણ આવી જ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને જાણીતી કંપનીઓ, જાહેર હસ્તીઓ અથવા સરકારી સંસ્થાઓના નામ મળતા આવતા યુઝરનેમ બનાવીને લોકોમાં ભ્રમ ફેલાવવાની શક્યતા વધી શકે છે.
વોટ્સએપનો સુરક્ષાને લઈને દાવો
વોટ્સએપે આ ફીચરને લઈને સ્પષ્ટતા કરી છે કે, દરેક યુઝરનેમ સંપૂર્ણપણે યુનિક હશે અને એક જ નામ બે અલગ વ્યક્તિઓ ઉપયોગમાં લઈ શકશે નહીં. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, કેટલાક હાઈ-પ્રોફાઈલ નામો પહેલેથી જ સુરક્ષિત રાખવામાં આવશે જેથી તેમની નકલ ન થઈ શકે. ઉપરાંત વોટ્સએપ કોઈ જાહેર યુઝરનેમ ડિરેક્ટરી બનાવવાની યોજના ધરાવતું નથી. એટલે કે કોઈ વ્યક્તિનું યુઝરનેમ જાણીતા વગર તેને શોધી શકાશે નહીં.
આ પણ વાંચો: WhatsAppમાં આવશે મોટો ફેરફાર! : હવે મોબાઇલ નંબર શેર કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો ક્યારે મળશે આ નવું ફીચર
તપાસ બાદ સરકાર લઈ શકે છે નિર્ણય
કેન્દ્ર સરકાર હાલમાં આ ફીચરના તમામ સુરક્ષા પાસાઓની તપાસ કરી રહી છે. જો તપાસમાં જાણવા મળશે કે આ સુવિધા સાયબર અપરાધીઓને મદદરૂપ બની શકે છે અથવા યુઝર્સની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે, તો સરકાર મેટા પાસેથી સ્પષ્ટતા માંગવાની સાથે જરૂરી કાર્યવાહી પણ કરી શકે છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે, નવી ટેક્નોલોજી અને પ્રાઇવસી ફીચર્સ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવી પણ એટલી જ જરૂરી છે.





