WhatsApp Username Feature: WhatsAppએ એક એવા ફેરફારની જાહેરાત કરી દીધી છે, જેની યુઝર્સ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. વોટ્સએપ પર હવે કોઈપણ વ્યક્તિ સાથે મોબાઈલ નંબર શેર કર્યા વગર પણ ચેટિંગ થઈ શકશે, આ માટે મેટા 'યુઝરનેમ' (Username) ફીચર લાવી રહ્યું છે. મેટાની માલિકીની આ એપનું કહેવું છે કે, આ ફીચર એવા લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે જેઓ કોઈ અજાણી વ્યક્તિ સાથે પોતાનો પર્સનલ નંબર શેર કરવા માંગતા નથી.
વોટ્સએપના આ અપડેટનો મોટો ફાયદો પ્રાઇવસી (Privacy)ને લઈને માનવામાં આવી રહ્યો છે. આ અપડેટ પછી જ્યારે તમે કોઈની સાથે પહેલીવાર વાત કરશો, તો સામેવાળી વ્યક્તિને તમારો ફોન નંબર નહીં દેખાય, પરંતુ તેની જગ્યાએ તમારું યુઝરનેમ દેખાશે. આનાથી મહિલાઓ અને એવા લોકોને ફાયદો થશે જેઓ પ્રાઇવસીને લઈને ચિંતિત રહે છે. જો કે, આ નવા ફીચરને લઈને ઈન્ટરનેટ પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ ફીચર આવવાથી વોટ્સએપ પર સ્કેમ અને ફ્રોડ (છેતરપિંડી)ના કેસ વધી શકે છે અને વોટ્સએપ ઘણું ખરું ટેલિગ્રામ જેવું બની જશે.
ટેલિગ્રામ જેવું બનવાનો ડર!
સોશિયલ મીડિયા પર ઘણા ટેક એક્સપર્ટ્સ અને બિઝનેસ લીડર્સે આ ફીચરના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે..
જસવીર સિંહ (KnotDatingના કો-ફાઉન્ડર): તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે, "વોટ્સએપે યુઝરનેમ લોન્ચ કર્યું છે. મારો પહેલો વિચાર પ્રાઇવસીનો નહીં, પરંતુ સ્કેમ (છેતરપિંડી)નો હતો. ટેલિગ્રામ ન વાપરવાનું સૌથી મોટું કારણ એ જ હતું કે ત્યાં કોઈ પણ તમારો નંબર જાણ્યા વગર તમને મેસેજ કરી શકે છે. આ સ્કેમર્સ માટે મોટી તક બની શકે છે."
અન્ય યુઝર્સની ચિંતા: જો યોગ્ય એન્ટી-એબ્યુઝ સિસ્ટમ (ગેરવર્તણૂક રોકવાની સિસ્ટમ) ન હોય, તો યુઝરનેમ મુસીબતનું કારણ બની શકે છે. યુઝર્સનું માનવું છે કે લોકો કોઈના પણ નામથી મળતા આવતા ફેક યુઝરનેમ બનાવીને લોકો પાસે પૈસા માંગી શકે છે.
વિજય શેખર શર્મા (Paytmના ફાઉન્ડર): તેમણે પણ આ વાત સાથે સહમતિ દર્શાવતા કહ્યું કે, ટૂંક સમયમાં જ વોટ્સએપ પર વેરિફાઇડ અને અનવેરિફાઇડ યુઝરનેમનું પૂર આવી જશે.
સેફ્ટીને લઈને મેટાનું શું કહેવું છે?
જો કે, મેટાએ યુઝરનેમ ફીચરને સુરક્ષિત ગણાવ્યું છે. મેટાએ પોતાના યુઝર્સને સ્કેમર્સથી બચાવવા માટે વોટ્સએપ યુઝરનેમ ફીચરમાં એક 'Username Key' ફીચર પણ ઉમેર્યું છે. આ અંતર્ગત દરેક વ્યક્તિ તમને મેસેજ નહીં કરી શકે. આ એક 4-ડિજિટનો યુનિક કોડ હશે. જો તમે તેને ઓન રાખશો, તો ભલે કોઈની પાસે તમારું યુઝરનેમ હોય, તે ત્યાં સુધી તમને મેસેજ નહીં કરી શકે જ્યાં સુધી તેને આ 4-ડિજિટનો કોડ ખબર ન હોય. જો કે, આ ફીચર બાય-ડિફોલ્ટ બંધ રહેશે, તમારે તેને જાતે ઓન કરવું પડશે.
શું કોઈ પણ તમને વોટ્સએપ પર શોધી શકશે?
WhatsAppએ સ્પષ્ટ કર્યું છે કે એપની અંદર યુઝરનેમની કોઈ પબ્લિક લિસ્ટ કે ડિરેક્ટરી નહીં હોય. એટલે કે કોઈ પણ રેન્ડમલી બ્રાઉઝ કરીને તમને શોધી શકશે નહીં. કોઈને તમારી સાથે કનેક્ટ થવા માટે તમારું બિલકુલ સાચું યુઝરનેમ ટાઈપ કરવું પડશે.
શું ખરેખર વધી જશે ફ્રોડનો ખતરો?
WhatsAppમાં આ ફીચર આવ્યા પછી પણ એપનું બેઝિક માળખું બદલાઈ નથી રહ્યું. દરેક વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માટે એક એક્ટિવ ફોન નંબરની જરૂર હંમેશા રહેશે. આ સિવાય, મેટાએ કેટલાક સેફ્ટી ફીચર્સ પણ જોડ્યા છે:
જો કોઈ યુઝરનેમ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર અન્ય કોઈની પાસે છે, તો તે વોટ્સએપ પર કોઈ બીજું લઈ શકશે નહીં.
જો તમે તમારું ઇન્સ્ટાગ્રામ વાળું સેમ યુઝરનેમ વોટ્સએપ પર ઈચ્છો છો, તો તમારે બંને એકાઉન્ટ્સને લિંક કરવા પડશે.
જાણીતી હસ્તીઓ અને VIPના યુઝરનેમ પહેલાથી જ રિઝર્વ રાખવામાં આવશે જેથી કોઈ તેમનું ફેક એકાઉન્ટ ન બનાવી શકે.
કેવી રીતે બનાવશો તમારું WhatsApp યુઝરનેમ?
જો તમે તમારું યુઝરનેમ સેટ કરવા માંગો છો, તો તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે:
1. સૌથી પહેલા તમારા વોટ્સએપને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
2. એપની Settingsમાં જઈને Account પેજ પર જાઓ.
3. અહીં તમને યુઝરનેમ પસંદ કરવાનો ઓપ્શન મળશે (તે વધુમાં વધુ 35 કેરેક્ટરનું હોઈ શકે છે).
4. તમે તેને જ્યારે ઈચ્છો ત્યારે એડિટ કે ડિલીટ પણ કરી શકો છો.
હાલમાં આ ફીચર ગ્લોબલ રોલઆઉટના ફેઝમાં છે અને અત્યારે તમે માત્ર તમારું યુઝરનેમ રિઝર્વ કરી શકો છો. આવનારા કેટલાક મહિનાઓમાં આ ફીચર પૂરી રીતે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે.





