Home National Whatsapp Username Feature Government Notice Meta Security Explained

WhatsAppનું Username ફીચર લોન્ચ પહેલાં જ વિવાદમાં : કેન્દ્ર સરકારે Metaને મોકલી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

WhatsApp
Published by: Suman Dabhi
Last Updated: Jul 02, 2026, 03:56 AM IST

WhatsApp Username Feature: WhatsApp ટૂંક સમયમાં પોતાના યુઝર્સ માટે Username Feature રજૂ કરવાની તૈયારીમાં છે, પરંતુ આ ફીચર સત્તાવાર રીતે લોન્ચ થાય તે પહેલાં જ વિવાદમાં આવી ગયું છે. કેન્દ્ર સરકારે સુરક્ષા અને યુઝર સલામતીને લઈને ચિંતા વ્યક્ત કરતાં WhatsAppની પેરેન્ટ કંપની Metaને નોટિસ મોકલી છે અને ત્રણ દિવસમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે. સરકારે કંપનીને સ્પષ્ટતા થાય ત્યાં સુધી ફીચર લોન્ચ ન કરવાની સલાહ પણ આપી હોવાનું જાણવા મળે છે.

શું છે WhatsAppનું Username Feature?

હાલમાં WhatsApp પર કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કરવા માટે તેનો મોબાઇલ નંબર જરૂરી હોય છે. નવા Username Feature દ્વારા ભવિષ્યમાં યુઝર્સ પોતાના માટે એક અનન્ય યુઝરનેમ પસંદ કરી શકશે, જેના આધારે તેઓ અન્ય લોકો સાથે સંપર્ક કરી શકશે. આ ફીચરનો મુખ્ય હેતુ વ્યક્તિગત મોબાઇલ નંબર શેર કર્યા વગર વાતચીતને વધુ સરળ અને ખાનગી બનાવવાનો છે. જો કે, આ સુવિધા હજુ સુધી સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ નથી અને કંપની તેને આ વર્ષના અંત સુધીમાં તબક્કાવાર રીતે લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

સરકારે કેમ ઉઠાવ્યા સુરક્ષાના સવાલ?

કેન્દ્ર સરકારનું માનવું છે કે Username આધારિત સિસ્ટમનો દુરુપયોગ કરીને નકલી એકાઉન્ટ, ઓળખની નકલ (Impersonation) અથવા ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં વધારો થઈ શકે છે. આ જ કારણસર સરકારે Metaને નોટિસ મોકલીને પૂછ્યું છે કે આવા જોખમોને રોકવા માટે કંપનીએ કયા સુરક્ષા ઉપાયો તૈયાર કર્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે યુઝર્સની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નહીં હોય અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા વગર ફીચર લોન્ચ ન કરવું જોઈએ.

Metaએ શું આપી સ્પષ્ટતા?

WhatsAppના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કંપનીએ હજુ ફીચર લોન્ચ કર્યું નથી અને તે આ વર્ષના અંતમાં ધીમે ધીમે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કંપનીએ જણાવ્યું છે કે ઘણા લોકપ્રિય અને સંવેદનશીલ Username પહેલાથી જ અનામત (Reserved) રાખવામાં આવ્યા છે. તેમાં જાણીતી હસ્તીઓ, સરકારી સંસ્થાઓ, ચકાસાયેલ Meta એકાઉન્ટ્સ અને અન્ય મહત્વપૂર્ણ નામોનો સમાવેશ થાય છે. તેનો હેતુ કોઈ અન્ય વ્યક્તિ તેમના નામે નકલી એકાઉન્ટ બનાવી ન શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

કંપનીએ ગણાવ્યા સુરક્ષાના અનેક સ્તરો

WhatsAppના જણાવ્યા મુજબ Username Feature સાથે અનેક સુરક્ષા વ્યવસ્થાઓ પણ લાગુ કરવામાં આવશે.

  • WhatsApp વાપરવા માટે મોબાઇલ નંબર ફરજિયાત રહેશે.

  • કોઈ વ્યક્તિ તમને Username દ્વારા મેસેજ મોકલવા માંગે તો તેને તમારું Username જાણવું જરૂરી રહેશે.

  • નવા એકાઉન્ટ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સંપર્ક કરવાની મર્યાદા રહેશે.

  • Usernameનો અંદાજ લગાવીને વારંવાર શોધવાના પ્રયાસોને સિસ્ટમ આપમેળે રોકશે.

  • નકલી એકાઉન્ટ અને Impersonation ઓળખવા માટે વિશેષ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત રહેશે.

  • શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આપમેળે કાર્યવાહી કરવાની વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે.

નવા મેસેજ અંગે યુઝર્સને મળશે વધારાની માહિતી

કંપનીએ વધુમાં જણાવ્યું છે કે જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ પ્રથમ વખત Username દ્વારા મેસેજ કરશે, ત્યારે WhatsApp યુઝરને કેટલીક મહત્વપૂર્ણ માહિતી બતાવશે.

તેમાં સામેલ રહેશે:

  • શું તે નવું એકાઉન્ટ છે?

  • શું તે તમારા ફોન સંપર્કોમાં સામેલ છે?

  • શું તમારી વચ્ચે કોઈ કોમન ગ્રુપ છે?

  • શું તે અન્ય દેશમાંથી મેસેજ કરી રહ્યું છે?

આ માહિતીના આધારે યુઝર નક્કી કરી શકશે કે તે વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરવી કે નહીં.

આ પણ વાંચો: સહારનપુર અકસ્માત બાદ એલર્ટ : દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર મુસાફરી કરતા પહેલાં આ 5 નિયમો જાણો

આ ફીચર કેમ મહત્વનું છે?

Username Feature WhatsApp માટે એક મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે. તેના કારણે યુઝર્સને પોતાનો મોબાઇલ નંબર જાહેર કર્યા વગર અન્ય લોકો સાથે જોડાવાની સુવિધા મળશે. ખાસ કરીને બિઝનેસ, ક્રિએટર્સ અને જાહેર જીવન સાથે જોડાયેલા લોકો માટે આ ફીચર ઉપયોગી બની શકે છે. જો કે, સુરક્ષા અને છેતરપિંડીના જોખમોને ધ્યાનમાં રાખીને સરકાર અને કંપની બંને આ ફીચરને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસમાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now