નવી દિલ્હી: દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે શરૂ થયા બાદ દિલ્હીથી દેહરાદૂન અને હરિદ્વાર સુધીની મુસાફરી વધુ ઝડપી અને સરળ બની છે. જોકે, તાજેતરમાં સહારનપુર નજીક બનેલા એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત બાદ આ એક્સપ્રેસવે પર સુરક્ષિત ડ્રાઇવિંગને લઈને ફરી ગંભીર ચર્ચા શરૂ થઈ છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પરિવહન વિભાગે વાહનચાલકો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પાંચ એવી સામાન્ય ભૂલો વિશે ચેતવણી આપવામાં આવી છે, જે ઘણી વખત જીવલેણ અકસ્માતનું કારણ બને છે. પરિવહન વિભાગનું કહેવું છે કે એક્સપ્રેસવે પર વધુ ઝડપ, ટ્રાફિક નિયમોની અવગણના અને બેદરકારીને કારણે ગંભીર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. તેથી મુસાફરી પહેલાં અને દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
સહારનપુર નજીક કેવી રીતે સર્જાયો અકસ્માત?
તાજેતરમાં સહારનપુર નજીક દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હરિયાણાના સોનીપતથી એક પરિવાર કારમાં હરિદ્વાર દર્શન માટે જઈ રહ્યો હતો. પ્રાથમિક તપાસ અને સીસીટીવી ફૂટેજ મુજબ કાર એક્સપ્રેસવે પર રિવર્સ લેવાનો પ્રયાસ કરી રહી હતી. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક એસયુવીએ કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર હવામાં ફંગોળાઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી અને સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ એક્સપ્રેસવે પર ટ્રાફિક નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી સ્પષ્ટ કર્યું છે.
આ પણ વાંચો: હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર! : જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો, શું હવે સસ્તી થશે ફ્લાઇટ ટિકિટ?
ગતિમર્યાદાનું કડક પાલન જરૂરી
ઉત્તરાખંડ પરિવહન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર હળવા વાહનો માટે મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક અને ભારે વાહનો માટે 80 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.
આ નિયમોના પાલન પર નજર રાખવા માટે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રોનિક સ્પીડ કેમેરા લગાવવામાં આવ્યા છે. ઓવરસ્પીડિંગ કરતા વાહનચાલકોને ઈ-ચાલાન પણ ફટકારવામાં આવી રહ્યા છે. વિભાગે મુસાફરી પહેલાં જ પોતાનો એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ નક્કી કરી લેવાની સલાહ આપી છે, જેથી રસ્તામાં ગૂંચવણ ન સર્જાય અને રિવર્સ અથવા ખોટી દિશામાં વાહન ચલાવવાની જરૂર ન પડે.
આ પણ વાંચો: ચેતન ચૌધરીને લોહગઢ કિલ્લા પર લઈ પહોંચી પોલીસ : ફરી સર્જાયો હત્યાકાંડનો ઘટનાક્રમ; કરાયું ગેઈટ એનાલિસિસ
આ પાંચ ભૂલો જીવલેણ સાબિત થઈ શકે
પરિવહન વિભાગે ખાસ પાંચ બાબતો અંગે કડક ચેતવણી આપી છે.
1. રિવર્સ, યુ-ટર્ન અને રોંગ સાઇડ ડ્રાઇવિંગથી દૂર રહો
એક્સપ્રેસવે પર કોઈપણ સંજોગોમાં વાહન રોકીને રિવર્સ લેવું, યુ-ટર્ન મારવો અથવા ખોટી દિશામાં વાહન ચલાવવું અત્યંત જોખમી છે. મોટા ભાગના ગંભીર અકસ્માતો આવી બેદરકારીને કારણે જ સર્જાય છે.
2. વન્યજીવો પ્રત્યે સાવચેત રહો
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનો એક ભાગ રાજાજી નેશનલ પાર્ક નજીકથી પસાર થાય છે. ખાસ કરીને રાત્રિના સમયે જંગલી પ્રાણીઓ અચાનક રસ્તા પર આવી શકે છે. આવા વિસ્તારોમાં અનાવશ્યક હોર્ન વગાડવાનું ટાળવું અને નિયંત્રિત ઝડપે વાહન ચલાવવું જોઈએ.
3. ટનલ અને ઢાળવાળા રસ્તાઓ પર વિશેષ સાવચેતી
દેહરાદૂન તરફ આશારોડી વિસ્તારની ઊંચી-નીચી ઢાળ અને દાટકાલી મંદિર નજીક આવેલી ટનલમાં પ્રવેશતા પહેલાં હેડલાઇટ ચાલુ રાખવી અને વાહનની ગતિ ધીમી રાખવી જરૂરી છે. ટનલમાં દૃશ્યતા ઓછી હોવાથી સાવચેતી ખૂબ મહત્વની બને છે.
4. વાહનની સર્વિસ અને ઇંધણની તપાસ કરો
હાલમાં સમગ્ર એક્સપ્રેસવે પર પેટ્રોલ પંપ, મિકેનિક અને અન્ય સુવિધાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી. તેથી લાંબી મુસાફરી પહેલાં વાહનની સર્વિસ કરાવી લેવી અને ઇંધણની ટાંકી ભરેલી રાખવી જોઈએ.
5. ટાયર પ્રેશર ચકાસવાનું ભૂલશો નહીં
લાંબા સમય સુધી વધુ ઝડપે વાહન ચલાવવાથી ટાયરમાં ગરમી વધે છે, જેના કારણે ટાયર ફાટવાનો ખતરો વધી શકે છે. મુસાફરી પહેલાં કંપનીના ધોરણ મુજબ ટાયરનું હવાનું દબાણ ચકાસવું ખૂબ જરૂરી છે.
દર વર્ષે હજારો લોકો ગુમાવે છે જીવ
સરકારી આંકડા મુજબ ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં 1.5 લાખથી વધુ લોકોના મોત થાય છે. તેમાં એક મોટો હિસ્સો હાઈવે અને એક્સપ્રેસવે પર થતા અકસ્માતોનો છે. ઓવરસ્પીડિંગ, થાક, ઊંઘની ઝોક, ટાયર ફાટવો અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું જેવા કારણો સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે.
સુરક્ષિત મુસાફરી માટે આટલું જરૂર યાદ રાખો
લાંબી મુસાફરી દરમિયાન દર બે-ત્રણ કલાકે થોડો વિરામ લેવો જોઈએ જેથી થાક અને ઊંઘ ટાળી શકાય. હંમેશા પોતાની લેનમાં વાહન ચલાવવું અને ઓવરટેક કરતી વખતે ઈન્ડિકેટરનો ઉપયોગ કરવો જરૂરી છે. ઉપરાંત આગળ ચાલતા વાહનથી ઓછામાં ઓછું ત્રણથી ચાર સેકન્ડનું સલામત અંતર જાળવવું જોઈએ, જેથી અચાનક બ્રેક લાગવાની સ્થિતિમાં અકસ્માત ટાળી શકાય. દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે મુસાફરીને ઝડપી અને આરામદાયક બનાવે છે, પરંતુ સુરક્ષિત મુસાફરી માટે ટ્રાફિક નિયમોનું પાલન એટલું જ જરૂરી છે. થોડી સાવચેતી અને જવાબદાર ડ્રાઈવિંગ અનેક કિંમતી જિંદગીઓ બચાવી શકે છે.





