WhatsApp Username Feature Telegram India: ભારતમાં વધી રહેલી ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ એટેક અને સાયબર ગુનાઓને લઈને કેન્દ્ર સરકાર હવે વધુ સખત વલણ અપનાવી રહી છે. વોટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચર પર સવાલ ઉઠાવ્યા બાદ સરકારે હવે લોકપ્રિય મેસેજિંગ એપ્સ ટેલિગ્રામ અને સિગ્નલને પણ નોટિસ મોકલી છે. સરકારનું માનવું છે કે યુઝરનેમ આધારિત ઓળખ પ્રણાલીનો દુરુપયોગ કરીને સાયબર ગુનેગારો લોકો સાથે છેતરપિંડી કરી શકે છે. ટેકનોલોજી મંત્રાલય દ્વારા મોકલાયેલી નોટિસોમાં બંને પ્લેટફોર્મ્સને પૂછવામાં આવ્યું છે કે તેઓ તેમના યુઝરનેમ ફીચર દ્વારા ઊભા થતા સંભવિત જોખમોને કેવી રીતે નિયંત્રિત કરશે. ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ, નકલી ઓળખ અને ડિજિટલ ફ્રોડને રોકવા માટે કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.
ટેલિગ્રામ અને સિગ્નલને સરકારના સીધા સવાલ
અહેવાલો અનુસાર, માહિતી ટેકનોલોજી મંત્રાલયે ટેલિગ્રામને પૂછ્યું છે કે, તેના યુઝરનેમ ફીચરને ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવામાં આવે અને તેનો દુરુપયોગ રોકવા માટે કંપની પાસે કઈ અસરકારક વ્યવસ્થા છે. આવી જ પ્રકારની નોટિસ સિગ્નલને પણ મોકલવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. સરકારની ચિંતા એ છે કે,મોબાઈલ નંબર જાહેર કર્યા વગર માત્ર યુઝરનેમ દ્વારા સંપર્ક કરવાની સુવિધા કેટલાક કિસ્સાઓમાં ગુનેગારો માટે અનુકૂળ બની શકે છે. જેના કારણે ફિશિંગ, નાણાકીય છેતરપિંડી અને ઓળખ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા વધી શકે છે.
વોટ્સએપના યુઝરનેમ ફીચર પર પણ સરકારે લગાવી રોક
ટેલિગ્રામ અને સિગ્નલને નોટિસ મોકલતાં પહેલાં સરકારે મેટા માલિકીની વોટ્સએપને પણ પ્રસ્તાવિત યુઝરનેમ ફીચર અંગે નોટિસ પાઠવી હતી. સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી કંપની સંતોષકારક રીતે સુરક્ષા સંબંધિત પ્રશ્નોના જવાબ નહીં આપે ત્યાં સુધી આ ફીચર ભારતમાં લોન્ચ કરવામાં નહીં આવે. કેન્દ્ર સરકારનું માનવું છે કે,યુઝરનેમ આધારિત સિસ્ટમથી છેતરપિંડીના નવા માર્ગો ઉભા થઈ શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે દેશમાં ડિજિટલ અરેસ્ટ, ફેક પ્રોફાઇલ અને ઓનલાઈન ઠગાઈના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
આ પણ વાંચો: WhatsAppનું Username ફીચર વૈકલ્પિક અને સુરક્ષિત રહેશે! : કંપનીએ ગોપનીયતા અંગે દૂર કરી શંકાઓ
સુરક્ષા ઉપાયો અંગે વિગતવાર માહિતી માંગવામાં આવી
મંત્રાલયે ત્રણેય પ્લેટફોર્મ્સ પાસેથી સ્પષ્ટ જવાબ માંગ્યો છે કે તેઓ છેતરપિંડી રોકવા માટે કઈ ટેક્નોલોજી અને નીતિઓનો ઉપયોગ કરે છે. તેમાં ફેક એકાઉન્ટ્સની ઓળખ, શંકાસ્પદ પ્રવૃત્તિઓનું મોનિટરિંગ, યુઝર વેરિફિકેશન પ્રક્રિયા અને ફરિયાદ નિવારણ મિકેનિઝમ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સરકાર ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે વધુ કડક નિયમન લાવવાની દિશામાં આગળ વધી રહી હોવાનું પણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઈમના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મેસેજિંગ એપ્સની જવાબદારી વધારવા અંગે ચર્ચા ચાલી રહી છે.
વોટ્સએપે કર્યો ફીચરનો બચાવ
વોટ્સએપે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે યુઝરનેમ ફીચર યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિકસાવવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેમાં દુરુપયોગ અટકાવવા માટે અનેક સુરક્ષા સ્તરો પહેલેથી જ સામેલ કરવામાં આવ્યા છે. ભારત વોટ્સએપ માટે સૌથી મોટું બજાર ગણાય છે, જ્યાં 50 કરોડથી વધુ સક્રિય યુઝર્સ છે. આવી સ્થિતિમાં કંપની માટે ભારતીય બજાર અત્યંત મહત્વનું છે અને સરકારની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં આ ફીચરમાં ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
NEET પેપર લીક બાદ ટેલિગ્રામ ફરી ચર્ચામાં
ટેલિગ્રામ અગાઉ પણ ભારત સરકારની નજરમાં આવી ચૂક્યું છે. NEET પરીક્ષા પેપર લીક, નકલી અભ્યાસ સામગ્રી અને ભ્રામક માહિતીના પ્રસારને લઈને ગયા વર્ષે ટેલિગ્રામની કામગીરી અંગે સવાલો ઉઠ્યા હતા. તે સમયે સરકાર દ્વારા પ્લેટફોર્મની કેટલીક સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જોકે બાદમાં પરિસ્થિતિની સમીક્ષા કરીને પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર ટેલિગ્રામ તેના યુઝરનેમ ફીચરને કારણે સરકારની કડક દેખરેખ હેઠળ આવ્યું છે.
સાયબર સુરક્ષા પર સરકારનું વધતું ધ્યાન
ડિજિટલ ઈન્ડિયાના યુગમાં ઓનલાઈન વ્યવહારો અને સંચારના વધતા ઉપયોગ સાથે સાયબર સુરક્ષા સરકાર માટે પ્રાથમિકતા બની રહી છે. સરકારનું માનવું છે કે ટેક્નોલોજી લોકો માટે સુવિધા લાવે, પરંતુ તેની આડઅસર રૂપે ગુનાખોરીને પ્રોત્સાહન ન મળે તે સુનિશ્ચિત કરવું પણ એટલું જ જરૂરી છે. આ કારણે આગામી સમયમાં મેસેજિંગ એપ્સ માટે વધુ પારદર્શિતા, જવાબદારી અને સુરક્ષા ધોરણો લાદવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





