Google 9 crore Job AI Startup: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવ વચ્ચે વિશ્વભરની ટેક કંપનીઓમાં છટણીના સમાચાર સતત ચર્ચામાં છે. હજારો કર્મચારીઓ પોતાની નોકરી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશી મૂળના એક યુવકે બિલકુલ વિપરીત રસ્તો પસંદ કરીને સૌને ચોંકાવી દીધા છે. ગૂગલમાં કરોડોના પેકેજ પર કામ કરતો આ યુવાન હવે પોતાની કંપનીનો માલિક બની ગયો છે. બાંગ્લાદેશી મૂળના અમેરિકન ઉદ્યોગસાહસિક યુસુફ ઈમરાને વાર્ષિક અંદાજે 10 લાખ ડોલર એટલે કે આશરે 9 કરોડ રૂપિયાના પેકેજવાળી ગૂગલની નોકરી છોડી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, તેઓ સોફ્ટવેર એન્જિનિયર નથી, છતાં AI ક્ષેત્રમાં મળેલા અનુભવના આધારે તેમણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને ઉદ્યોગસાહસિકતાની નવી દિશા પસંદ કરી છે.
બાંગ્લાદેશથી અમેરિકા સુધીની સફર
યુસુફ ઈમરાનનો જન્મ બાંગ્લાદેશી શરણાર્થી પરિવારમાં થયો હતો. તેઓ માત્ર પાંચ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ટેક્નોલોજી નહીં પરંતુ સેલ્સ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી. લગભગ 15 વર્ષ સુધી વિવિધ કંપનીઓમાં સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કર્યા બાદ તેમને વર્ષ 2020માં ગૂગલમાં જોડાવાની તક મળી હતી. અહીં તેમણે અકાઉન્ટ એક્ઝિક્યૂટિવ તરીકે જવાબદારી સંભાળી હતી.
ગૂગલમાં AI ટૂલ્સ વેચતાં મળ્યો નવો વિચાર
ગૂગલમાં યુસુફ ઈમરાનનું મુખ્ય કામ કંપનીઓને ગૂગલના AI આધારિત પ્રોડક્ટ્સ અને ક્લાઉડ સોલ્યુશન્સ વેચવાનું હતું. સાથે જ ગ્રાહકોને ટેક્નિકલ માર્ગદર્શન આપવાની જવાબદારી પણ તેમની પાસે હતી. આ સમયગાળા દરમિયાન તેઓ AI ટેક્નોલોજીથી ખૂબ પ્રભાવિત થયા અને આ ક્ષેત્રમાં ઊંડો રસ કેળવ્યો. જોકે તેમનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ સોફ્ટવેર એન્જિનિયરિંગનું નહોતું, તેમ છતાં તેમણે પોતાની જિજ્ઞાસા અને સતત અભ્યાસ દ્વારા
AI સંબંધિત કુશળતા વિકસાવી. તેમણે ChatGPT, Gemini અને અન્ય જનરેટિવ AI પ્લેટફોર્મની મદદથી વિવિધ એપ્લિકેશન અને સાઇડ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: ITR ફાઈલ કરતા પહેલાં આટલું જાણી લો : સરકારે બદલ્યા નિયમો, હવે કરોડો કરદાતાઓને મળશે સીધી રાહત
9 કરોડની નોકરી છોડવાનો લીધો મોટો નિર્ણય
ટેક ઉદ્યોગમાં વધતી છટણી અને બદલાતા વ્યવસાયિક માહોલ વચ્ચે યુસુફે પોતાની કારકિર્દી અંગે અલગ રીતે વિચારવાનું શરૂ કર્યું. ગૂગલ જેવી કંપનીમાં ઊંચું પેકેજ મળતું હોવા છતાં તેમણે માન્યું કે લાંબા ગાળે પોતાનો બિઝનેસ ઉભો કરવો વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહેવાલો અનુસાર, તેમને AI ક્ષેત્રની અન્ય અગ્રણી કંપનીઓ તરફથી પણ આકર્ષક ઓફરો મળી હતી. ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી કંપનીઓમાં જોડાવાની તક હોવા છતાં તેમણે પોતાનું સાહસ શરૂ કરવાનો નિર્ણય લીધો. યુસુફનું માનવું હતું કે, માત્ર નોકરી પર નિર્ભર રહેવા કરતાં પોતાના સ્ટાર્ટઅપમાં માલિકી હિસ્સો હોવો વધુ મૂલ્યવાન છે.
'મેંગોસ્ટીન સ્ટુડિયો' દ્વારા AI સેવાઓ
ગૂગલ છોડ્યા બાદ યુસુફ ઈમરાને 'મેંગોસ્ટીન સ્ટુડિયો' નામની પોતાની AI આધારિત કંપની શરૂ કરી છે. આ સ્ટાર્ટઅપ ખાસ કરીને ફ્રીલાન્સર્સ, કન્સલ્ટન્ટ્સ અને સ્વરોજગારી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને AI ટૂલ્સ અને સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવે છે. તેમણે કંપનીના વિકાસ માટે અંદાજે બે કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ ઉપરાંત વ્યક્તિગત નાણાકીય સુરક્ષા માટે પણ અલગથી ફંડ ફાળવ્યું હોવાનું જણાવ્યું છે. તેમના મતે, AI માત્ર પરંપરાગત નોકરીઓને અસર કરશે એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં નવી તકો અને રોજગારીના નવા ક્ષેત્રો પણ ઉભા કરશે.
આ પણ વાંચો: EPFOની નવી સ્કીમ અમલમાં : જાણો PFના રૂપિયા, પેન્શન અને કંપનીઓના નિયમોમાં શું થયો બદલાવ
AI માત્ર પડકાર નહીં, નવી તકો પણ લાવી રહ્યું છે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે વિશ્વભરની કંપનીઓમાં ઓટોમેશન વધી રહ્યું છે અને ઘણી જગ્યાએ માનવશક્તિની જરૂરિયાત ઘટી રહી છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે AI નવી નોકરીઓ અને નવા બિઝનેસ મોડલ્સ પણ ઊભા કરી શકે છે. યુસુફ ઈમરાનની કહાની એ દર્શાવે છે કે, બદલાતી ટેક્નોલોજી વચ્ચે માત્ર જોખમ જ નથી, પરંતુ નવી તકો પણ છુપાયેલી છે. યોગ્ય દૃષ્ટિકોણ અને સાહસ સાથે બદલાતા સમયને પોતાના પક્ષમાં ફેરવી શકાય છે.





