Home National Andhra Pradesh Coronavirus Live Lost 46 Year Old Pneumonia Lung Infection

કોરોનાએ લીધો વધુ એક જીવ! : બંને ફેફસાંમાં ગંભીર ચેપ બાદ શ્વાસની તકલીફ થતા હોસ્પિટલ પહોંચેલા દર્દીનું કોરોનાથી મોત

Coronavirus India
Published by: Nirali Gohil
Last Updated: Jul 10, 2026, 05:00 AM IST

COVID-19 News: દેશમાં કોરોનાના છૂટાછવાયા કેસો વચ્ચે આંધ્ર પ્રદેશમાંથી ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજ્યના કડપ્પા જિલ્લામાં 46 વર્ષીય એક વ્યક્તિનું કોરોના સંક્રમણને કારણે મોત થયું હોવાનું આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે. દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ, સતત ઉધરસ અને ફેફસાંમાં ગંભીર ચેપની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચાર દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી હોવા છતાં તેની સ્થિતિમાં સુધારો ન થતાં અંતે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર કોરોના સંક્રમણ પ્રત્યે સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, દર્દીના બંને ફેફસાં ગંભીર રીતે પ્રભાવિત થઈ ગયા હતા અને તેને ન્યૂમોનિયા પણ થયો હતો. મૃત્યુ બાદ આરોગ્ય વિભાગે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે જરૂરી પગલાં શરૂ કરી દીધા છે.

શરૂઆતમાં એન્ટીબાયોટિક સારવાર અપાઈ, પછી થયો કોરોનાનો ખુલાસો

જિલ્લા મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર ડૉ. રવિ બાબુના જણાવ્યા અનુસાર, મૃતક કડપ્પાના માસાપેટા વિસ્તારનો રહેવાસી હતો. તેને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ અને સતત ઉધરસની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન તેની છાતીનો એક્સ-રે કરવામાં આવ્યો, જેમાં બંને ફેફસાં ગંભીર રીતે ચેપગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. તેના કારણે દર્દીને ન્યૂમોનિયા પણ થયો હતો. ડૉક્ટરોએ શરૂઆતમાં દર્દીને હાઈ-ડોઝ એન્ટીબાયોટિક દવાઓ આપી સારવાર શરૂ કરી હતી. જોકે ચાર દિવસ સુધી સારવાર છતાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નહોતો. ત્યારબાદ ડૉક્ટરોને કોરોના સંક્રમણની આશંકા જાગતાં દર્દીની છાતીનો CT સ્કેન કરવામાં આવ્યો, જેમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી.

આરોગ્ય વિભાગે શરૂ કરી ટ્રેસિંગ અને સેનિટાઇઝેશનની કામગીરી

દર્દીના મોત બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી સંક્રમણ નિયંત્રણ માટે કાર્યવાહી શરૂ કરી છે. મૃતક રહેતો વિસ્તાર સેનિટાઇઝ કરવામાં આવ્યો છે અને તેના નજીકના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તેમની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, માત્ર મૃતકના સીધા સંપર્કમાં આવેલા લોકો જ નહીં પરંતુ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી સંક્રમણ વધુ ન ફેલાય.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાયરસની દહેશત : 5ના મોત બાદ આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર

આરોગ્ય નિષ્ણાતોની અપીલ

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે શ્વાસ લેવામાં તકલીફ, સતત ઉધરસ, તાવ અથવા ફેફસાં સંબંધિત ગંભીર લક્ષણો દેખાય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ. ખાસ કરીને વૃદ્ધો, ગંભીર બીમારી ધરાવતા લોકો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તબીબોનું માનવું છે કે, કોરોનાના મોટાભાગના કેસ હાલ હળવા હોય છે, પરંતુ કેટલાક દર્દીઓમાં ગંભીર જટિલતાઓ પણ સર્જાઈ શકે છે. તેથી સમયસર તપાસ અને યોગ્ય સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય

આરોગ્ય વિભાગે લોકોને ગભરાવા નહીં પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરી છે. હાથની સ્વચ્છતા, જરૂર પડે ત્યારે માસ્કનો ઉપયોગ અને લક્ષણો જણાય તો તરત તપાસ કરાવવી જેવી બાબતોનું પાલન કરવાથી સંક્રમણનું જોખમ ઘટાડી શકાય છે. હાલ આરોગ્ય વિભાગ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now